ક્યુલોટ્સ એટલે સ્ટાઇલ, આરામ અને સમર વાઇબ્સનું પર્ફેક્ટ મિશ્રણ

11 March, 2026 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉનાળો આવી ગયો છે અને એની સાથે જ ફૅશન વૉર્ડરોબમાં બદલાવ લાવવાનો સમય પણ આવી ગયો છે. ગરમીની આ ઋતુમાં જીન્સ કે અન્ય ટાઇટ પૅન્ટ્સ પહેરવાં ઘણી વાર અસુવિધાજનક હોઈ શકે છે. આવા સમયે ક્યુલોટ્સ શ્રેષ્ઠ, કમ્ફર્ટેબલ અને અત્યંત સ્ટાઇલિશ વિકલ્પ તરીકે ઊભરી આવે છે

ક્યુલોટ્સ

ક્યુલોટ્સ હકીકતમાં વાઇડ લેગ, ક્રૉપ્ડ પૅન્ટ્સ છે જે દેખાવમાં સ્કર્ટ જેવાં લાગે છે પરંતુ એ પહેરવામાં પૅન્ટ્સ જેટલા જ વ્યવહારુ અને આરામદાયક છે. તો ચાલો જાણીએ ઉનાળામાં ક્યુલોટ્સને કેવી રીતે અલગ-અલગ પ્રસંગો માટે સ્ટાઇલ કરી શકાય જેથી તમે આરામદાયક અને ફૅશનેબલ બન્ને દેખાઈ શકો.

કાપડ અને રંગોની પસંદગી

ઉનાળામાં ક્યુલોટ્સ પસંદ કરતી વખતે સૌથી મહત્ત્વનું પાસું છે કાપડ. ગરમીના દિવસોમાં હંમેશાં હળવું, કુદરતી અને પરસેવો સરળતાથી શોષી લે એવું ફૅબ્રિક પસંદ કરવું જોઈએ. કૉટન અને લિનન ઉનાળા માટેના સૌથી શ્રેષ્ઠ વિકલ્પો માનવામાં આવે છે, કારણ કે એ હવાદાર હોય છે અને શરીરને ઠંડક આપે છે. ઉપરાંત રેયૉનનાં ક્યુલોટ્સ પણ હળવાં અને આરામદાયક હોય છે જે પહેરવામાં સરળ હોય છે અને સુંદર ડ્રેપી લુક આપે છે.

રંગોની વાત કરીએ તો ઉનાળાની સીઝનમાં આછા અને તાજગીભર્યા રંગો ખાસ આકર્ષક લાગે છે. સફેદ, ક્રીમ અને પેસ્ટલ શેડ્સ જેમ કે આછો વાદળી, પિન્ક અથવા મિન્ટ ગ્રીન ગરમીમાં આંખોને ઠંડક આપે છે. સાથે-સાથે ફ્લોરલ અથવા પ્રિન્ટેડ ક્યુલોટ્સ પણ સમર વેકેશન અને રિલૅક્સ્ડ સમર વાઇબ્સ માટે એકદમ પર્ફેક્ટ પસંદગી બની શકે છે.

ટી-શર્ટ અને ક્રૉપ ટૉપ સાથે કૅઝ્યુઅલ લુક

શૉપિંગ, ફરવા જવા અથવા કૅઝ્યુઅલ આઉટિંગ માટે ક્યુલોટ્સને સાદા અથવા ગ્રાફિક ટી-શર્ટ સાથે પહેરી શકાય છે. આ એક કૂલ અને એફર્ટલેસ લુક આપે છે. ઉનાળામાં તમે ક્યુલોટ્સ સાથે ક્રૉપ ટૉપ, ટૅન્ક ટૉપ અથવા સ્લીવલેસ ટૉપ પણ પહેરી શકો છો. હંમેશાં યાદ રાખો કે ટી-શર્ટને ક્યુલોટ્સની અંદર ‘ટક-ઇન’ કરો, જેથી તમારી કમરને આકાર મળે અને લુક વધુ સારો આવે. તમે એક સરસ કૉન્ટ્રાસ્ટ બેલ્ટ પણ ઉમેરી શકો છો. ફુટવેઅરમાં સફેદ સ્નીકર્સ, ફ્લૅટ સૅન્ડલ અથવા સ્લાઇડ્સ સારાં લાગશે.

શર્ટ અને બ્લાઉઝ સાથે ઑફિસ લુક

ક્યુલોટ્સ માત્ર કૅઝ્યુઅલ જ નહીં પણ ઑફિસ માટે પણ એક સ્માર્ટ અને ફૉર્મલ પહેરવેશ બની શકે છે. ઑફિસ માટે તમે ક્યુલોટ્સ સાથે કૉટનનું શર્ટ અથવા સરસ બ્લાઉઝ પહેરી શકો છો. શર્ટને ટક-ઇન કરો. તમે એના પર હળવું બ્લેઝર પણ ઉમેરી શકો છો. રંગોમાં ઑફિસ માટે ડાર્ક કલર્સ જેમ કે નેવી બ્લુ, બ્લૅક અથવા ઑલિવ ગ્રીન વધુ સારા રહેશે. ફુટવેઅરમાં લોફર્સ, બ્લૉક હીલ્સ અથવા પૉઇન્ટેડ પમ્પ્સ શ્રેષ્ઠ રહેશે.

ઇન્ડો-વેસ્ટર્ન અને ઈવનિંગ લુક

તહેવારો અથવા લગ્નપ્રસંગ માટે તમે ક્યુલોટ્સ સાથે ટૂંકા કુરતા અથવા એમ્બ્રૉઇડરીવાળા ટૉપ પહેરીને એક સરસ ઇન્ડો-વેસ્ટર્ન લુક બનાવી શકો છો. કુરતાને ટક-ઇન કરવાથી અથવા બહાર રાખવાથી બંને રીતે સારો લુક આવશે. તમે લાંબો શ્રગ  પણ ઉમેરી શકો છો. સાથે કોલ્હાપુરી ચંપલ અથવા જૂતી પહેરી શકાય છે. સાંજે પાર્ટી અથવા ડિનર માટે તમે ક્યુલોટ્સ સાથે સૅટીન ટૉપ, ઑફ-શૉલ્ડર ટૉપ અથવા ગ્લૅમરસ બ્લાઉઝ પહેરી શકો છો. સાથે સ્ટાઇલિશ હીલ્સ અને સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ ઉમેરો.

ક્યુલોટ્સ ઉનાળા માટે એક વર્સેટાઇલ, કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ પહેરવેશ છે. એ ગરમીમાં આરામ આપે છે અને દરેક પ્રકારના પ્રસંગ માટે સરળતાથી પહેરી શકાય છે. જો તમે ઉનાળામાં ફૅશનેબલ અને સુવિધાજનક દેખાવા માગતા હો તો ક્યુલોટ્સ ચોક્કસપણે તમારા વૉર્ડરોબમાં હોવા જોઈએ. યોગ્ય કાપડ, રંગો અને સ્ટાઇલિંગ ટિપ્સ સાથે તમે પણ ક્યુલોટ્સમાં એક ગ્લૅમરસ અને કૂલ સમર લુક મેળવી શકો છો.

fashion fashion news lifestyle news life and style columnists