ટ‍્વિન્કલ ખન્ના જેવો સર્પન્ટી લુક તમારી સ્ટાઇલને લેવલ-અપ કરશે

04 March, 2026 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલ્ડ અને યુનિક દેખાવું હોય તો જ્વેલરીમાં અઢળક અખતરા થઈ રહ્યા છે ત્યારે મૂળ ઇટલીની ગ્લોબલ ફૅશન બનેલી સર્પન્ટી જ્વેલરી ભારતમાં પણ વર્ચસ્વ સ્થાપી રહી છે

પ્રતીકાત્મક તસવીર

સ્ત્રી ઉંમરના કોઈ પણ તબક્કે ભલે હોય પણ તેનો ઘરેણા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો. તાજેતરમાં બૉલીવુડની મિસિસ ફનીબોન્સ એટલે કે ટ‍્વિન્કલ ખન્નાએ લંડનમાં આયોજિત એક કાર્યક્રમમાં સર્પન્ટી નેકલેસ પહેર્યો હતો. કરોડોની કિંમતનો ડાયમન્ડ અને એમરલ્ડ જડિત આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સર્પન્ટીનો અર્થ સાપ થાય છે. સર્પન્ટી ઇટાલિયન ભાષાનો શબ્દ છે. ૧૯૪૦માં એક ઇટાલિયન જ્વેલરી બ્રૅન્ડે આ કન્સેપ્ટને ફૅશનમાં રજૂ કર્યો હતો અને આજે એ વિશ્વભરમાં લક્ઝરી ફૅશન બન્યો છે.

યુનિકનેસ

સર્પન્ટી જ્વેલરીની ખાસિયત એની ડિઝાઇન છે. આ ઘરેણાં સાપની આકૃતિ પરથી પ્રેરિત હોય છે. આપણે એનો નેકલેસ પહેરીએ તો એવો ભાસ કરાવે કે એ ગળાની આસપાસ લપેટાયેલો છે. એમાં સાપનું માથું અને પૂંછડી એકબીજાને મળતાં હોય અથવા ઓવરલેપ કરતાં હોય એવી રીતે બનાવાય. સાપની આંખોમાં એમરલ્ડ, રુબી કે સફાયર જેવા સ્ટોનનો ઉપયોગ થાય છે જે તેના લુકને લાઇવલી બનાવે છે. સાપની ચામડી પરનાં ભીંગડાં જેવી ડિઝાઇન સોના કે પ્લૅટિનમમાં કંડારવામાં આવે છે જેમાં ઘણી વાર હીરા પણ જડેલા હોય છે.

કેવી જ્વેલરી મળે?

જો તમે પણ આ સ્ટાઇલને અપનાવવા માગતા હો તો અત્યારે નેકલેસ ઉપરાંત બ્રેસલેટ, ​રિંગ, ઇયરરિંગ્સ માર્કેટમાં સરળતાથી મળી રહે છે. ટ્વિન્કલ ખન્નાની જેમ હેવી લુક જોઈતો હોય તો ડાયમન્ડજડિત લૉન્ગ અથવા ચોકર સ્ટાઇલ નેકલેસ સ્ટાઇલ કરી શકાય. અત્યારે કાંડા પર સાપની જેમ વીંટળાયેલું બ્રેસલેટ ઘણું પૉપ્યુલર છે. એને ઘડિયાળની સાથે પણ પહેરી શકાય છે. આંગળી પર બેત્રણ આંટા મારતા સર્પાકાર વીંટી બહુ બોલ્ડ અને મૉડર્ન લાગે છે. લાંબાં લટકતાં ઇયરરિંગ્સ પણ તમારી બોલ્ડનેસમાં વધારો કરશે.

કેવા પ્રસંગે પહેરી શકાય?

