કમાલ કફ્તાન

20 April, 2021 12:22 PM IST  |  Mumbai | Aparna Shirish

મુંબઈમાં પારો ચડી રહ્યો છે અને આખો દિવસ રહેવાનું પણ ઘરમાં જ છે ત્યારે આ સેલિબ્રિટીઝની જેમ કફ્તાન અપનાવવા જેવાં છે

કમાલ કફ્તાન

વર્ક ફ્રૉમ હોમથી લઈને ઑલ્વેઝ વર્કિંગ ઇન હોમ સુધીની કૅટેગરીમાં આવતા મહિલા વર્ગ માટે હાલમાં કમ્ફર્ટ ઇઝ ધ કી. ઉનાળો છે. વેધશાળા કહે છે કે આગામી દિવસોમાં મુંબઈનો પારો હજીયે ઊંચો જશે. આવામાં સાડી, ડ્રેસ અને લેગિંગ્સ જેવાં વસ્ત્રો આખો દિવસ ઘરમાં પહેરીને બેસવું પડે તો ચોક્કસ કંટાળાજનક લાગે. આવામાં કામ લાગે એવું પરિધાન બૉલીવુડ ઍક્ટ્રેસિસે શોધી કાઢ્યું છે. કરીના કપૂરના મૅટરનિટીવેઅરથી લઈને શિલ્પા શેટ્ટીના હૉલિડેવેઅર સુધી કફ્તાન હૉટ એટલે કે સમર માટે કુલ છે.  
બેસ્ટ સમરવેઅર
બહાર જવાનું હોય કે ન હોય, પણ હંમેશાં પ્રેઝન્ટેબલ રહેવાનું. આ જો તમારો મંત્ર હોય તો હળવાફૂલ, લૂઝ ફિટિંગનાં અને ત્વચાને પણ ગમે એવા કાપડમાંથી બનેલાં સ્ટાઇલિશ કફ્તાન તમારા માટે જ છે. કફ્તાન સાથે તમે બહાર નીકળો તો હાઈ હીલ્સની સૅન્ડલ સાથે પણ સારું લાગશે અને ઘરમાં હોમ સ્લિપર્સ સાથે પણ. આમેય જ્યારથી લૉકડાઉન અને વર્ક ફ્રૉમ હોમ આવ્યું છે ત્યારથી લાઉન્જવેઅર એટલે કે ઘરમાં અમસ્તાં પહેરી શકાય એવાં કપડાંની ડિમાન્ડ વધી છે. 
મલ્ટિપર્પઝ
કફ્તાન  મલ્ટિપર્પઝ ગાર્મેન્ટ છે. ઘરમાં આખો દિવસ પહેરી શકાય એ સિવાય એને નાઇટવેઅર તરીકે પણ વાપરી શકાય. વધુમાં શિલ્પા શેટ્ટીની જેમ બીચ હૉલિડે પર કે પાર્ટીવેઅર તરીકે પણ પહેરી શકાય. બસ, ધ્યાન એ વાતનું રાખવાનુ છે કે ફૅબ્રિક અને પ્રિન્ટ જ્યાં એ પહેરવા માગો છો એ પ્રકારની હોય. ઘરમાં પહેરવા માટે કૉટન, મલ કે પછી શિફોનનાં કફ્તાન પસંદ કરી શકાય જ્યારે બહાર સૅટિન કે હેવી જ્યૉર્જેટ સારું લાગશે. 
સ્ટાઇલિશ પૅટર્ન
આખા એક લંબચોરસ કાપડને નેકલાઇન અને બાંય માટેનો કટ આપીને બનાવેલા ઢીલાઢાલા કફ્તાનને પણ સ્ટાઇલિશ બનાવી શકાય. સૅટિનના કફ્તાન પર એક જાડો બેલ્ટ પહેરી લો તો એ પર્ફેક્ટ પાર્ટીવેઅર બની જશે. કૉટન અને શિફોનના કફ્તાનમાં સાઇડમાં રંગબેરંગી મોતીઓની લડીઓ કે લટકણ બનાવી શકાય. 
લંબાઈ અને પૅટર્ન
કફ્તાન પગની પાની પણ ઢંકાઈ 
જાય એવી ફુલ લંબાઈનાં પણ આવે છે અને ગોઠણ સુધીનાં પણ. ક્યાં શું પહેરવાનું છે એ તમારે નક્કી કરવાનું. ઘરમાં કમ્ફર્ટેબલ હોય તો ગોઠણ સુધીનાં કૉટનનાં કફ્તાન પહેરી શકાય. એ સિવાય લાંબાં કફ્તાન બધે જ સ્ટાઇલિશ લાગે છે. અહીં કાપડમાં ઍનિમલ કે પછી ફ્લોરલ પ્રિન્ટ સારી લાગશે. ટાઇ-ડાઇ અને બાટિક પ્રિન્ટ પણ હાલમાં ઇન ટ્રેન્ડ છે. 

fashion news columnists aparna shirish