04 December, 2025 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમર ફૅશનને શિયાળામાં કેવી રીતે સ્ટાઇલ કરવી એની સ્માર્ટ ટ્રિક્સ અહીં જાણી લો
હવે તાપમાન ઘટે તો સમર-ફૅશનને વૉર્ડરોબમાં મૂકી દેવાની જરૂર નથી. થોડા સ્માર્ટ લેયરિંગ અને યોગ્ય વિન્ટર ઍડ-ઑન્સની મદદથી તમારા હળવાફૂલ ડ્રેસ પણ કમ્ફર્ટેબલ, આકર્ષક અને શિયાળામાં પહેરવાલાયક બની જશે. સરળ સ્ટાઇલિંગ ટિપ્સ બ્રન્ચ, ઑફિસ કે ઈવનિંગ પાર્ટીઝમાં પર્ફેક્ટ લુક આપી શકે છે. સમર ફૅશનને શિયાળામાં કેવી રીતે સ્ટાઇલ કરવી એની સ્માર્ટ ટ્રિક્સ અહીં જાણી લો.
ઊનનું સ્વેટર
ફ્લોરલ કે સૉલિડ કલરના મિડી ડ્રેસ સાથે ઊનનું ગૂંથેલું સ્વેટર પહેરશો તો મિડી ડ્રેસ સ્કર્ટ હોવાનો ભ્રમ પેદા કરે છે, જેનાથી તમારા સમર આઉટફિટને નવો લુક મળશે. પ્લીટેડ અથવા પ્રિન્ટેડ મિડી ડ્રેસ ઊનના ગૂંથેલા સ્વેટર સાથે સૉફ્ટ અને સ્ટાઇલિશ વાઇબ આપે છે. સ્વેટર કમર સુધીના ભાગને ડિફાઇન કરે છે અને ડ્રેસના ફ્લોને બૅલૅન્સ કરે છે. ઠંડીના દિવસોમાં કૅઝ્યુઅલ ઑફિસ ડેઝ, મૉલ આઉટિંગ્સ કે ફરવા ગયા હો તો આ કૉમ્બિનેશન બહુ મસ્ત લાગશે. આઉટફિટને વધુ એલિવેટ કરવા ફુટવેઅરમાં સ્નીકર્સ પહેરજો.
ફૉક્સ ફર જૅકેટ
તમે ફિટેડ મિની ડ્રેસ કે સ્કેલ ડ્રેસની સાથે ફૉક્સ ફર જૅકેટ પેર કરશો તો વૉર્મ અને પાર્ટી લુક જેવો આઉટફિટ બની જાય છે. આ કૉમ્બિનેશન શિયાળાની રજાઓમાં ફરવા જાઓ ત્યારે, પાર્ટી અને નાઇટઆઉટ્સ જેવા ઓકેઝનમાં તમારી પર્સનાલિટીને એન્હૅન્સ કરશે. લુકને વર્સેટાઇલ દેખાડવા માટે બ્રાઉન, બ્લૅક અથવા ક્રીમ ફર જૅકેટ હીલવાળાં બૂટ અથવા હાઈ ઍન્કલ શૂઝ સાથે સ્ટાઇલ કરી શકાય, જો વધુ ઠંડી લાગે તો આની સાથે શીઅર બ્લૅક ટાઇટ્સ પહેરી શકાય.
થર્મલ લેગિંગ્સ
ટૉપ અને સ્કર્ટ સાથે કાળાં લેગિંગ્સ પર્ફેક્ટ મૅચ થઈ જાય છે ત્યારે આવાં થર્મલ લેગિંગ્સ પહેરીને લુકને વિન્ટર ફૅશનમાં અપનાવી શકાય. એની સાથે સૉફ્ટ કાર્ડિગન અથવા ક્રૉપ જૅકેટ પહેરી શકાય. ટ્રાવેલિંગમાં આવો આઉટફિટ તમારા લુકને વધુ સ્ટાઇલિશ બનાવશે.
ડેનિમ જૅકેટ
ઉનાળામાં પહેરાતા ફ્લોરલ પ્રિન્ટવાળા ડ્રેસની પાતળી સ્ટ્રાઇપ હોવાથી એ શિયાળામાં પહેરી શકાય નહીં, પણ જો એને બ્લુ ડેનિમ જૅકેટ સાથે સ્ટાઇલ કરશો તો તરત જ હૂંફ ઉમેરાઈ જશે અને જૅકેટ ડ્રેસના ફ્લોને થોડું સ્ટ્રક્ચર પણ આપે છે. આ આઉટફિટને તમે સ્કાર્ફ અને શૂઝ સાથે સ્ટાઇલ કરી શકો. કૉફી-ડેટ, બ્રન્ચ અને કૅઝ્યુઅલ આઉટિંગમાં થોડો હટકે લુક આપશે.
બેલ્ટેડ બ્લેઝર
ઉનાળુ ડ્રેસને તરત જ અપગ્રેડ કરે છે બેલ્ટેડ બ્લેઝર. ફ્લોરલ, પોલ્કા ડૉટ અથવા સૉલિડ ડ્રેસને ફિટિંગ બ્લેઝર સાથે સ્ટાઇલ કરશો તો લુક રિફાઇન્ડ અને ઑફિસ-ફ્રેન્ડ્લી લાગે છે. ખાસ કરીને બ્લેઝરનો બેલ્ટ તમારી કમરને ડિફાઇન કરતો હોવાથી ફૉર્મલ લંચ અથવા સ્માર્ટ કૅઝ્યુઅલ્સ તરીકે કોઈ પણ ઇવેન્ટમાં પહેરી શકાય છે. વધારાની હૂંફ જોઈતી હોય તો વૂલ બ્લેન્ડ બ્લેઝર પસંદ કરી શકાય. એલિગન્ટ અને વિન્ટર-રેડી આઉટફિટ માટે પૉઇન્ટેડ બૂટ અથવા સ્લીક ફ્લૅટ્સ સાથે આ લુકને કમ્પ્લીટ બનાવી શકાય.
ટર્ટલ નેક
એક સાદું ટર્ટલ નેક ટૉપ તમારા સ્લિપ ડ્રેસનો મેકઓવર કરી દેશે. સૅટિન સ્લિપ ડ્રેસને બ્લૅક અથવા ન્યુડ ટોનના ટર્ટલ નેક પર લેયર કરવાથી વધુ સ્ટાઇલિશ લાગશે. નરમ અને ચળકતા સૅટિન ટેક્સ્ચરનો કૉન્ટ્રાસ્ટ તમારા લુકને ફૅશન-ફૉર્વર્ડ બનાવશે. આ આઉટફિટ સાથે તમે હીલવાળાં બૂટ, ગોલ્ડન હૂપ્સ અને લાંબો કોટ પહેરશો તો ઠંડીમાં તમારી ફૅશન ઝળકશે. ઑફિસ મીટિંગ્સ કે ઈવનિંગ પાર્ટીઝમાં આવો લુક તમને યુનિક બનાવશે.