સ્વેટરના ભાર વગર કુરતીનું સ્માર્ટ સ્ટાઇલિંગ કરો

12 January, 2026 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠંડીના દિવસોમાં ભારેખમ સ્વેટર કે જૅકેટ પહેરીને તમારા મનગમતા કુરતી કલેક્શનને કબાટમાં મૂકી દેવાની જરૂર નથી. શિયાળામાં હૂંફ મળી શકે અને સ્ટાઇલ પણ જળવાઈ રહે એ માટે સ્ટ્રૅટેજિક લેયરિંગનો ફંડા તમારા કામમાં આવશે

મજદારી અને સ્ટ્રૅટેજિક લેયરિંગ સાથે કુરતી શિયાળામાં ટ્રાય કરો

શિયાળાની શરૂઆત થતાં જ મોટા ભાગની મહિલાઓ મૂંઝવણમાં હોય છે કે ઠંડીથી બચવા માટે પહેરવામાં આવતાં કપડાંમાં તેમનો પારંપરિક એથ્નિક લુક ક્યાંક ખોવાઈ ન જાય. અસ્તવ્યસ્ત રીતે પહેરેલાં ગરમ કપડાં ક્યારેક તમારા લુકને બગાડી શકે છે, પરંતુ જો થોડી સમજદારી અને સ્ટ્રૅટેજિક લેયરિંગ સાથે કુરતી શિયાળા માટે સૌથી આરામદાયક અને ફૅશનેબલ આઉટફિટ સાબિત થઈ શકે છે.

ફૅબ્રિકની પસંદગી સૌથી મહત્ત્વની

શિયાળામાં કુરતી પહેરતી વખતે સુતરાઉ કપડાને બદલે ગરમ અને જાડા કાપડની પસંદગી કરો. વુલન, વેલ્વેટ, ભારે રેયૉન અથવા લાઇનિંગવાળી ચંદેરી સિલ્કની કુરતીઓ ઠંડી સામે રક્ષણ આપે છે અને એનો લુક પણ પ્રીમિયમ લાગે છે. ઘેરા રંગો જેવા કે મરૂન, નેવી બ્લુ, બૉટલ ગ્રીન કે રસ્ટ કલર શિયાળામાં વધુ આકર્ષક લાગે છે.

ફિટેડ ઇનર લેયરનો જાદુ

લેયરિંગનો ગોલ્ડન રૂલ એ છે કે અંદરનું પડ પાતળું હોવું જોઈએ. કુરતીની નીચે પાતળું થર્મલ ટૉપ અથવા ફુલ સ્લીવ ટી-શર્ટ પહેરવાથી શરીરની ગરમી જળવાઈ રહે છે અને બહારથી લુક જરાય બલ્કી લાગતો નથી. જો તમે હાઈ-નેક એટલે કે ટર્ટલનેક ઇનર પહેરો છો તો એ કુરતી સાથે ખૂબ જ સ્માર્ટ અને મૉડર્ન લુક આપે છે.

લૉન્ગ લાઇન જૅકેટ્સ અને શ્રગ્સ

કુરતીની ઉપર લાંબાં શ્રગ્સ, કોટી અથવા ક્વિલ્ટેડ વેસ્ટ એટલે ગાદીવાળાં જૅકેટ પહેરવાનો ટ્રેન્ડ અત્યારે જોરમાં છે. સ્લીવલેસ વુલન જૅકેટ કુરતીના લુકને નિખારે છે. ઑફિસ કે કૅઝ્યુઅલ આઉટિંગ માટે આ બેસ્ટ ઑપ્શન છે.

દુપટ્ટાને બદલે શાલ કે સ્ટોલની પસંદગી

શિયાળામાં હળવા દુપટ્ટાને બદલે પશ્મિના શૉલ, કાશ્મીરી એમ્બ્રૉઇડરીવાળા સ્ટોલ કે વુલન સ્કાર્ફનો ઉપયોગ કરો. શાલને માત્ર ખભા પર રાખવાને બદલે, એને કમર પર બેલ્ટ સાથે સ્ટાઇલ કરવાથી એક નવો જ લુક તૈયાર થશે. આ ટેક્નિક તમને ઠંડીથી તો બચાવશે જ અને સાથે ફૅશન આઇકન જેવો લુક પણ આપશે.

બૉટમ સ્ટાઇલિંગ પણ જરૂરી

ફક્ત કુરતી જ નહીં, પાયજામા કે લેગિંગ્સમાં પણ ફેરફાર જરૂરી છે. સામાન્ય કૉટન લેગિંગ્સને બદલે વુલન લેગિંગ્સ અથવા થર્મલ-લાઇન્ડ ટાઇટ્સ પહેરો. જો તમે સ્ટ્રેટ પૅન્ટ કે પલાઝો પહેરવાના શોખીન હો તો વુલન ટ્રાઉઝર્સ બેસ્ટ રહેશે.

