શિલ્પા શેટ્ટીએ શીખવ્યું કે પરંપરાગત પટોળાને મૉડર્ન ટ‍્વિસ્ટ આપીને કેવી રીતે પહેરાય

23 December, 2025 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પટોળા સાડી સોશ્યલ મીડિયા પર છવાઈ રહી છે

શિલ્પા શેટ્ટી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા હંમેશાં તેની ફૅશન-સેન્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તેણે પહેરેલી પટોળા સાડી સોશ્યલ મીડિયા પર છવાઈ રહી છે. સામાન્ય રીતે એવી ધારણા છે કે પરંપરાગત પટોળું ગુજરાતી સ્ટાઇલ ડ્રેપિંગમાં જ સારું લાગે, પણ શિલ્પાએ આ ધારણાને ખોટી પાડીને પટોળા સાડીને સ્ટાઇલ કરવાની રીતને એક મૉડર્ન ટ‍્વિસ્ટ આપ્યો છે.

લેટ્સ ડીકોડ

પાટણનાં પટોળાં એની ૭૦૦ વર્ષ જૂની પરંપરા અને ડબલ ઇકત ટેક્નિક માટે જાણીતાં છે જેમાં સાડી બન્ને બાજુ પહેરી શકાય છે. શિલ્પાએ પહેરેલી સાડીમાં હાથી અને પોપટ જેવા પરંપરાગત પટોળાની ભાત એટલે કે મોટિફ્સ છે. આ સાડીમાં યુનિક વાત એ છે કે સામાન્ય રીતે પટોળાનો બેઝ કલર એક જ હોય છે પણ શિલ્પાની સાડીમાં પીળો, વાદળી, લીલો, ગુલાબી અને નારંગી જેવા વાઇબ્રન્ટ કલર્સના પૅચ બનાવ્યા છે જે સાડીના લુકને એન્હૅન્સ કરે છે. આ ઉપરાંત એમાં રાજસ્થાની લોકકળા બંજારા-વર્ક કર્યું છે અને હાથથી કરેલું ભરતકામ તથા મિરર વર્ક સાડીની સુંદરતાને યુનિક બનાવવાની સાથે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. શિલ્પાએ આ રંગબેરંગી સાડી સાથે ગોલ્ડન કલરનું સ્લીવલેસ અને એમ્બ્રૉઇડરીવાળું V નેક બ્લાઉઝ પહેર્યું હતું જે સાડીને ખરેખર કૉમ્પ્લીમેન્ટ આપતું હતું. લગ્નપ્રસંગમાં શિલ્પાની આ ફૅશન પર્ફેક્ટ માનવામાં આવે છે. તેણે સાડીના લુકને બૅલૅન્સ કરવા ગોલ્ડન કલરનાં લટકતાં ઇઅર-રિંગ્સ, હાથમાં કડું અને સ્ટેટમેન્ટ રિંગ પહેર્યાં હતાં. શિલ્પાએ સાડીને જે રીતે સ્ટાઇલ કરી છે એ પટોળા ફૅશનને થોડો મૉડર્ન ટ‍્વિસ્ટ આપે છે. તમે પ્રસંગના હિસાબે ગુજરાતી સ્ટાઇલમાં પણ પહેરી શકો છો. જો તમારે પણ આવો ફ્યુઝન લુક અપનાવવો હોય તો આ ટિપ્સને ફૉલો કરવાનું ભૂલતા નહીં.

