ટેક્નૉલૉજી હવે તો ગળામાં, કાનમાં અને આંગળીઓમાં

18 February, 2026 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ત્રીઓ માટે ઘરેણાં હંમેશાં સૌદર્યનું પ્રતીક રહ્યાં છે પણ હવે એ સ્માર્ટનેસનું પ્રતીક બની રહ્યાં છે. ટેક-જ્વેલરીના આગમન સાથે ફૅશનની વ્યાખ્યા બદલાઈ છે

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધી આપણે સ્માર્ટવૉચ વિશે જાણતા હતા, પરંતુ હવે ટેક્નૉલૉજી તમારા કાંડા પરથી ખસીને તમારી આંગળીઓ, કાન અને ગળા સુધી પહોંચી ગઈ છે. ફૅશન અને ટેક્નૉલૉજીના મિલનથી જન્મેલી આ ટેક જ્વેલરી ખાસ કરીને મહિલાઓમાં નવી પસંદગી બની રહી છે. દેખાવમાં આ આભૂષણો સામાન્ય દાગીના જેવાં જ લાગે છે પરંતુ અંદરથી એ સ્માર્ટ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે.

ટેક જ્વેલરી શું છે?

ટેક જ્વેલરી એટલે એવા દાગીના જેમાં સેન્સર, બ્લુટૂથ, હેલ્થ ટ્રેકિંગ સિસ્ટમ અને સ્માર્ટ નોટિફિકેશન જેવી સુવિધાઓ સમાયેલાં હોય છે. સ્માર્ટ રિંગ હાર્ટ-રેટ અને સ્લીપ ટ્રૅક કરે છે. સ્માર્ટ ઇઅરરિંગ્સ કૉલ અને નોટિફિકેશન અલર્ટ આપે છે, જ્યારે સ્માર્ટ પેન્ડન્ટ ફિટનેસ અને સેફ્ટી ફિચર્સ સાથે આવે છે.

મહિલાઓ માટે કેમ ખાસ?

ઘણી મહિલાઓને ભારે ગૅજેટ પહેરવાં ગમતાં નથી. સ્માર્ટવૉચ દરેક ડ્રેસ સાથે મૅચ ન થાય, પરંતુ ટેક જ્વેલરી સ્ટાઇલમાં સમાઈ જાય છે. ઑફિસ, પાર્ટી કે દૈનિક જીવન પ્રસંગે એ ફૅશન સ્ટેટમેન્ટ પણ બને છે અને સ્માર્ટ સહાયક પણ. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાંક પેન્ડન્ટમાં SOS અલર્ટ સિસ્ટમ પણ હોય છે જે ઇમર્જન્સી સમયે મદદરૂપ બને છે. 

હેલ્થ અને સેલ્ફ-કૅરનું નવું સ્વરૂપ

આજના સમયમાં હેલ્થ-મૉનિટરિંગ જરૂરી બની ગયું છે. ટેક જ્વેલરી સ્ટેપ-કાઉન્ટ્સ, હાર્ટ-રેટ, સ્ટ્રેસ-લેવલ અને સ્લીપ-પૅટર્ન પર નજર રાખે છે. દેખાવમાં નાજુક દાગીના હોવા છતાં અંદરથી એ અત્યાધુનિક ટેક્નૉલૉજી ધરાવે છે.

ફૅશન ઉદ્યોગમાં નવો ટ્રેન્ડ

જ્વેલરી બ્રૅન્ડ્સ હવે ટેક કંપનીઓ સાથે કૉલેબરેશન કરી રહી છે. ડિઝાઇનમાં સોનું, ચાંદી, રોઝ ગોલ્ડ જેવી ફિનિશ સાથે સ્માર્ટ ફિચર્સ ઉમેરાઈ રહ્યાં છે. પરિણામે ટેક જ્વેલરી માત્ર ગૅજેટ નથી પરંતુ પર્સનલ સ્ટાઇલ અને આધુનિકતાનું પ્રતીક બની રહી છે.

ભવિષ્ય શું?

આવનારા સમયમાં ટેક જ્વેલરી વધુ પર્સનલાઇઝ્ડ બનવાની સંભાવના છે. હૉર્મોન લેવલ મૉનિટરિંગથી લઈને મૂડ ટ્રેકિંગ સુધીની સુવિધાઓ સાથે. ટેક્નૉલૉજી હવે ગૅજેટ્સમાં સીમિત નથી રહી, એ આપણા શણગારમાં સમાઈ ગઈ છે અને જીવનશૈલીનું સ્વરૂપ ધારણ કરી રહી છે.

fashion fashion news tech news technology news life and style lifestyle news columnists