20 November, 2025 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેઇલ આર્ટ માત્ર ફૅશન નથી પરંતુ વ્યક્તિના મૂડ, વ્યક્તિગત પસંદગી અને સ્ટાઇલનું પ્રતિબિંબ છે. મિનિમલ પેસ્ટલ્સ હોય કે બોલ્ડ ગ્રાફિક લુક, ગ્લિટરવાળી ટિપ્સ હોય કે ક્રીએટિવ ડિઝાઇન્સની મદદથી જેવા જોઈએ એવા કસ્ટમાઇઝ્ડ નેઇલ્સ બનાવીને પોતાની ફીલિંગ્સ કે મેસેજને વ્યક્ત કરવું સહેલું બની ગયું છે. વારંવાર લુક બદલી શકાય એ માટે આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં વપરાતી વશી ટેપની મદદથી નેઇલ આર્ટ કરી શકાય છે. આ પ્રકારની આર્ટ ક્રીએટવિટી દર્શાવવાનો સરળ રસ્તો છે. જેલ નેઇલ્સ અને રશિયન મૅનિક્યૉરના સમયમાં ઘેરબેઠાં નેઇલ્સ કરવી ખર્ચાળ નહીં પણ આરામદાયક રીત બની ગઈ છે. જોકે નેઇલ આર્ટ કરવામાં કલાકારી અને લાંબા સમયની જરૂરિયાત હોય છે.
વશી ટેપ એટલે?
વશી ટેપ પેપર પર આધારિત માસ્કિંગ ટેપ છે જે વિવિધ રંગો, પૅટર્ન અને સાઇઝમાં મળી રહે છે. ચોખાના કાગળ અને બામ્બુ જેવા કુદરતી રેસાથી બનેલી ટેપ પાતળી પણ મજબૂત હોય છે. લાકડું, પ્લાસ્ટિક, મેટલ જેવી વિવિધ સપાટી પર એ સરળતાથી ચોંટી જાય છે અને કાઢતી વખતે પણ નુકસાન થતું નથી. આ ટેપનો ઉપયોગ મોટા ભાગે ક્રાફ્ટ અને સ્ક્રૅપબુકિંગમાં થાય છે.
કેવી રીતે કરશો?
વશી ટેપથી ઘરે જ નેઇલ આર્ટ કરવું હોય તો સૌથી પહેલાં તમને ગમતી વશી ટેપ પસંદ કરો. પછી એ ટેપ સાથે સૂટ થાય એવા કલરની જેલ પૉલિશને બેઝ કોટ આપો. પછી ટેપને નાની સ્ટ્રિપ્સમાં કાપીને નેઇલ્સ પર એ રીતે ચોંટાડો કે પૅટર્ન સ્વાભાવિક લાગે. વધારાની ટેપને કાપી નાખો. નાની અને રિપીટિંગ પૅટર્નવાળી ટેપ વાપરવાથી ડિઝાઇન વધુ સારી લાગશે. પછી પારદર્શક નેઇલ-પૉલિશનો કોટ લગાવો, જેથી ટેપની કિનારી સીલ થઈ જાય. ઇચ્છો તો એમ્બેલિશમેન્ટ્સ અથવા નેઇલ ચાર્મ્સ ઉમેરીને એને પર્સનલાઇઝ સ્પર્શ આપી શકાય છે. ઘેરબેઠાં સરળતાથી, ઓછા ખર્ચે અને ક્રીએટિવ રીતે નેઇલ્સને નવી મજા આપતો આ વાશી ટેપ ટ્રેન્ડ હવે સોશ્યલ મીડિયામાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે.