06 October, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેરાકોટા જ્વેલરી
નૅચરલ અર્થી ટોનથી લઈને વાઇબ્રન્ટ કલર્સ, મંડલા, મોર, ફ્લોરલ અને જિયોમેટ્રિક ડિઝાઇન સુધીના વિકલ્પો સાથે ટેરાકોટા જ્વેલરી ગરબા-નાઇટના લુકને આપે છે પરંપરા, બોહો સ્ટાઇલ અને મૉડર્ન ફૅશનનું સુંદર મિશ્રણ.
ગરબાની રાતે ચણિયાચોળી જેટલું જ ધ્યાન જ્વેલરી પર પણ જાય છે. આ વખતે પરંપરાગત ઑક્સિડાઇઝ્ડ કે મેટલ જ્વેલરીથી થોડું અલગ ટ્રાય કરવું હોય તો ટેરાકોટા જ્વેલરી એક રસપ્રદ વિકલ્પ બની શકે છે. માટીમાંથી તૈયાર થતા આ દાગીનામાં નૅચરલ ટોનથી લઈને વાઇબ્રન્ટ કલર્સ અને યુનિક ડિઝાઇન્સ સુધીની વિવિધતા જોવા મળે છે. ચણિયાચોળી ઉપરાંત ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ એને સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે.
ટેરાકોટા જ્વેલરી બેક્ડ ક્લે એટલે કે પકવેલી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. એના નૅચરલ અર્થી ટોનને કારણે એમાં એક અલગ જ હૅન્ડક્રાફ્ટેડ ફીલ જોવા મળે છે. કેટલાંક પીસ પર માતા દુર્ગા, દેવીનાં મુખ, મોર, ફ્લોરલ અને વારલી આર્ટ જેવાં ટ્રેડિશનલ મોટિફ્સ જોવા મળે છે. આ ડિઝાઇન્સને કારણે દાગીનામાં પરંપરાગત ફીલ જળવાય છે, જ્યારે કલર અને શેપ્સ એને આજના ફૅશન-લુક સાથે જોડે છે.
નવરાત્રિમાં કલાકો સુધી ગરબા કે દાંડિયા રમવાના હોય ત્યારે જ્વેલરીનું વજન પણ ધ્યાનમાં લેવું પડે છે. મેટલની હેવી જ્વેલરીની સરખામણીએ કેટલાંક ટેરાકોટા પીસ હળવાં હોય છે, જેથી ઇઅર-રિંગ્સ કે નેકલેસ લાંબા સમય સુધી પહેરવાનું સરળ બની શકે છે. જોકે ડિઝાઇન અને સાઇઝ પ્રમાણે એનું વજન અલગ-અલગ હોઈ શકે છે.
ગરબા માટે હેવી નેકલેસ પહેરવો ન હોય તો ઓવરસાઇઝ્ડ ટેરાકોટા ઝૂમખાં પસંદ કરી શકાય. પીકૉક, ફ્લોરલ અથવા ટેમ્પલ-સ્ટાઇલ ડિઝાઇનવાળા ઝૂમખાં ચહેરા તરફ ધ્યાન ખેંચે છે અને વધારે ઍક્સેસરીઝ વગર પણ લુકને પૂરો કરી શકે છે.
મિરરવર્ક અને હેવી એમ્બ્રૉઇડરીવાળાં ચણિયાચોળી સાથે બોલ્ડ પેન્ડન્ટ અથવા મોટાં ઇઅર-રિંગ્સ પસંદ કરી શકાય. જો આઉટફિટ પહેલેથી જ હેવી હોય તો માત્ર સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ રાખીને નેકલેસ સ્કિપ કરવો વધુ સારો વિકલ્પ બની શકે છે. સાદાં ચણિયાચોળી સાથે મલ્ટિ-સ્ટ્રાન્ડ બીડ માળા અથવા ચોકર પહેરી શકાય. આ રીતે જ્વેલરીને લુકનું મુખ્ય ફોકસ બનાવી શકાય છે.
