બ્લેઝરમાં છુપાયેલી છે પાવર-ડ્રેસિંગની સીક્રેટ ફૉર્મ્યુલા

17 November, 2025 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વુમન્સ ફૅશનમાં બ્લેઝર માત્ર ફૉર્મલવેઅર સુધી જ સીમિત નથી રહ્યું. ફૉર્મલ લુકને એલિવેટ કરવાની સાથે હવે કૅઝ્યુઅલવેઅરમાં પણ બ્લેઝરને ક્રિસ્પ વાઇટ ટી-શર્ટ અથવા શર્ટ સાથે સ્ટાઇલ કરી શકાય

બ્લેઝર આ રીતે કરો સ્ટાઇલ

‘બ્લેઝર તો ઑફિસવેઅર છે, એને બીજા પ્રસંગોમાં ન પહેરી શકાય’ એવું જો તમે પણ વિચારો છો તો હજી જૂની દુનિયામાં જ છો. કન્ટેમ્પરરી સ્ટાઇલમાં બ્લેઝર હવે માત્ર ક્લોધિંગ પીસ જ નથી રહ્યું, ફૅશનની દુનિયામાં એને પાવર-ડ્રેસિંગનો સીક્રેટ સોર્સ કહેવામાં આવે છે. તમારી પર્સનાલિટી આઉટફિટ વ્યક્ત કરે એવી ડિમાન્ડ સમકાલીન ફૅશનની છે ત્યારે કેવું બ્લેઝર કેવા પ્રસંગોમાં શોભે અને કેવી અલગ-અલગ રીતે એને સ્ટાઇલ કરી શકાય એ જાણીએ.

ધ ઑફિશ્યલ બૉસ એનર્જી

મિલેનિયલ્સ માટે અભિનેત્રી દીપિકા પાદુકોણે પ્રોફેશનલ અને ક્લાસી લુક આપતો ફૉર્મલ લુકનો ટ્રેન્ડ સેટ કર્યો છે. તમારે બોર્ડરૂમ મીટિંગ્સ, જૉબ માટેના ઇન્ટરવ્યુ અથવા ફૉર્મલ મીટિંગ્સ માટે બહાર જવાનું હોય ત્યારે ક્લાસિક બ્લેઝર તમારા માટે પર્ફેક્ટ ચૉઇસ છે. એની ક્લીન લાઇન, શાર્પ શોલ્ડર અને ટેલર્ડ-ફિટ ટાઇમલેસ લુક આપે છે. પ્રોફેશનલ અને કૉન્ફિડન્ટ દેખાવ માટે તમે નેવી બ્લુ, ચારકોલ ગ્રે અને બ્લૅક કલરની પસંદગી કરી શકો છો. આ બ્લેઝરને ક્રિસ્પ વાઇટ ટી-શર્ટ અથવા શર્ટ સાથે સ્ટાઇલ કરી શકાય. ઍક્સેસરીઝમાં ગોલ્ડ હૂપ્સ અને પૉઇન્ટેડ હીલ્સ અથવા લોફર્સને સ્ટાઇલ કરી શકાય.

કૂલ ગર્લ યુનિફૉર્મ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓવરસાઇઝ્ડ બ્લેઝરનો ચાલી રહેલો ટ્રેન્ડ યુવતીઓને કૂલ ગર્લ યુનિફૉર્મનો લુક આપે છે. કૅઝ્યુઅલ છતાં થોડું હટકે દેખાવું હોય તો આવા બ્લેઝરને સ્ટાઇલ કરી શકાય. વીક-એન્ડ બ્રન્ચ, ઍરપોર્ટ લુક્સ, ફૅશન ઇવેન્ટ્સ અથવા સેમી-ફૉર્મલ મીટિંગ્સમાં જવું હોય તો આઇવરી અથવા કોઈ પણ વૉર્મ કલરનું ઓવરસાઇઝ્ડ બ્લેઝર પહેરી શકાય, જે તમારા લુકને એલવેટ કરે. આવાં બ્લેઝર શિયાળામાં લેયરિંગ તરીકે પણ સારાં લાગે છે. બ્લેઝર ઓવરસાઇઝ્ડ હોય ત્યારે એની સાથે ફિટેડ બેબીકોન ડ્રેસ અથવા બ્રાલેટ પહેરો જેથી લુક બૅલૅન્સ થાય. આ સાથે ડેનિમ પૅન્ટ અને શૂઝ સાથે કૅઝ્યુઅલ રીતે સ્ટાઇલ કરી શકો છો.

