વર્કિંગ વુમન માટે સ્ટાઇલ અને કમ્ફર્ટનું પાવરફુલ ફ્યુઝન છે ટી-શર્ટ ગાઉન સાડી

07 April, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑફિસ જવાની ઉતાવળમાં સાડી પહેરવાની ઝંઝટથી છુટકારો મેળવવા મિનિટોમાં પહેરી શકાય એવી સાડીનો કન્સેપ્ટ થઈ રહ્યો છે પૉપ્યુલર : પાટલી લેવાની કે પલ્લુ સાચવવાની માથાકૂટ વગર ક્લાસી કૉર્પોરેટ લુક મેળવી શકાય છે

ટી-શર્ટ ગાઉન સાડી

હાઈ-સ્પીડ કૉર્પોરેટ યુગમાં સ્ત્રીઓ માટે સમય સૌથી કીમતી છે. સવારે ઑફિસ માટે તૈયાર થતી વખતે મોટા ભાગની મહિલાઓ સાડી પહેરવાનું ટાળે છે, કારણ કે એમાં પિન-અપ કરવાથી લઈને પાટલીઓ સરખી કરવામાં ઘણો સમય વેડફાય છે. જોકે હવે ગાઉન સ્ટાઇલ ટી-શર્ટ સાડીનો કન્સેપ્ટ આ પ્રૉબ્લેમનું સૉલ્યુશન છે. આ ફક્ત એક આઉટફિટ નથી, એવી સ્માર્ટ ડિઝાઇન છે જે ગાઉનની જેમ ફટાફટ પહેરી શકાય છે અને દેખાવમાં સાડી જેવી જ ગ્રેસફુલ લાગે છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ કન્સેપ્ટે પ્રોફેશનલ સ્ત્રીઓમાં આકર્ષણ જમાવ્યું છે. જો તમે પણ સાડીના શોખીન છો પણ ટાઇમ મૅનેજમેન્ટ નથી થતું તો આ મૉડર્ન સાડી તમારા વૉર્ડરોબ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

સ્ટાઇલિંગ ટિપ્સ

ગાઉન સ્ટાઇલ સાડી પર પાતળો લેધર બેલ્ટ અથવા સાડીના ફૅબ્રિકનો જ બેલ્ટ લગાવવાથી કમરનો શેપ સારો આવશે અને લુક એકદમ બૉસ લેડી જેવો લાગશે.

ફુટવેઅરની વાત કરીએ તો આવા લુક સાથે હીલ્સ અથવા સ્લિક બેલીઝ ક્લાસી લાગે છે. જો તમે હાઈ-વેસ્ટ ગાઉન સાડી પહેરી હોય તો પ્લૅટફૉર્મ હીલ્સ ટ્રાય કરી શકાય.

ટી-શર્ટ સાડી પોતે જ એક સ્ટેટમેન્ટ લુક છે એટલે ઍક્સેસરીઝ મિનિમલ રાખો. માત્ર એક મોટી ડાયલવાળી વૉચ અને નાના સ્ટડ્સ પૂરતા છે.

હેરસ્ટાઇલમાં હાઈ પોનીટેલ અથવા ઓપન હેર લુકને વધુ પ્રોફેશનલ ટચ આપે છે.

શું છે આ કન્સેપ્ટ?

ગાઉન સ્ટાઇલ ટી-શર્ટ સાડી સ્માર્ટ સ્ટિચિંગની કમાલ છે. સાડીનો નીચેનો ભાગ સ્કર્ટ અથવા ગાઉનની જેમ પહેલેથી જ સીવેલો હોય છે અને બ્લાઉઝને બદલે હાઈ-નેક, ટર્ટલ નેક કે સ્ટ્રેચેબલ નૉર્મલ ટી-શર્ટનો ઉપયોગ થાય છે. સાડીનો છેડો કમરની નીચેના ભાગથી અટૅચ કરેલો હોય છે એટલે પલ્લુ સરકી જવાની કે પિન લગાવવાની ઝંઝટ રહેતી નથી. આપણે બધી જ સાડીને આ રીતે સ્માર્ટ સ્ટિચિંગ ન કરાવી શકીએ, પણ સાડીને રેડી-ટુ-વેર કન્સેપ્ટમાં સ્ટિચ કરાવી શકાય. એટલે કૉર્પોરેટ લુક મેળવવા ટી-શર્ટ અને સાડીનું કૉમ્બિનેશન વિચારીને કરવું જોઈએ. જો સાડીનો કલર ડાર્ક ગ્રે અથવા બ્લૅક હોય તો એની સાથે એ જ કલરનું ​ફિટિંગવાળું ટી-શર્ટ પહેરવું. કૉન્ટ્રાસ્ટ કલરટોનમાં જવું હોય તો લાઇટ કલરની કૉટન સાડી સાથે ડાર્ક કલરનું ટર્ટલ નેક ટી-શર્ટ બહુ એલિગન્ટ લાગે છે. ઑફિસ માટે કૉટન, લિનન અથવા ક્રેપ સાડી બેસ્ટ છે. એની સાથે મૅટ ફિનિશ ધરાવતું કૉટન-બ્લેન્ડ ટી-શર્ટ જ પસંદ કરવું. વધુ પડતું ચમકતું કે ગ્રાફિક ટી-શર્ટ ટાળવું જોઈએ.

fashion fashion news lifestyle news life and style columnists