18 December, 2025 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅશન-મિસ્ટેક્સ
ફૅશન એક્સપ્રેસ ટ્રેનની જેમ આગળ વધે છે, પણ સ્ટાઇલ કાયમી રહે છે. ૨૦૨૬માં ફૅશનમાં થતી કેટલીક મિસ્ટેક્સને ધ્યાનમાં રાખીને કલાસિક કમ્ફર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનાથી તમારો કૉન્ફિડન્સ પણ ઝળકશે. યુવકો શેની ભૂલો કરે છે અને એને સુધારવા શું કરવું જોઈએ એ સમજવું બહુ જરૂરી છે.
ઓવરસાઇઝ્ડ ફૅશન
બૅગી જીન્સ અને ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સનો ટ્રેન્ડ આરામદાયક છે પણ બૉડીના હિસાબે એની સાઇઝની પસંદગી ન આવે તો એ ફૅશનેબલ નહીં પણ ફૅશન-બ્લન્ડર બની જાય છે. તેથી એવાં કપડાં પહેરવાનું ટાળો જે તમારા શરીરના આકારને છુપાવી દે. જીન્સ હોય કે શર્ટ, જો એ તમને ચાલતાફરતા તંબુ જેવો લુક આપે તો એને તાત્કાલિક વિદાય આપો. એને બદલે હવે સ્લિમ-ફિટ, સ્ટ્રેટ-કટ અથવા રિલૅક્સ્ડ ફિટને પસંદ કરો જે યોગ્ય રીતે ફિટ થાય. ખભા, કમર અને લંબાઈ પર ધ્યાન આપો.
લુકમૅક્સિંગ
લુકમૅક્સિંગ એ ઇન્ટરનેટ પરનાં ધોરણોને અનુસરવા માટે જડબાની કસરતો, ડાયટિંગ અને સર્જરી દ્વારા ચહેરાનાં ફીચર્સને બદલવાના પ્રયાસોનો અને એક માનસિક અને શારીરિક રીતે થકવી નાખનારો ટ્રેન્ડ છે. દેખાવ સુધારવો સારો છે, પણ બીજાની નજરથી નહીં. ઑનલાઇન કમ્યુનિટી દ્વારા નિર્ધારિત પર્ફેક્ટ બનવાની દોડમાં જોડાવાથી આત્મવિશ્વાસ નહીં પણ અસલામતી વધે છે. આથી નવા વર્ષથી નવી શરૂઆત કરો. સેલ્ફ-કૅર પર વધુ ફોકસ કરો. સ્વસ્થ અને આરોગ્યપ્રદ આહાર, નિયમિત કસરત, સારી ઊંઘ અને સ્કિન-ફ્રેન્ડ્લી ફૅબ્રિકનાં આઉટફિટ પહેરો કારણ કે કૉન્ફિડન્સ જ સૌથી મોટું આકર્ષણ હોય છે.
જીન્સ શૉર્ટ્સ
જીન્સની શૉર્ટ્સ એટલે જૉટ્સ ઘણી વાર લોકલ ઢાબામાં કામ કરતા કર્મચારી જેવો લુક પણ આપી શકે છે. ખાસ કરીને જો એની લેન્ગ્થ ઘૂંટણથી લાંબી હોય અને સાથે કોલ્હાપુરી કે અન્ય સૅન્ડલ પહેર્યાં હોય. આ લુક કોઈ સંજોગોમાં તમને ફૅશનેબલ દેખાડતું નથી. લાંબાં, ઢીલાં અને અનફિટ જીન્સ શૉર્ટ્સને સૅન્ડલ કે ચંપલ સાથે પહેરવાં. આ આઉટફિટને ૨૦૨૬માં કાયમી ધોરણે રજા આપો અને હવે સારી રીતે ફિટ થતાં, ઘૂંટણની ઉપરનાં ચિનો શૉર્ટ્સને સ્નીકર્સ કે ડેક શૂઝ સાથે સ્ટાઇલ કરશો તો કૅઝ્યુઅલ આઉટિંગમાં એ થોડું ફૅશનેબલ લાગશે.
બ્રૉકલી પર્મ
બ્રૉકલી પર્મ નામની હેરસ્ટાઇલ સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થઈ હતી. એ પક્ષીના માળા જેવી લાગે છે એમ કહીને ઘણા લોકોએ એને ટ્રોલ પણ કરી હતી. ફક્ત ટ્રેન્ડના નામે એવી હેરસ્ટાઇલ ન અપનાવો જે તમારા ચહેરાના આકારને અનુરૂપ ન હોય અથવા જેની જાળવણી ખૂબ જ મુશ્કેલ હોય. એને બદલે ક્લાસિક કટ, ફેડ સ્ટાઇલ કે પછી તમારા વાળના ટેક્સચરને અનુરૂપ સ્વચ્છ અને વ્યવસ્થિત કટ પસંદ કરો કારણ કે સાદગી તમારા લુકને અપલિફ્ટ કરશે.
સ્પોર્ટ્સવેઅર બ્લન્ડર
ટ્રૅક પૅન્ટ્સ અને રનિંગ શૂઝ જિમ અથવા સવારે જૉગિંગ માટે આઇડિયલ માનવામાં આવે છે, પણ આ વર્ષે કૉફી શૉપથી લઈને લગ્નના રિસેપ્શન સુધી પુરુષો સ્પોર્ટ્સવેઅરમાં જોવા મળ્યા ત્યારે આવી મિસ્ટેક તમારી ફૅશન-સેન્સને ડીગ્રેડ કરી શકે છે. જો તમે જિમમાં ન જતા હો કે રમતગમત ન કરતા હો તો ટ્રૅક પૅન્ટને સામાન્ય કૅઝ્યુઅલ વેઅર બનાવવાનું ટાળો. સ્પોર્ટ્સ શૂઝને ફૉર્મલ આઉટફિટ્સ સાથે પહેરવાં એ ગંભીર ફૅશન-ભૂલ છે. કૅઝ્યુઅલ આઉટિંગ માટે ચીનોઝ, લિનન પૅન્ટ્સ કે સારી રીતે ફિટ થતા ડેનિમ્સને અપનાવો. શૂઝમાં લોફર્સ, મૉન્ક સ્ટ્રૅપ્સ કે સ્ટાઇલિશ સ્નીકર્સને પ્રાધાન્ય આપો.
મિક્સ-મૅચમાં ગરબડ
મૅચિંગ સેટ્સ અથવા કો-ઑર્ડ્સ કમ્ફર્ટેબલ આઉટફિટ છે એમાં બેમત નથી, પણ એને નાઇટવેઅર તરીકે ટ્રીટ કરવાને બદલે ચળકતા-ભડકતા ફ્લોરલ પ્રિન્ટવાળા કો-ઑર્ડ્સ બીચ કે પૂલ-પાર્ટી સિવાય અન્ય જગ્યાએ પહેરી જવાનું શોભતું નથી. ગેટ-ટુગેધર, બ્રન્ચ કે કૅઝ્યુઅલ આઉટિંગ માટે કો-ઑર્ડ્સ પહેરવાનું તમારા લુકને ઔપચારિકતાથી દૂર અને બિનજરૂરી રીતે કૅઝ્યુઅલ બનાવે છે. આથી હવે કો-ઑર્ડ્સને વેકેશન, પૂલસાઇડ કે હોમ લાઉન્જ માટે રિઝર્વ રાખો. બાકીના સમયે જીન્સ કે પૅન્ટ સાથે શર્ટને મૅચ કરીને યુનિક લુક અપનાવો.