ક્રૉપ બ્લેઝર

શૉર્ટ લેન્ગ્થવાળાં બ્લેઝર સાઇઝમાં ભલે નાનાં હોય પણ એની ઇમ્પૅક્ટ આખી પર્સનાલિટીને ચેન્જ કરી નાખે છે. ક્રૉપ્ડ બ્લેઝર તમારી કમરને હાઇલાઇટ કરે છે અને લુકમાં એક સ્ટ્રક્ચર ઉમેરે છે. જોકે એને પહેર્યા બાદ ફૉર્મલ ફીલ નથી થતી. ડેટ નાઇટ્સ, ડિનર્સ અથવા જ્યારે પૉપ લુક અપનાવવો હોય ત્યારે ક્રૉપ્ડ બ્લેઝર તમારી સ્ટાઇલમાં ગેમચેન્જર સાબિત થશે. એને હાઈ-વેસ્ટ પૅન્ટ, સ્કર્ટ, વાઇડ લેગ ટ્રાઉઝર અથવા પેન્સિલ સ્કર્ટ સાથે પેર કરી શકાય. બોલ્ડ લુક જોઈતો હોય તો બ્રાલેટ પહેરવું અથવા કૉર્સેટ કે બૉડીસૂટ ડિફાઇન ફિટ આપશે. સૉફિસ્ટિકેટેડ લુક મેળવવા ઘણા લોકો ટર્ટલનેક ટૉપ્સ પહેરતા હોય છે.

ડબલ બ્રેસ્ટેડ બ્લેઝર

જો તમારા લુકમાં ડ્રામા ઍડ કરવો હોય તો ડબલ બ્રેસ્ટેડ બ્લેઝરની પસંદગી કરજો. એ તમારી વેસ્ટને તો હાઇલાઇટ કરે જ છે, સાથે બૉડીને ડિફાઇન પણ કરે છે. આ પ્રકારનાં બ્લેઝર પ્રેઝન્ટેશન, ક્લાયન્ટ લન્ચ કે ફૅન્સી ડિનર જેવા પ્રસંગોમાં પહેરી શકાય. એમાં નેવી એમરલ્ડ ગ્રીન અથવા વાઇન જેવા ડાર્ક કલરટોન્સ પસંદ કરો.

પ્રિન્ટેડ બ્લેઝર

ક્રીએટિવ વર્કપ્લેસ અને આર્ટ-શો​ જેવા પ્રસંગોમાં ફ્લોરલ્સ, સ્ટ્રાઇપ્સવાળાં, પ્લેટેડ અથવા મોટિફ્સવાળાં પ્રિન્ટેડ બ્લેઝર તમારી પર્સનાલિટીને લાઇટ અને સૉફ્ટ બનાવશે. એની સાથે પૅન્ટ અને ટૉપ સિમ્પલ જ પહેરજો જેથી બ્લેઝર હાઇલાઇટ થાય. કલર્સની વાત કરીએ તો આમાં તમે તમારા હિસાબે લાઇટ-ડાર્ક કલરટોન્સ સિલેક્ટ કરી શકો છો. 

ટક્સેડો બ્લેઝર

ગ્લૅમર અને પાવરનો પર્ફેક્ટ સંગમ એટલે ટક્સેડો બ્લેઝર. પાર્ટ સૂટ અને પાર્ટ સ્ટેટમેન્ટ તરીકે ઓળખ ધરાવતા આ બ્લેઝરને ઈવનિંગ ગાલા, રેડ કાર્પેટ અથવા ફૉર્મલ ઇવેન્ટમાં હાજરી આપો છો ત્યારે તમને બાકી લોકોથી યુનિક રાખે છે. તમારું વ્યક્તિત્વ આમાં પ્રભાવશાળી દેખાય છે અને સ્ત્રીઓના પોશાકમાં એ નવો અને બોલ્ડ લુક આપે છે. આ બ્લેઝર માત્ર ફૉર્મલિટી પૂરતું સીમિત નથી. એ ગ્લૅમર પણ ઉમેરે છે. તમે એને પરંપરાગત ટક્સેડો પૅન્ટ સાથે જોડીને મોનોક્રોમ લુક બનાવી શકો છો અથવા મેટાલિક પૅન્ટ્સ કે ટ્રેન્ડી સ્કર્ટ્સ સાથે પહેરીને ફૅશનેબલ એજ પણ આપી શકો છો.

વેલ્વેટ બ્લેઝર

કૉકટેલ પાર્ટી કે વિન્ટર ઇવેન્ટ્સ માટે વેલ્વેટ બ્લેઝર પર્ફેક્ટ ચૉઇસ છે. બર્ગન્ડી અને ડાર્ક બ્લુ જેવા કલરના જૅકેટ સાથે સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ તમારા લુકને પૉલિશ બનાવશે અને સાથે ઠંડીથી પણ બચાવશે.

fashion fashion news life and style lifestyle news columnists