✕

રસોડાની દીવાલોને આપો ક્રીએટિવ ટચ

02 October, 2026 09:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસોડું હવે રસોઈ બનાવવાની જગ્યા જ નથી રહી, પણ ઘરની સુંદરતાનું કેન્દ્ર બની ગયું છે. બદલાતી લાઇફસ્ટાઇલમાં કિચન ડેકોરેશનમાં વૉલ આર્ટનો કન્સેપ્ટ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે

રસોડાની દીવાલોને આપો ક્રીએટિવ ટચ

એક સમયે ફક્ત રાંધવા માટે સીમિત ગણાતી જગ્યા હવે ઘરનું સ્ટેટસ સિમ્બૉલ અને સોશ્યલ સ્પેસ બની ગઈ છે. હવે લોકો લિવિંગ-રૂમ અને બેડરૂમની જેમ રસોડાની સુંદરતા પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ ટ્રેન્ડમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું તત્ત્વ કિચન વૉલ આર્ટ છે. રસોડાની દીવાલોને કલાત્મક રીતે સજાવીને એને આકર્ષક બનાવવાનો ક્રેઝ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે જો તમે પણ તમારા રસોડાને નવો અને ટ્રેન્ડી લુક આપવા માગતા હો તો એના ટ્રેન્ડ વિશે જાણી લો.

ચૉકબોર્ડ વૉલ
મૉડર્ન કિચનમાં એક નાનો ચૉકબોર્ડ સેક્શન બનાવવાનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે. આ દીવાલ પર તમે રોજનું મેનુ, ગ્રોસરી લિસ્ટ અથવા નાનાં-મોટાં લખાણ લખી શકો છો. સાથે જ બાળકો કે ઘરના સભ્યો એના પર ડ્રૉઇંગ કરીને કિચનનો લુક બદલી શકે છે. ચૉકબોર્ડ આર્ટ રસોડાને કૅઝ્યુઅલ, ફ્રેન્ડ્લી અને મૉડર્ન વાઇબ્સ આપે છે.

વાઇબ્રન્ટ કલર પેઇન્ટિંગ્સ અને કૅન્વસ આર્ટ
કિચન માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલાં કૅન્વસ પેઇન્ટિંગ્સની ડિમાન્ડ બહુ છે. ફૂડ અને શેફ થીમમાં તાજાં ફળો, શાકભાજી, કૉફી બીન્સ, વાઇન ગ્લાસ કે મસાલાઓનાં આકર્ષક અને વાઇબ્રન્ટ ચિત્રો રસોડાની દીવાલ પર ડ્રામા ઉમેરે છે. જો તમારું કિચન મૉડ્યુલર હોય તો સોબર અને ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ સ્પેસને ક્લાસી લુક આપે છે.

ઓપન ગૅલરી વૉલ
જો કિચનમાં એક મોટી ખાલી દીવાલ હોય તો ત્યાં નાની-મોટી ફ્રેમ્સનું કૉમ્બિનેશન કરીને ગૅલરી વૉલ તૈયાર કરી શકાય છે. એમાં ફૅમિલી ડાઇનિંગના ફોટોગ્રાફ્સ, ક્લાસિક રેસિપી કાર્ડ્‍સ અથવા રસોઈને લગતાં આર્ટવર્કને એકસાથે ગોઠવીને અનોખો લુક આપી શકાય.

વુડન અને મેટલ સાઇનેજ 
રસોડામાં ગરમ અને હોમલી ફીલ આપવા માટે વુડન તથા મેટલના આર્ટ પીસનો ઉપયોગ બહુ વધી રહ્યો છે. રસોડા અને ફૂડને લગતા ક્વોટ્સ જેમ કે કિચન ઇઝ ધ હાર્ટ ઑફ હોમ લખેલાં વુડન બોર્ડ્‍સ દીવાલ પર બહુ અટ્રૅક્ટિવ લાગે છે. મેટલ આર્ટની વાત કરીએ તો એમાંથી બનેલી કટલરી જેમ કે ચમચી, કાંટો કે છરી અથવા વિન્ટેજ કટઆઉટ્સ દીવાલને કન્ટેમ્પરરી લુક આપે છે.

કૅફે થીમ ટાઇલ્સ
રસોડાના કાઉન્ટરટૉપની પાછળની દીવાલ પર આર્ટિસ્ટિક ટાઇલ્સનો ઉપયોગ કરીને એને આર્ટ વૉલમાં ફેરવી શકાય છે. વિવિધ રંગો અને ભાત ધરાવતી મૉરોક્કન અથવા વિન્ટેજ ડિઝાઇન ટાઇલ્સ રસોડાને એક કૅફે જેવો વાઇબ્રન્ટ અને કલાત્મક દેખાવ આપે છે. આ ઉપરાંત દીવાલ પર હૅન્ડ-પેઇન્ટેડ સિરૅમિક કે માટીની પ્લેટ્સ ગોઠવીને ટ્રેડિશનલ અને ફ્યુઝન લુક પણ તૈયાર કરી શકાય છે.

