રેટિનૉલને ટક્કર આપવા માટે આવી ગયું છે રેટિનલ

30 January, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કિન-કૅરની દુનિયામાં અત્યાર સુધી રેટિનૉલને રાજા માનવામાં આવતું હતું, પરંતુ હવે એક નવો હીરો સામે આવ્યો છે રેટિનલ. જો તમે ઍન્ટિ-એજિંગ અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો તમારે જાણવું જોઈએ કે કેમ નિષ્ણાતો હવે રેટિનૉલ છોડીને રેટિનલ અપનાવવાની સલાહ આપે છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દાયકાઓથી જો સ્કિન-કૅરમાં કોઈ એક ઘટકનું વર્ચસ્વ રહ્યું હોય તો એ રેટિનૉલ છે. કરચલીઓ ઘટાડવા અને ત્વચાને જુવાન રાખવા માટે ડૉક્ટરો રેટિનૉલ લગાવવાની સલાહ આપતા આવ્યા છે, પરંતુ હવે બજારમાં એક નવો ઘટક આવ્યો છે જેને રેટિન અથવા ટેક્નિકલ ભાષામાં રેટિનલ્ડિહાઇડ કહેવામાં આવે છે. આ ઘટક રેટિનૉલ કરતાં અનેકગણો વધુ પ્રભાવશાળી સાબિત થઈ રહ્યો છે અને લોકો હવે રેટિનૉલ છોડીને આ નવા અપગ્રેડ પાછળ ભાગી રહ્યા છે.

વધુ કાર્યક્ષમ

આપણે જ્યારે ત્વચા પર કોઈ પણ વિટામિન A પ્રોડક્ટ લગાવીએ છીએ ત્યારે આપણી ત્વચા એને સીધી રીતે ગ્રહણ કરી શકતી નથી. ત્વચાના કોષોમાં કામ કરવા માટે એ પ્રોડક્ટનું રેટિનૉઇક ઍસિડમાં રૂપાંતર થવું અનિવાર્ય છે. રેટિનૉલને આ પ્રક્રિયામાં બે તબક્કામાંથી પસાર થવું પડે છે. પહેલાં રેટિનૉલમાંથી રેટિનલ બને છે અને પછી એમાંથી રેટિનૉઇક ઍસિડ બને છે. આ એક સ્ટેપનો તફાવત રેટિનલને રેટિનૉલ કરતાં ૧૧ ગણી વધુ ઝડપી અસરકારકતા આપે છે. આનો અર્થ એ છે કે જે પરિણામ મેળવવા માટે રેટિનૉલ મહિનાઓ લે છે એ રેટિનલ માત્ર થોડાં જ અઠવાડિયાંમાં કરી બતાવે છે.

કેમ ટ્રેન્ડમાં?

રેટિનલની લોકપ્રિયતા પાછળ માત્ર એની ઝડપ જ નથી, પણ એના અનેક ફાયદાઓ છે. એક તો એ કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરવામાં અત્યંત સચોટ છે. બીજી એની ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટી છે. રેટિનૉલમાં બૅક્ટેરિયા સામે લડવાની ક્ષમતા હોતી નથી, જ્યારે રેટિનલ સીધું જ ખીલ પેદા કરતા બૅક્ટેરિયાનો નાશ કરે છે. આથી જે લોકોને વધતી ઉંમરની સાથે ખીલની સમસ્યા હોય તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્રીજો ફાયદો એ છે કે એ ત્વચાના ટેક્સ્ચરને સુધારે છે અને પોર્સને સાફ રાખીને ત્વચાને કાચ જેવી ચમક આપે છે.

સાવચેતી

કોઈ પણ શક્તિશાળી પ્રોડક્ટની જેમ રેટિનૉલનો ઉપયોગ પણ સાવચેતીથી કરવો જોઈએ. નિષ્ણાતોના મતે રેટિનલ હંમેશાં રાતના સમયે જ લગાવવું જોઈએ, કારણ કે સૂર્યનાં કિરણોમાં એ એની શક્તિ ગુમાવે છે. વધુમાં રેટિનલ વાપરતી વખતે ત્વચા સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલ બને છે, તેથી દિવસે ઉચ્ચ ગુણવત્તાવાળું સનસ્ક્રીન લોશન લગાવવું ફરજિયાત છે. શરૂઆતમાં એને અઠવાડિયામાં બે વાર વાપરીને ત્વચાને એની આદત પાડવી જોઈએ, જેને સ્કિન-સાઇક્લિંગ કહેવામાં આવે છે.

જો તમને રેટિનૉલ વાપરવાથી ખાસ પરિણામ ન મળ્યું હોય અથવા તમને ઝડપી અને અસરકારક ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ જોઈએ છે તો તમે રેટિનલ ટ્રાય કરી શકો. 

skin care fashion fashion news life and style lifestyle news columnists