આ સુપરફૂડ તમારી સ્કિનને નૅચરલ ગ્લો આપશે

02 January, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લૉલેસ એટલે કે બેદાગ સ્કિનની તમન્ના દરેક વ્યક્તિને હોય છે અને એના માટે સ્કિન-કૅર પાછળ હજારો રૂપિયા પણ ખર્ચાતા હોય છે, પણ શું તમને ખબર છે સનફ્લાવર સીડ્સ ત્વચાની હેલ્થને સારી રાખવાનું કામ કરે છે?

પ્રતીકાત્મક તસવીર

ઘણી વાર આપણે અરીસા સામે ઊભા રહીને જાતને એક જ સવાલ પૂછીએ કે ત્વચાનો ગ્લો પાછો કેમ લાવવો? એ ગ્લોને પાછો મેળવવા બજારમાં મળતાં કેમિકલયુક્ત લોશન અને મોંઘી ટ્રીટમેન્ટ્સ કદાચ ટૂંકા ગાળા માટે રિઝલ્ટ આપે, પણ કાયમી નિખાર માટે બહારથી નહીં પણ અંદરથી ચેન્જ લાવવાની જરૂર છે. સનફ્લાવર સીડ્સ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે તેથી એ ફક્ત હેલ્ધી સ્નૅક્સ તરીકે નહીં પણ એક શક્તિશાળી બ્યુટી-સપ્લિમેન્ટ તરીકે પણ ઉપયોગી છે.

અઢળક ફાયદા

સૂર્યમુખીનાં બી વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે. એમાં રહેલું વિટામિન E ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે અને સાથે સૂર્યનાં હાનિકારક કિરણોથી રક્ષણ આપીને ત્વચાને બળતરા કે ટૅનિંગથી બચાવે છે. આ ઉપરાંત એના ઍન્ટિએજિંગ ગુણો ચહેરાની કરચલીઓ અ‌ને ફાઇન લાઇન્સ આવતી રોકે છે. ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે સનફ્લાવરનાં સીડ્સ વરદાન છે. એ ત્વચાના હાઇડ્રેશન લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. સૂર્યમુખીનાં બીજને ખાવાથી ત્વચાને અનેક ફાયદા મળે છે. નવા કોષોને બનાવવામાં મદદ કરે છે, બ્લડ-સર્ક્યુલેશનને સુધારે છે; જેથી ચહેરા પર કુદરતી અને ગુલાબી ગ્લો આવે. એમાં રહેલું મૅગ્નેશિયમ ચહેરા પરના સ્ટ્રેસને ઓછું કરે છે. 

ઘરે અજમાવો આ હૅક્સ

એક મુઠ્ઠી સનફ્લાવર સીડ્સને અધકચરાં પીસી નાખો. પછી એમાં એક ચમચી મધ અને થોડું લીંબુ મિક્સ કરીને ચહેરા પર મસાજ કરવાથી ડેડ સ્કિન દૂર થશે અને ચહેરાને ફ્રેશ ફીલ થશે.

સૂર્યમુખીનાં બીજને પીસીને એમાં દહીં અને મધ મિક્સ કરીને ફેસમાસ્ક બનાવો. આ ફેસમાસ્ક ત્વચાને જરૂરી પોષણ આપશે અને અંદરથી આવતા નૅચરલ ગ્લોને વધારશે.

ફેસવૉશ કર્યા બાદ સૂર્યમુખીના તેલનાં થોડાં ટીપાંથી મસાજ કરો. આ નુસખો ત્વચાનાં છિદ્રો બંધ કર્યા વગર એને પોષણ આપે છે.

સૂર્યમુખીના તેલને અલોવેરા જેલ સાથે મિક્સ કરીને રાત્રે સૂતી વખતે ચહેરા પર આવેલા ખીલ પર લગાવવાથી સોજો તાત્કાલિક ઘટી જશે અને ડૅમેજને રિપેર પણ કરે છે.

નહાવાના હૂંફાળા પાણીમાં સૂર્યમુખીનાં બીજનો ભૂકો અને ટી-ટ્રી ઑઇલ ઉમેરો. એ આખા શરીરને સ્પા જેવો અનુભવ કરાવશે.

ગ્રીન ટી સાથે બીજને ઉકાળીને બનાવેલું પાણી ટોનરનું કામ કરે છે જે ત્વચાના ઓપન પોર્સને નાના કરે છે.

આટલી સાવચેતી જરૂરી

કોઈ પણ ચીજનો અતિરેક નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પણ બહુ જરૂરી છે.

સૂર્યમુખીનાં બીજનો ચહેરા પર સીધો ઉપયોગ કરતાં પહેલાં હાથની ત્વચા પર પૅચ-ટેસ્ટ કરી લેવી કે તમને એની ઍલર્જી તો નથીને? જો સ્કિનમાં થોડું ઇરિટેશન કે બળતરા થાય તો એનો ઉપયોગ કરવો નહીં.

જે લોકોની ત્વચા બહુ ઑઇલી હોય તેમણે સૂર્યમુખીના તેલનો ઉપયોગ ટાળવો અથવા બહુ ઓછા પ્રમાણમાં કરવો.

એમાં રહેલું પોષણ ક્યારેક ત્વચાને સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. તેથી બહાર જતી વખતે સનસ્ક્રીન જરૂર લગાવવું.

બીજ જો જૂનાં થઈ ગયાં હોય કે ભેજવાળાં થઈ જાય તો એમાં ફૂગ લાગવાની શક્યતા વધી જાય છે. આવાં બીજનો ઉપયોગ ત્વચા પર ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

સનફ્લાવર સીડ્સમાં કૅલરી સૌથી વધુ હોય છે. તેથી દિવસમાં બે ચમચીથી વધુ બીજ ખાવાં ન જોઈએ. વધુપડતા સેવનથી વજન વધી શકે છે.

skin care fashion fashion news life and style lifestyle news columnists