25 November, 2025 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેટ્રો સ્ટાઇલનાં સ્નીકર્સ
ફૅશનની દુનિયામાં છાશવારે ફેરફાર થાય છે અને જૂની ફૅશનનું પુનરાવર્તન પણ થાય છે. રેટ્રો સ્ટાઇલ સ્નીકર્સનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અત્યારના યંગસ્ટર્સ પહેલાંના જમાનાની ડિઝાઇનવાળાં સ્પોર્ટ્સ શૂઝને પસંદ કરી રહ્યા છે. આવાં શૂઝ એટલાં ઝડપથી વેચાઈ રહ્યાં છે કે દુકાનોમાં સ્ટૉક રહેતો નથી. પહેલાં શૂઝનો ઉપયોગ ફક્ત કસરત અને સ્પોર્ટ્સ માટે જ થતો હતો, પણ હવે એ ફૅશનનો સૌથી અગત્યનો હિસ્સો બની ગયાં છે. ચાલો જાણીએ આજકાલના યુવાનોને રેટ્રો સ્ટાઇલ સ્નીકર્સમાં આટલો રસ જાગવાનાં કારણો શું છે.
ફૅશન નહીં, વ્યક્તિત્વની વાત
જેન-ઝી એવા સમય તરફ આકર્ષાય છે જેમાં તેમનો જન્મ પણ નહોતો થયો. એ સમયની સહજતા અને કૂલનેસ રોમૅન્ટિક વાઇબ આપે છે એવું તેમનું માનવું હોવાથી આ રેટ્રો સ્નીકર્સ તેમને જૂના સમયની યાદ અપાવે છે. હવે સ્નીકર્સ માત્ર પગમાં પહેરવાની ચીજ નથી રહી, એ તમારા વ્યક્તિત્વને ડિફાઇન કરનારું એક ઘરેણું બની ગયું છે. જિમવેઅર હોય કે કૅઝ્યુઅલ વેઅર, સ્નીકર્સ બધી જગ્યાએ પહેરાય છે. જેન-ઝી હવે ટાઇમલેસ ફૅશનને પસંદ કરી રહી છે એટલે કે જે હંમેશાં એવરગ્રીન રહે. આ રેટ્રો સ્નીકર્સની ડિઝાઇન સાદી અને સ્વચ્છ રેખાઓવાળી અને કૂલ કલર્સની હોય છે. ફાસ્ટ ફૅશન એટલે કે ઝડપથી બદલાતા ટ્રેન્ડને બદલે લોકો એવી ચીજો અપનાવે છે જે લાંબા સમય સુધી ટકે અને કમ્ફર્ટ આપે. આ જ કારણ છે કે એ ફરીથી ફૅશનનો ભાગ બની રહ્યાં છે.
કેવી રીતે સ્ટાઇલ કરવાં?
જૂની ડિઝાઇનના ફુટવેઅરને મૉડર્ન કપડાં સાથે સ્ટાઇલ કેવી રીતે કરવાં એની ટિપ્સ અહીં જાણી લેજો.
ક્લાસિક અને ટાઇમલેસ લુક જોઈતો હોય તો લો-ટૉપ્સ સ્નીકર્સની પસંદગી કરો. એને સ્ટ્રેટ કટ જીન્સ, પ્લેન સાદું ટી-શર્ટ અને એની ઉપર એક ટેલર્ડ જૅકેટ સાથે સ્ટાઇલ કરશો તો સામાન્ય હોવા છતાં સ્ટાઇલિશ અને વ્યવસ્થિત લાગશે. આ સ્ટાઇલ સાદગીમાં છુપાયેલી સુંદરતાને દર્શાવે છે.
અર્બન કમ્ફર્ટેબલ લુક મેળવવા માટે ચંકી રેટ્રો સ્નીકર્સ, જે થોડાં મોટાં દેખાય છે, એને કાર્ગો પૅન્ટ્સ અથવા ટ્રૅક પૅન્ટ્સ સાથે હૂડી પેર કરીને સ્ટાઇલ કરશો તો બહુ સરસ લાગશે. જાડાં સ્નીકર્સ સાથે બૅગી કે ઓવરસાઇઝ્ડ આઉટફિટ્સ બૅલૅન્સ્ડ લુક બનાવશે.
રંગોની પસંદગી તમારા લુકને શાંત અને પર્સનાલિટીને એન્હૅન્સ કરે છે. બેજ, આઇવરી, લાઇટ ગ્રે અથવા સફેદ જેવા સૉફ્ટ ન્યુટ્રલ રંગોનાં સ્નીકર્સ સાથે કૂલ કલરનાં કપડાં પહેરી શકાય.
રેટ્રો સ્નીકર્સ તમને ફૉર્મલ અને કૅઝ્યુઅલ કપડાંને કમ્બાઇન કરવામાં પણ મદદ કરશે. સ્માર્ટ કૅઝ્યુઅલ પણ પૉલિશ્ડ કમ્ફર્ટ ધરાવતો લુક જોઈએ તો સ્ટ્રક્ચર્ડ ટ્રાઉઝર એટલે કે વ્યવસ્થિત કટવાળાં ફૉર્મલ પૅન્ટ્સ અને બટન-અપ શર્ટ સાથે રેટ્રો સ્નીકર્સ તમારી પર્સનાલિટીમાં અલગ ચાર્મ ઍડ કરશે.
કોઈ વાર સ્નીકર્સ પહેર્યાં કે ખરીદ્યાં ન હોય એવા બિગિનર્સે મોટા લોગોવાળાં સ્નીકર્સને બદલે સિમ્પલ અને ફૅશનેબલ લાગે એવાં સ્નીકર્સ ખરીદવાં. જીન્સ અને ફૉર્મલ પૅન્ટ્સ પર સાદાં સ્નીકર્સ સરળતાથી મૅચ થઈ જશે.
સ્ટ્રીટ-ફૅશન અપનાવવી હોય તો ચંકી, વિન્ટેજ અથવા ટેનિસ રમવા જતા લોકોનાં જૂનાં બૂટ જેવી ડિઝાઇનનાં સ્નીકર્સ પણ તમારી સ્ટાઇલમાં અલગ-અલગ લેયર ઍડ કરશે.