પેસ્ટલ શેડ્સ સાથે સમરમાં મેળવો કૂલ અને ક્લાસી લુક

26 March, 2026 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમીમાં શાંત, સૌમ્ય અને અત્યંત સ્ટાઇલિશ બનવા ઇચ્છતા હો તો આ વેકેશનમાં તમારા કબાટમાં થોડા પેસ્ટલ્સ ઉમેરો અને ગરમીને સ્ટાઇલથી માત આપો

લૅવન્ડર, પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન

ઉનાળો એટલે આકરો તડકો, પરસેવો અને થકવી દેતી ગરમી. આવા વાતાવરણમાં ફક્ત આરામદાયક કપડાં પહેરવાં પૂરતું નથી, પણ એવા રંગોની પસંદગી કરવી પણ જરૂરી છે જે આંખોને ઠંડક આપે અને તમને માનસિક રીતે પણ શાંત રાખે. ફૅશનની દુનિયામાં અત્યારે પેસ્ટલ શેડ્સ ધૂમ મચાવી રહ્યા છે. પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન, લૅવન્ડર અને બ્લશ પિન્ક જેવા રંગો ઉનાળા માટે પર્ફેક્ટ માનવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ આ સુંદર રંગોને તમે કેવી રીતે સ્ટાઇલ કરી શકો છો જેથી તમે ઉનાળામાં પણ ફ્રેશ દેખાઈ શકો.

૧. પાઉડર બ્લુ

આ કલર આકાશ જેવી ઠંડક આપે છે. પાઉડર બ્લુ ઉનાળાનો સૌથી લોકપ્રિય રંગ છે. એ શાંતિ અને ગંભીરતાનું પ્રતીક છે.

કેવી રીતે સ્ટાઇલ કરવું : પાઉડર બ્લુ રંગની કૉટન કુરતી અથવા શર્ટને સફેદ લેગિંગ્સ કે પૅન્ટ સાથે પેર કરો. આ કૉમ્બિનેશન ક્યારેય ફૅશન બહાર જતું નથી. જો તમે વેસ્ટર્ન લુક ઇચ્છતા હો તો પાઉડર બ્લુ મૅક્સી ડ્રેસ અથવા કો-ઑર્ડ સેટ બેસ્ટ ઑપ્શન છે.

ઍક્સેસરીઝ : આ રંગ સાથે સિલ્વર જ્વેલરી અથવા વાઇટ સ્નીકર્સ ખૂબ જ સુંદર લાગે છે.

૨. મિન્ટ ગ્રીન

મિન્ટ ગ્રીન રંગ જોતાં જ મનમાં ઠંડકનો અનુભવ થાય છે. આ રંગ ખાસ કરીને ડે આઉટિંગ કે ઑફિસ વેઅર માટે ઉત્તમ છે.

કેવી રીતે સ્ટાઇલ કરવું : મિન્ટ ગ્રીન રંગના વાઇડ લેગ પૅન્ટ્સને ન્યુડ અથવા ઑફ વાઇટ ટૉપ સાથે પહેરો. જો તમે સાડી પહેરવાના શોખીન હો તો લિનન અથવા શિફૉન મિન્ટ ગ્રીન સાડી તમને એક એલિગન્ટ લુક આપશે.

ટિપ : આ રંગ સાથે મોતીની ઍક્સેસરીઝ પહેરવાથી તમારો લુક વધુ નિખરશે.

૩. લૅવન્ડર

રૉયલ અને ટ્રેન્ડિંગ. છેલ્લા કેટલાક સમયથી ફૅશન ઇન્ડસ્ટ્રીમાં લૅવન્ડર કલર સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યો છે. એ સ્ત્રીત્વ અને આધુનિકતાનું મિશ્રણ છે.

કેવી રીતે સ્ટાઇલ કરવું : લૅવન્ડર રંગનો શૉર્ટ ડ્રેસ કે ક્રૉપ ટૉપ ડેનિમ જીન્સ સાથે ખૂબ જ સરસ લાગે છે. પહાડોમાં મુસાફરી કરતી વખતે લૅવન્ડર રંગનાં કપડાં કુદરતી લીલોતરી વચ્ચે ફોટોમાં અદ્ભુત દેખાય છે.

મેકઅપ : લૅવન્ડર આઉટફિટ સાથે ન્યુડ મેકઅપ અને ગ્લૉસી લિપ્સ તમારા લુકને કમ્પ્લીટ કરશે.

૪. મોનોક્રોમેટિક લુક

જો તમે કન્ફ્યુઝ્ડ હો કે કયા રંગ સાથે શું પહેરવું તો મોનોક્રોમેટિક ટ્રેન્ડ અપનાવો. એટલે કે ઉપરથી નીચે સુધી એક જ પેસ્ટલ રંગના અલગ-અલગ શેડ્સ પહેરવા. જેમ કે ડાર્ક પિન્ક પૅન્ટ સાથે બેબી પિન્ક શર્ટ. આનાથી તમે લાંબા અને પાતળા દેખાશો.

ઉનાળાનો સૂર્યપ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય છે. ડાર્ક રંગો આ પ્રકાશને શોષી લે છે અને ફોટોમાં ઘણી વાર તમારી ડીટેલ્સ છુપાઈ જાય છે, જ્યારે પેસ્ટલ રંગો પ્રકાશને રિફ્લેક્ટ કરે છે જેનાથી તમારા ચહેરા પર એક નૅચરલ ગ્લો દેખાય છે. 

fashion fashion news life and style lifestyle news columnists