ડેકોરેટિવ આર્ટ શેલ્ફ
માત્ર ચિત્રો જ નહીં, ખુલ્લી રૅક બનાવીને એના પર કલાત્મક વસ્તુઓ ગોઠવવાનો ટ્રેન્ડ પણ વૉલ આર્ટનો જ એક ભાગ ગણાય છે. એમાં નાના ડેકોરેટિવ કૂંડામાં વાવેલાં મિન્ટ, તુલસી કે મનીપ્લાન્ટ્સ ગોઠવી શકાય જે  રસોડામાં કુદરતી તાજગી ઉમેરે છે. એ ન રાખવાં હોય તો કાચની ફૅન્સી બરણીઓ, કલરફુલ મગ અને ક્રાફ્ટેડ કટલરી સેટને રૅક પર ગોઠવીને દીવાલને જીવંત બનાવી શકાય છે.

નાનું કિચન હોય તો બજેટ-ફ્રેન્ડ્લી વૉલ આર્ટ માટેના આઇડિયાઝ આ રહ્યા
મોટા ભાગનાં ઘરોમાં કિચન સ્પેસ ઓછી હોય છે અથવા ડેકોરેશન માટે બજેટ બહુ લિમિટેડ હોય ત્યારે વૉલ સ્ટિકર્સ અને ડેકલ્સ ક્વિક અને બજેટ-ફ્રેન્ડ્લી વિકલ્પ છે. કિચન થીમવાળા વૉલ સ્ટિકર્સ જેવાં કે કૉફી કપ, મસાલા બૉટલ્સ કે ક્વોટ્સ ખૂબ જ સસ્તા ભાવે મળે છે અને એને જાતે જ દીવાલ પર લગાવી શકાય છે.
ઘરમાં રહેલી જૂની લાકડાની કે ફાઇબરની ફોટોફ્રેમ્સમાં દાદી-નાની સમયની હાથથી લખેલી ખાસ વાનગીઓની રેસિપી મૂકીને દીવાલ પર ટીંગાડી શકાય છે. આ એક યુનિક, પર્સનલ અને તદ્દન ફ્રી આર્ટ આઇડિયા છે.
નકામી કે જૂની લાકડાની કે મેટલની ચમચીઓ અને કાંટાઓને કલર કરીને અથવા ચોક્કસ પૅટર્નમાં બોર્ડ પર ગોઠવીને એક અનોખું 3D વૉલ આર્ટ તૈયાર કરી શકાય છે.
આકર્ષક ફૂડ પ્રિન્ટ્સ, મિનિએચર આર્ટ અથવા જૂના આર્ટિસ્ટિક કૅલેન્ડરમાંથી સુંદર ચિત્રો કાપીને એને સિમ્પલ ફ્રેમમાં સેટ કરીને ગૅલરી લુક આપી શકાય છે.
જગ્યા રોક્યા વગર દીવાલ પર નાની લાકડાની ફ્રેમ્સ કે હોલ્ડર્સ બનાવી એમાં નાના ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકવાથી દીવાલ પણ સજશે અને કિચન મોટું અને તાજગીસભર લાગશે.

કલર સિલેક્શન કરતી 
વખતે ધ્યાન રાખો
નાના કિચન માટે લાઇટ શેડ્સ : 
નાની સ્પેસ હોય ત્યાં સફેદ, ક્રીમ, સૉફ્ટ ગ્રે કે પેસ્ટલ શેડ્સનો ઉપયોગ કરવો. આ રંગો પ્રકાશને રિફ્લેક્ટ કરે છે, જેનાથી રસોડું મોટું અને ખુલ્લું લાગે છે. આવી દીવાલ પર નાનું અને કલરફુલ આર્ટવર્ક ઝડપથી ધ્યાન ખેંચે છે.
ડાર્ક એક્સન્ટ વૉલ : જો તમારું કિચન ઓપન અથવા મોટું હોય તો એક દીવાલને ડાર્ક કલર જેમ કે નેવી બ્લુ, રૉયલ ગ્રીન કે ચારકોલથી પેઇન્ટ કરીને એના પર વુડન અથવા ગોલ્ડન ફ્રેમ્સ મૂકવાથી રજવાડી લુક મળે છે.
લાઇટિંગ બૅલૅન્સ : જે કિચનમાં તડકો કે નૅચરલ લાઇટ ઓછી આવતી હોય ત્યાં વૉર્મ કલર્સ જેમ કે સૉફ્ટ યલો, પીચ કે લાઇટ ઑરેન્જ વાપરવા, જેથી રસોડું અંધારિયા જેવું ન લાગે.
કિચન વૉલ આર્ટ પસંદ કરતી વખતે આટલું ધ્યાન રાખો : રસોડામાં તેલ, ધુમાડો અને વરાળ વધારે હોવાથી એવાં જ આર્ટ પીસ પસંદ કરવાં જે સરળતાથી સાફ કરી શકાય અથવા કાચથી પ્રોટેક્ટેડ હોય.
તમારા રસોડાની કૅબિનેટ્સ અને કાઉન્ટરટૉપના રંગને ધ્યાનમાં રાખીને જ વૉલ આર્ટના રંગો પસંદ કરવા, જેથી આખો લુક એકસમાન અને સુમેળભર્યો લાગે.
નાની જગ્યા ધરાવતા કિચનમાં ખૂબ ભારે કે મોટાં આર્ટ પીસ મૂકવાને બદલે હળવાં અને મિનિમલ આર્ટનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

lifestyle news life and style columnists fashion news fashion