ટેરાકોટા જ્વેલરીને માત્ર ગરબાવેઅર પૂરતી સીમિત રાખવાની જરૂર નથી. કૉટન કે સિલ્કના સૉલિડ કલરના કુરતા સાથે લાંબી બીડમાળા પહેરી શકાય. ઓપન નેકલાઇન સાથે આવી માળા વધુ હાઇલાઇટ થાય છે. ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે મિનિમલ ચોકર, નાના પેન્ડન્ટ્સ અથવા જિયોમેટ્રિક ઇઅર-રિંગ્સ પસંદ કરી શકાય. ઑક્સિડાઇઝ્ડ ઍસેન્ટ્સ સાથે એનું કૉમ્બિનેશન બોહો ફીલ આપે છે.
નવરાત્રિના દિવસ પ્રમાણે આઉટફિટના રંગો બદલાતા હોય ત્યારે જ્વેલરીમાં પણ કલર
કો-ઑર્ડિનેશન કરી શકાય. લાલ, પીળો, લીલો, રૉયલ બ્લુ કે પિન્ક જેવા વાઇબ્રન્ટ શેડ્સ સાથે કલરફુલ ટેરાકોટા પીસ પસંદ કરી શકાય. જો ચણિયાચોળીમાં પહેલેથી જ ઘણા રંગો અને મિરરવર્ક હોય તો બ્લૅક-ઍન્ડ-ગોલ્ડ અથવા ન્યુટ્રલ સેટ લુકને બૅલૅન્સ કરી શકે છે, જ્યારે સિમ્પલ આઉટફિટ સાથે બ્રાઇટ જ્વેલરીને સ્ટેટમેન્ટ બનાવી શકાય.
ગોળાકાર મંડલા અને સૂર્ય જેવાં મોટિફ્સવાળાં પેન્ડન્ટ્સ ફેસ્ટિવ લુક સાથે ખાસ ભળી જાય છે. પીળા, નારંગી કે પિન્ક જેવા શેડ્સમાં આવાં પીસ વધુ વાઇબ્રન્ટ લાગે છે. મૉડર્ન લુક પસંદ કરતી યુવતીઓ માટે જિયોમેટ્રિક પૅટર્નવાળા બ્લૅક-ઍન્ડ-ગોલ્ડ પીસ એક વિકલ્પ છે. શેપ્સ અને કલરનો કૉન્ટ્રાસ્ટ ચણિયાચોળીના ટ્રેડિશનલ લુકને કન્ટેમ્પરરી ટચ આપે છે.
આ જ્વેલરીની ખાસિયત માત્ર એની સામગ્રીમાં નથી, એને બનાવવાની પ્રક્રિયામાં પણ છે. આર્ટિઝન દ્વારા તૈયાર કરવામાં આવતાં ઘણાં પીસમાં હાથથી પેઇન્ટિંગ અને ડીટેલિંગ કરવામાં આવે છે જેને કારણે ડિઝાઇનમાં થોડો યુનિક ટચ જોવા મળે છે. કિંમત ડિઝાઇન, કામ અને કારીગર પ્રમાણે બદલાય છે; પરંતુ કેટલાક પીસ બજેટ-ફ્રેન્ડ્લી વિકલ્પ બની શકે છે.
ટેરાકોટા પકવેલી માટીમાંથી બને છે એટલે પડી જવાથી ક્રૅક થઈ શકે છે. તેથી એને સૉફ્ટ ક્લોથ પાઉચમાં અલગથી રાખવું. હેવી મેટલ જ્વેલરી સાથે ટાઇટલી પૅક કરવાનું ટાળવું અને પાણી તથા ભેજથી શક્ય હોય ત્યાં સુધી દૂર રાખવું.
નવરાત્રિના લુકમાં જો પરંપરાગત ચણિયાચોળી સાથે નૅચરલ ટેક્સ્ચર અને હૅન્ડક્રાફ્ટેડ ફીલ ઉમેરવી હોય તો ટેરાકોટા જ્વેલરી એક અલગ અંદાજ આપી શકે છે.