સિગ્નેટ રિ‍‍‍ગં બની રહ્યું છે મેન્સ ફૅશનનું નવું સ્ટેટમેન્ટ

08 June, 2026 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યારેક એક નાની ઍક્સેસરી પણ આખા લુકને અલગ ઓળખ આપી શકે છે. આજે પુરુષોની ફૅશનમાં સિગ્નેટ રિંગ એવી જ એક ઍક્સેસરી બની ગઈ છે. સાદી વીંટીને બદલે હવે ઘણા પુરુષો પોતાની પર્સનાલિટી અને સ્ટાઇલ દર્શાવવા માટે થોડી હેવી અને બોલ્ડ રિંગ પસંદ કરી રહ્યા છે

સિગ્નેટ રિંગ પુરુષોને એક મસ્ક્યુલિન લુક આપે છે

એક સમય હતો જ્યારે પુરુષોની જ્વેલરી માત્ર લગ્નની વીંટી, પ્લેન ચેઇન કે બહુ-બહુ તો એક રિસ્ટવૉચ સુધી જ સીમિત હતી. જોકે આજે સમય બદલાયો છે. હવે પુરુષો પોતાના લુક અને ઍક્સેસરીઝને લઈને ખૂબ એક્સપરિમેન્ટલ બન્યા છે. અત્યારે મેન્સ ફૅશનમાં જે એક આભૂષણનો ક્રેઝ સૌથી ઝડપથી વધી રહ્યો છે એ છે સિગ્નેટ રિંગ. ગ્લોબલ સેલિબ્રિટીઝ, બૉલીવુડના સ્ટાર્સ, ફૅશન ઇન્ફ્લુએન્સર્સથી લઈને કૉર્પોરેટ જગતના યુવા પ્રોફેશનલ્સ પણ આ ક્લાસિક રિંગને પોતાના ડેઇલી લુકનો હિસ્સો બનાવી રહ્યા છે.

રૉયલ ઇતિહાસ

સિગ્નેટ રિંગ સામાન્ય પાતળી વીંટી કરતાં લુકમાં થોડી અલગ અને બોલ્ડ હોય છે. આ વીંટીનો ઉપરનો ભાગ સપાટ અને પહોળો હોય છે. એનો ઇતિહાસ ઘણો ભવ્ય છે જેની શરૂઆત પ્રાચીન મેસોપોટૅમિયાથી થઈ હતી. જૂના જમાનામાં આ રિંગ માત્ર શોખ કે ફૅશન માટે નહોતી પહેરાતી, પણ એ વ્યક્તિની સત્તાવાર ઓળખ અને ડિજિટલ સિગ્નેચર જેવું કામ કરતી હતી. રાજવીઓ, ઉચ્ચ વર્ગના લોકો અને જમીનદારો સરકારી દસ્તાવેજો કે ખાનગી પત્રો પર ગરમ મીણ લગાવીને આ વીંટી દબાવતા, જેથી તેમની મહોર લાગી જતી. રસપ્રદ વાત એ છે કે આ ટ્રેડિશનલ રિંગ પરની ડિઝાઇન હંમેશાં ઊંધી કોતરવામાં આવતી, જેથી મીણ પર દબાવતી વખતે ચિહ્ન સીધું અને ઉકેલી શકાય એવું ઊપસી આવે. એને જેન્ટલમેન્સ રિંગ પણ કહેવામાં આવતી જે સત્તા અને મોભાનું પ્રતીક હતી.

ડિઝાઇનમાં નવું શું છે?

