પિન્ક બ્લશ થયું આઉટડેટેડ, હવે પર્પલ બ્લશનો ટ્રેન્ડ છવાયો

07 April, 2026 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું ક્યારેય વિચાર્યું છે કે તમારા ગાલ પર પર્પલ બ્લશ કેવું લાગે? સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે પણ હાલની સીઝનનો સૌથી હૉટ ટ્રેન્ડ પર્પલ બ્લશ છે

પ્રતીકાત્મક તસવીર

સમર મેકઅપની વાત આવે એટલે અત્યાર સુધી આપણે ગુલાબી ગાલ અને ન્યુડ શેડ્સની જ કલ્પના કરતા હતા, પરંતુ આ વર્ષે પર્પલ બ્લશ બહુ ટ્રેન્ડમાં છે. સાંભળવામાં કદાચ થોડું અજીબ લાગે કે ગાલ પર પર્પલ રંગ કેવો લાગશે? જોકે હકીકત એ છે કે આ શેડ ભારતીય સ્કિન-ટોન માટે ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યો છે.

પિન્ક બ્લશ કરતાં કેમ અલગ?

પર્પલ બ્લશની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ચહેરા પર નૅચરલ દેખાય છે. આપણા ભારતીય સ્કિન-ટોન જેમાં સામાન્ય રીતે યલો કે ઑલિવ અન્ડરટોન હોય છે, પર્પલ રંગ મૅજિક જેવું કામ કરે છે. પર્પલ રંગ ચક્રના વ્હીલ પર પીળા રંગની બરાબર સામે આવે છે. એટલે જો તમારા ચહેરા પર થોડો પણ થાક કે પીળાશ હોય તો પર્પલ બ્લશ એને ન્યુટ્રલાઇઝ કરીને ચહેરાને ઇન્સ્ટન્ટ બ્રાઇટનેસ આપે છે. પિન્ક ઘણી વાર આર્ટિફિશ્યલ લાગે છે, પણ પર્પલ સ્કિન સાથે ભળી જઈને એવો લુક આપે છે જાણે તમે કુદરતી રીતે જ ગ્લો કરી રહ્યા હો.

કેવી રીતે લગાવવો?

માત્ર રંગ બદલવાથી કામ નથી ચાલતું, એને લગાવવાની ટેક્નિક પણ એટલી જ મહત્ત્વની છે. જો તમારી સ્કિન ફેર હોય તો લૅવન્ડર કે લાઇટ લાઇલૅક શેડ પસંદ કરો. જો સ્કિન થોડી ડાર્ક કે ઘઉંવર્ણ હોય તો પ્લમ કે બેરી પર્પલ શેડ અદ્ભુત લાગશે.

પર્પલ બ્લશ હંમેશાં થોડું-થોડું કરીને લગાવો. પહેલાં એક પાતળું લેયર કરો અને જરૂર જણાય તો જ એને ડાર્ક કરો.

બ્લશને માત્ર ગાલની ઉપરના ભાગમાં એટલે કે ટેમ્પલ સુધી ખેંચો. એનાથી ફેસ લિફ્ટેડ દેખાશે.

તમે જ્યારે પર્પલ બ્લશ લગાવો ત્યારે લિપસ્ટિક પણ ન્યુડ અથવા પર્પલ ફૅમિલીની જેમ કે મોવ અથવા બેરી શેડની રાખશો તો લુક વધુ બૅલૅન્સ લાગશે.

જો તમારી સ્કિન ઑઇલી રહેતી હોય તો પાઉડર બ્લશ બેસ્ટ છે. એ લાંબો સમય ટકશે. જો તમે ડ્યુઈ અને ગ્લોઇંગ લુક ઇચ્છતા હો તો ક્રીમ અથવા લિક્વિડ બ્લશ વાપરી શકાય. ગાલ પર બે-ત્રણ ડૉટ્સ મૂકીને આંગળીઓથી એને બ્લેન્ડ કરવાથી એકદમ નૅચરલ ફિનિશ મળે છે. આંખો પર કાજલ લગાવશો તો આ બ્લશ વધુ ઊઠીને દેખાશે.

fashion fashion news life and style lifestyle news columnists