બેલ્ટનો સ્માર્ટ ઉપયોગ

જ્યારે આપણે કુરતી પર જૅકેટ કે શાલ ઓઢીએ છીએ ત્યારે ક્યારેક ફિગરનો આકાર દેખાતો નથી અને એ લુકને બોરિંગ બનાવે છે. આ સમસ્યાને ઉકેલવા એક પાતળો લેધર બેલ્ટ અથવા એથ્નિક બેલ્ટ કમર પર સ્ટાઇલ કરો. આનાથી લેયર્સ વ્યવસ્થિત રહેશે અને તમને પણ એક શાર્પ લુક મળશે.

ઍક્સેસરીઝ અને ફુટવેઅર

તમારા લુકને કમ્પ્લીટ બનાવવા ફુટવેઅરની યોગ્ય પસંદગી જરૂરી છે. સૅન્ડલને બદલે શૂઝ અથવા મોજડી પહેરો. જો કુરતીનું ગળું ઊંચું હોય તો ગળામાં હેવી જ્વેલરી ટાળો અને એના બદલે મોટાં ઇઅરરિંગ્સ પહેરો.

આ સ્ટાઇલિંગ ટિપ્સ તમારા કામની છે

મોનોક્રોમેટિક લુક: જો તમે લેયરિંગ કરી રહ્યા હો તો કુરતી અને જૅકેટ અથવા કાર્ડિગન એક જ

કલર-શેડ્સના પસંદ કરો. જો તમે ડાર્ક બ્લુ પહેરો તો એની સાથે લાઇટ બ્લુ પેર કરવું. આનાથી તમારી ઊંચાઈ વધુ લાગશે અને દેખાવમાં સુઘડતા આવશે.

ડેનિમ જૅકેટનો ટચ: જો તમે થોડો કૅઝ્યુઅલ અથવા કૉલેજ-લુક ઇચ્છતા હો તો પ્લેન લાંબી કુરતી પર બ્લુ ડેનિમ જૅકેટ પહેરો. આ એથ્નિક અને વેસ્ટર્ન ફૅશનનું પર્ફેક્ટ ફ્યુઝન છે.

સ્લીવલેસ કુરતી સાથે સ્વેટર: તમારી પાસે ઉનાળાની કોઈ સુંદર સ્લીવલેસ કુરતી હોય તો એની અંદરના ભાગમાં કૉન્ટ્રાસ્ટ કલરનું હાઈ-નેક સ્વેટર પહેરો. આ એક અત્યંત મૉડર્ન અને આંતરરાષ્ટ્રીય ફૅશન-ટ્રેન્ડ છે.

પૉન્ચો સ્ટાઇલ: શૉર્ટ કુરતી કે ટ્યુનિક પર વુલન પૉન્ચો ખૂબ જ આકર્ષક લાગે છે. એ પેટ

અને કમરના ભાગને કવર કરે છે અને તમને ઠંડીમાં હૂંફાળા રાખે છે.

સિલ્ક સ્કાર્ફનો પ્રયોગ: ખૂબ વધારે ઠંડી ન હોય ત્યારે ભારે શાલને બદલે સિલ્કનો સ્કાર્ફ ગળામાં ફ્રેન્ચ નૉટ સ્ટાઇલમાં બાંધો. એ તમારી કુરતીમાં ક્લાસી લુક ઉમેરશે.

ફુટવેઅરની પસંદગી: એથ્નિક વાઇબ જાળવી રાખવા માટે અંદરથી ફરવાળી મોજડી અથવા આભલાં ભરેલાં જૂતાં પહેરો. જો તમે પૅન્ટ-સ્ટાઇલ કુરતી પહેરી હોય તો ઍન્કલ લેન્ગ્થ બૂટ્સ પણ ખૂબ જ સરસ લાગે છે.

વેલ્વેટ દુપટ્ટા: કોઈ લગ્નપ્રસંગ કે પાર્ટીમાં જવાનું હોય ત્યારે પ્લેન સિલ્ક કુરતી સાથે હેવી વેલ્વેટનો દુપટ્ટો એક જ ખભા પર નાખો. વેલ્વેટ રાજવી ઠાઠ આપે છે અને ઠંડી સામે રક્ષણ પણ આપે છે.

હેરસ્ટાઇલ: શિયાળામાં કપડાંના લેયર વધવાને કારણે શરીર થોડું ભારે દેખાઈ શકે છે, તેથી હંમેશાં તમારા વાળને ખુલ્લા રાખવાને બદલે હાઈ પોનીટેલ અથવા મેસી બન રાખો જેથી તમારી નેકલાઇન સ્પષ્ટ દેખાય અને લુક સ્લિમ લાગે.

fashion fashion news life and style lifestyle news columnists