ડ્રેપિંગ ટેક્નિક

પટોળાની ખાસિયત એની ડિઝાઇન છે તેથી સાડીની બૉર્ડર અને વચ્ચેની ભાત મોટી હોય તો ફ્લોઇંગ પલ્લુ સ્ટાઇલ ડ્રેપ કરી શકાય. ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલ ડ્રેપ કરીને એમાં કમરપટ્ટો સ્ટાઇલ કરી શકો. રિયલ પટોળું થોડું સ્ટિફ હોય છે તેથી કમરની પ્લીટ્સ સરખી રીતે વાળીને સહેજ પ્રેસ કરવી જેથી ફૂલેલી ન લાગે. સેફ્ટી પિન પણ સારી ક્વૉલિટીની વાપરવી, કારણ કે પટોળું મોંઘું હોય છે. નબળી ક્વૉલિટીની પિનથી રેશમના દોરા ખેંચાઈ શકે છે. ફુટવેઅરની વાત કરીએ તો ગોલ્ડન જૂતી થવા હીલ્સ પહેરી શકાય.

ક્લાસી જ્વેલરી

પટોળા જેવી પરંપરાગત સાડી પર જ્વેલરી થોડી ક્લાસી હોવી જોઈએ. જો બ્લાઉઝનું ગળું ડીપ હોય તો ચોકર પહેરો અથવા ગોલ્ડન ટેમ્પલ જ્વેલરી પટોળા સાથે મસ્ત લાગશે અને આ સ્ટાઇલ તમને અન્ય કરતાં યુનિક ફીલ કરાવશે. શિલ્પાની જેમ એક હાથમાં મોટું કડું અથવા એક વીંટી પહેરવાથી હાથ સુંદર દેખાશે. ઝુમકા અથવા લાંબા ડૅન્ગલર્સ લુકને રેગ્યુલર ફૅશન કરતાં થોડો હટકે બનાવશે.

હેરસ્ટાઇલ અને મેકઅપ

જો તમારે ફ્યુઝન ફૅશનને અપનાવવી હોય તો શિલ્પાની જેમ ખુલ્લા રાખીને સૉફ્ટ વેવ્ઝ રાખી શકાય. જો તમે વધુ ટ્રેડિશનલ લુક ઇચ્છો છો તો લો બન વાળીને એમાં સફેદ ફૂલોનો ગજરો લગાવો. એ તમારી પટોળાની રૉયલનેસમાં વધારો કરશે. પૂજા કે લગ્નપ્રસંગે આ રીતે સ્ટાઇલ કરશો તો તમારો વટ પડશે. મેકઅપની વાત કરીએ તો સાડીના રંગો ડાર્ક હોય તો બ્રાઉન સ્મોકી લુક અને કાજલ લગાવો અને લિપસ્ટિક પણ બ્રાઉન ન્યુડ શેડની યુઝ કરો. મેકઅપ જેટલો ન્યૂટ્રલ રાખશો એટલો મસ્ત લાગશે. જો બિંદી લગાવવાનો શોખ હોય તો નાની કાળી અથવા મરૂન બિંદી લુકને કમ્પ્લીટ કરશે.

તમને ખબર છે?

અસલી પાટણ પટોળું ડબલ ઇકત વણાટશૈલીથી બને છે, જેનો અર્થ છે કે સાડીની બન્ને બાજુ એટલે કે ફ્રન્ટ ઍન્ડ બૅક ડિઝાઇન અને રંગ એકસરખાં હોવાથી એને ઊલટી કે સીધી એમ બન્ને રીતે પહેરી શકો છો.

પટોળું ભલે ફાટી જાય પણ એની ડિઝાઇન અને કુદરતી રંગો ક્યારેય ઝાંખાં પડતાં નથી.

૧૨મી સદીમાં રાજા કુમારપાળે મહારાષ્ટ્રના ૭૦૦ વણકર પરિવારોને પાટણમાં વસાવ્યા હતા. આજે માત્ર ગણ્યાગાંઠ્યા પરિવારો જ આ કળાને જીવંત રાખી રહ્યા છે.

એક ઓરિજિનલ પટોળું બનાવવામાં ૪થી ૬ મહિના લાગે છે. ક્યારેક વર્ષ પણ લાગી શકે છે. એની કિંમત હજારોથી શરૂ થઈને લાખો રૂપિયા સુધી હોય છે.

fashion fashion news life and style lifestyle news columnists