03 October, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્માઇલી ફેસને જોતાં જ ન ઇચ્છતા હોવા છતાં ચહેરા પર સ્માઇલ આવી જ જાય છે. આ ફક્ત એક જ એવો ચેપ છે જે સારો માનવામાં આવે છે. દર વર્ષે ઑક્ટોબર મહિનાના પહેલા શુક્રવારે ઊજવાતા વર્લ્ડ સ્માઇલ ડેનો હેતુ લોકોના જીવનમાં હૅપીનેસ લાવવાનો છે. ત્યારે ફૅશન વર્લ્ડમાં સ્માઇલી ફેસનો ઇમોજી સ્ટાઇલ સ્ટેટમેન્ટની સાથે હૅપી સ્ટેટમેન્ટ બની ગયો છે. સ્ટ્રેસફુલ અને ડિપ્રેશનવાળી લાઇફમાં જ્યારે કોઈનો સાથ ન મળે અથવા એકલવાયું લાગે ત્યારે સાથે રાખેલું સ્માઇલી ફેસ તમને ફરીથી હસવાનું અને મોટિવેટ થવાનું શીખવે છે. ફૅશન જગતમાં આવી અઢળક અને યુનિક સ્માઇલી ફેસવાળી ઍક્સેસરીઝ માર્કેટમાં આવતી રહે છે ત્યારે અત્યારે શું ટ્રેન્ડમાં છે એના વિશે વાત કરીએ.
સ્માઇલી ફેસવાળી જ્વેલરી
સ્માઇલી ફેસની ઍક્સેસરીઝ ખાસ કરીને યુવા પેઢી અને નોસ્ટૅલ્જિયાને પસંદ કરનારા લોકોમાં લોકપ્રિય છે. નાના, ગોલ્ડ-પ્લેટેડ અથવા રંગીન સ્માઇલી ફેસવાળી ચેઇન અને બ્રેસલેટ ખૂબ ટ્રેન્ડમાં છે. કૅઝ્યુઅલ ફૅશનમાં યંગસ્ટર્સ તેને મહત્ત્વનું સ્થાન આપતા હોય છે. આ ઉપરાંત લેયર્ડ જ્વેલરી નાના સ્ટડ્સ અથવા ડૅન્ગલ ઇઅર-રિંગ્સ પૉપ કલ્ચરનો લુક આપે છે. બ્રેસલેટમાં પણ નાના-નાના બીડ્સ હોય એમાં સ્માઇલી ફેસ પ્રિન્ટ થયેલા હોય. કૉલેજ જતા યંગસ્ટર્સને આવી ઍક્સેસરીઝ પહેરવી બહુ ગમે છે.
હેડ વેઅર અને બૅગ્સ
મોટા સ્માઇલી પૅચ અથવા ભરતકામવાળી કૅપ અને હૅટ્સ ખૂબ જ ટ્રેન્ડી છે. કૅઝ્યુઅલ આઉટિંગ્સ માટે કૅન્વસની ટોટ બૅગ્સ અથવા નાના પર્સ પર સ્માઇલી પ્રિન્ટ જોવા મળે છે. રાઉન્ડ શેપનાં ક્લચ, સ્લિંગ બૅગ્સ અને હૅન્ડબૅગ્સ પણ માર્કેટમાં અવનવી પૅટર્ન સાથે આવતા હોય છે. બૅગ્સની સાથે સ્માઇલી ફેસની થીમનાં પર્સ પણ માર્કેટમાં જોવા મળે છે.
અન્ય ઍક્સેસરીઝ
અત્યારે તો ફોન કલરમાં પણ વિવિધ રંગોવાળા સ્માઇલી ફેસના ફોન કેસ આવે છે. કીચેઇનનો કન્સેપ્ટ તો વર્ષોથી ટ્રેન્ડમાં છે જ, પણ અત્યારે થ્રી-ડી સ્માઇલી કિચનને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. બૅકપૅક અને ચાવી માટે પફ પ્રિન્ટ અથવા રેઝિનનાં સ્માઇલી કીચઇન જોવા મળે છે. સ્માઇલી ડિઝાઇનવાળા સ્માર્ટ વૉચના સ્ટ્રૅપ્સ પહેરવાનું પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત પૉઝિટિવિટી અને ખુશી ફેલાવવાનો હેતુ સ્ટેશનરી આઇટમ્સમાં પણ જોવા મળે છે. લિમિટેડ એડિશન સ્માઇલી કોલૅબરેશનમાં આવતી પ્રિન્ટેડ ટી-શર્ટ્સ, કૉફી કપ, નોટબુક્સ, ડાયરી, સ્ટિકર્સ, ફ્રિજ મૅગ્નેટ્સ, બ્રોચ ઉપરાંત આવી થીમ પર સ્ટેશનરી સેટ અને કારમાં ડ્રાઇવિંગ સ્પેસ પાસે લગાવવામાં આવતા સ્પ્રિંગવાળા સ્માઇલી જેવી અઢળક અવનવી ચીજો આવ્યે રાખે છે અને લોકો પોતાના લકી ચાર્મ બનાવીને સાથે રાખતા હોય છે.