આજના સમયમાં સિગ્નેટ રિંગે પરંપરાગત લુક છોડીને એક મૉડર્ન, યુનિસેક્સ અને અત્યંત સ્ટાઇલિશ અવતાર લઈ લીધો છે. અત્યારે માર્કેટમાં આ મુખ્ય ઑપ્શન્સ ખૂબ ચાલી રહ્યા છે. આજના યુવાનો પોતાના નામના પહેલા અક્ષર  કે મિનિમલ જ્યોમેટ્રિક પૅટર્નવાળી રિંગ્સ વધુ પસંદ કરે છે. હવે પ્લેન મેટલને બદલે વીંટીના ફ્લૅટ ભાગ પર ઓનિક્સ, કાર્નેલિયન કે લેપિસ લાઝુલી જેવા અર્ધકીમતી પથ્થરો જડેલી સિગ્નેટ રિંગ્સ ખૂબ ટ્રેન્ડમાં છે. ઓનિક્સ એક ગાઢ કાળા રંગનો પથ્થર છે જે રિંગને ક્લાસિક અને એલિગન્ટ લુક આપે છે. કાર્નેલિયન નારંગીથી લઈને ગાઢ લાલ રંગનો પથ્થર છે જે રિંગમાં વિન્ટેજ અને રૉયલ ટચ ઉમેરે છે. લેપિસ લાઝુલી ડીપ બ્લુ રંગનો પથ્થર છે જેમાં ઘણી વાર ગોલ્ડન શેડ જોવા મળે છે. આ પથ્થર રિંગને લક્ઝુરિયસ અને સ્ટેટમેન્ટ લુક આપે છે. શેપમાં પણ વરાઇટી જોવા મળે છે. પહેલાં માત્ર રાઉન્ડ શેપ વધુ ચાલતો; જ્યારે હવે લંબગોળ, ચોરસ અને અષ્ટકોણ શેપનું કટિંગ ખૂબ ડિમાન્ડમાં છે.

બજેટ અને કિંમત

જો તમે પણ તમારા વૉર્ડરોબમાં આ રૉયલ ટ્‍વિસ્ટ ઉમેરવા માગતા હો તો લોકલ જ્વેલર્સ કે ઑનલાઇન સ્ટોર્સ પર અઢળક ઑપ્શન્સ ઉપલબ્ધ છે. સ્ટીલ કે સિલ્વર મેટલમાં સામાન્ય સિગ્નેટ રિંગ ૭૦૦ રૂપિયાની આસપાસથી શરૂ થાય છે; જ્યારે સૉલિડ ગોલ્ડ, પ્લૅટિનમ કે કસ્ટમાઇઝ્ડ હૅન્ડ-એન્ગ્રેવ્ડ ડિઝાઇન્સની કિંમત એક લાખ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે.

સિગ્નેટ રિંગ પુરુષોને એક મસ્ક્યુલિન લુક આપે છે. આ એક એવી ઍક્સેસરી છે જે ફૉર્મલ શૂટથી લઈને કૅઝ્યુઅલ શર્ટ-જીન્સ સુધી દરેક આઉટફિટને ઇન્સ્ટન્ટ અપગ્રેડ કરી દે છે. તો આ સીઝનમાં તમારી પર્સનાલિટીને એક નવો અને પાવરફુલ ઓપ આપવા માટે એક સરસ સિગ્નેટ રિંગ તમારા કલેક્શનમાં જરૂર સામેલ કરો.

પહેરવાની સાચી રીત

સિગ્નેટ રિંગ સામાન્ય રીતે ડાબા હાથની ટચલી આંગળીમાં પહેરવાની પરંપરા રહી છે. રાજવીઓ અને સમૃદ્ધ પરિવારોમાં આ સૌથી ક્લાસિક સ્ટાઇલ માનવામાં આવતી હતી. જોકે આજકાલ ફૅશનમાં કોઈ કડક નિયમ નથી. ઘણા પુરુષો એને રિંગ ફિંગર અથવા ઇન્ડેક્સ ફિંગરમાં પણ પહેરે છે. તર્જનીમાં પહેરેલી સિગ્નેટ રિંગ વધુ બોલ્ડ અને સ્ટેટમેન્ટ લુક આપે છે, જ્યારે ટચલી આંગળીમાં પહેરેલી રિંગ ક્લાસિક અને ટાઇમલેસ લાગે છે.

fashion fashion news life and style lifestyle news columnists