રિહાનાએ હાથફૂલને બનાવ્યો ગ્લોબલ ટ્રેન્ડ

25 June, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું ડાયમન્ડ હાથફૂલ પહેરીને મુંબઈના કાર્યક્રમમાં હાજરી આપનારી પૉપસ્ટાર રિહાનાએ ટ્રેડિશનલ ભારતીય ઘરેણાને ઇન્ટરનૅશનલ ફૅશન-સ્ટેટમેન્ટ બનાવ્યું છે

હાથફૂલ - નવો ગ્લોબલ ફૅશન-ટ્રેન્ડ

તાજેતરમાં મુંબઈમાં આયોજિત ઇવેન્ટમાં ગ્લોબલ આઇકન રિહાનાના ભારતીય લુકે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. તેણે પહેરેલું હાથફૂલ સોશ્યલ મીડિયા પર હૉટ ટૉપિક બન્યું છે. રિહાનાએ આ હાથફૂલને વેસ્ટર્ન ઑલિવ-ગ્રીન ડ્રેસ અને બ્લૅક ગાઉન બન્ને સાથે એટલી સુંદરતાથી કૅરી કર્યું છે કે એ હવે એક નવો ગ્લોબલ ફૅશન-ટ્રેન્ડ બની ગયું છે. અત્યાર સુધી માત્ર લગ્નો કે ઉત્સવોમાં જ જોવા મળતું હાથફૂલ હવે મૉડર્ન, વેસ્ટર્ન અને ફ્યુઝન ફૅશનનો હિસ્સો બની ગયું છે. જો તમે પણ રિહાનાની જેમ આ ટ્રેન્ડને અપનાવીને તમારા વેસ્ટર્ન કે ફ્યુઝન આઉટફિટ સાથે હાથફૂલ સ્ટાઇલ કરવા માગો છો તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આઉટફિટ અને મટીરિયલનું બૅલૅન્સ

હાથફૂલ ભારે કુંદન, પોલકી કે પીળા સોનામાં બનેલું હોય છે જે લેહંગા કે સાડી પર સારું લાગે છે; પરંતુ જો તમે એને વેસ્ટર્ન ડ્રેસ, પિન્ક સૂટ કે શર્ટ-સ્કર્ટ સાથે પહેરી રહ્યા હો તો રિહાનાની જેમ ડાયમન્ડ, વાઇટ ગોલ્ડ, સિલ્વર અથવા મિનિમલ પર્લ વર્કવાળું હાથફૂલ પસંદ કરો. એ તમારા લુકને પરંપરાગત દેખાડવાને બદલે મૉડર્ન ટચ આપશે.

ડીટેચેબલ અને મલ્ટિ-ફંક્શનલ ડિઝાઇન પસંદ કરો

ઇવેન્ટ દરમ્યાન રિહાના મીડિયા સામે પોઝ આપી રહી હતી ત્યારે એવું લાગ્યું કે તેનું હાથફૂલ સહેજ લૂઝ થઈ ગયું છે અને તે એને સરખું કરી રહી હતી, પરંતુ બાદમાં મનીષ મલ્હોત્રાની ટીમે સ્પષ્ટતા કરી કે આ હાથફૂલ ડીટેચેબલ હતું. ફ્યુઝન ફૅશન માટે હંમેશાં એવું હાથફૂલ ખરીદો જેને જરૂર પડ્યે કન્વર્ટ કરી શકાય. જેમ કે ચેઇન હટાવીને એને માત્ર બ્રેસલેટ કે રિંગ તરીકે પણ પહેરી શકાય. આનાથી કમ્ફર્ટ પણ જળવાશે.

લેસ ઇઝ મોર

તમે જ્યારે હાથફૂલ જેવી સ્ટેટમેન્ટ ઍક્સેસરી પહેરો છો ત્યારે એ તમારા આખા લુકનું કેન્દ્રબિંદુ બને છે. તેથી હાથમાં અન્ય કોઈ ભારે બંગડીઓ, ઘડિયાળ કે મોટો નેકલેસ પહેરવાનું ટાળો. રિહાનાએ પણ તેના લુકમાં માત્ર હાથફૂલને જ હાઇલાઇટ થવા દીધું હતું. બાકીની જ્વેલરી એકદમ હળવી રાખો જેથી તમારો લુક ક્લાસી લાગે, લાઉડ નહીં.

સ્લીવ્ઝની લંબાઈ પર ધ્યાન આપો

હાથફૂલની સુંદરતા ત્યારે જ ખીલશે જ્યારે એ બરાબર દેખાશે. આથી વેસ્ટર્ન આઉટફિટ પસંદ કરતી વખતે સ્લીવલેસ, ઑફ-શોલ્ડર, અથવા શૉર્ટ સ્લીવ્ઝવાળા ડ્રેસ ઉત્તમ ઑપ્શન છે. જો ફુલ સ્લીવ્ઝ હોય તો એ એકદમ ફિટિંગવાળી હોવી જોઈએ, જેથી હાથફૂલ એના પર સરકી ન જાય અને હાથની મૂવમેન્ટ સરળ રહે.

હાથની કાળજી

હાથફૂલ સીધું જ તમારી આંગળીઓ અને કાંડા તરફ લોકોનું ધ્યાન ખેંચે છે. આ ટ્રેન્ડ ફૉલો કરતાં પહેલાં આઉટફિટને મૅચ કરે એવી ન્યુડ અથવા સૉલિડ ડાર્ક નેઇલપૉલિશ તમારા હાથફૂલના લુકને વધુ આકર્ષક બનાવશે. 

fashion fashion news lifestyle news life and style columnists