આ જ્વેલરી બાકી જ્વેલરીની સરખામણીમાં થોડી મોંઘી મળે છે. જોકે એ બહુ જ વર્સટાઇલ છે. જો કોઈ તમે હાઈ પ્રોફાઇલ પાર્ટી કે અવૉર્ડ ફંક્શનમાં જઈ રહ્યા હો તો સર્પન્ટી નેકલેસ તમારા આખા લુકને કલાસી બનાવી દેશે. આ ઉપરાંત તમે સંગીત સંધ્યા કે રિસેપ્શનમાં ઇન્ડો-વેસ્ટર્ન ગાઉન અથવા શિફૉન સાડી પહેરો છો તો આ જ્વેલરી ગજબનો ઉઠાવ આપે છે. કૉકટેલ પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું હોય અને તમને કોઈ હેવી આઉટફિટ પહેરવાનું મન નથી થઈ રહ્યું તો તમે એક સિમ્પલ બ્લૅક ડ્રેસ સાથે માત્ર એક સર્પન્ટી બ્રેસલેટ અથવા સ્ટેટમેન્ટ રિંગ પહેરશો તો બહુ ક્લાસી વાઇબ આપશે. આ જ્વેલરી તમારા લુકને ઇન્સ્ટન્ટ લિફ્ટ કરશે.

કૅર કેવી રીતે કરશો?

સર્પન્ટી જ્વેલરીની ડિઝાઇન કૉમ્પ્લેક્સ હોય છે અને આવી જ્વેલરીની ચમક જાળવી રાખવા માટે સંભાળ રાખવી જરૂરી છે. આવી જ્વેલરીમાં ઝીણી કોતરણી હોય છે તેથી એને પહેર્યા બાદ હંમેશાં નરમ કપડાથી સાફ કરવું. જ્યારે તમારે જ્વેલરી પહેરવી હોય તો એ પરફ્યુમ કે લોશનના સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખવું. તમારે આ લગાવ્યા બાદ જ્વેલરી પહેરવી જેથી કેમિકલથી ડાયમન્ડ અને સ્ટોનની ચમક ઝાંખી ન પડે. આવી જ્વેલરીને હંમેશાં અલગ બૉક્સમાં રાખો. અન્ય જ્વેલરી સાથે રાખશો તો એકબીજામાં ગૂંચવાઈને તૂટી જવાનો ડર રહેશે.

સ્ટાઇલિંગ ગાઇડ

યુનિક અને સેલિબ્રિટી જેવો લુક મેળવવા માટે માત્ર જ્વેલરી પહેરવી પૂરતી નથી, એને તમે કેવી રીતે સ્ટાઇલ કરો છો એ મહત્ત્વનું છે. સર્પન્ટી જ્વેલરી પોતે જ એક સ્ટેટમેન્ટ પીસ છે. એ દેખાવમાં બહુ બોલ્ડ અને આકર્ષક હોય છે. એને સ્ટાઇલ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો તમે ટ્વિન્કલ ખન્નાની જેમ હેવી સર્પન્ટી નેકલેસ પહેર્યો હોય તો કાનમાં મોટી બુટ્ટીઓ પહેરવાને બદલે નાના ડાયમન્ડ સ્ટડ્સ પહેરો અથવા કાન ખાલી રાખશો તો નેકલેસ વધુ હાઇલાઇટ થશે. એકસાથે બધું જ પહેરવાને બદલે કોઈ એક જ અંગ પર ફોકસ કરો.

સર્પન્ટી નેકલેસ ડીપ વી નેક અથવા ઑફ-શોલ્ડર ડ્રેસ પર વધારે સૂટ થાય છે. તમે સાડી પહેરતા હો તો પ્લેન સ્લીવલેસ બ્લાઉઝ અથવા હાઈ-નેક બ્લાઉઝ પર આ નેકલેસ પહેરવાથી તમારો લુક મૉડર્ન તો થશે જ સાથે રૉયલ પણ લાગશે.

સર્પન્ટી જ્વેલરીનો ઉઠાવ ત્યારે જ આવે છે જ્યારે તમારા કપડાનો રંગ સૉલિડ અને સિંગલ હોય. બ્લૅક, રૉયલ બ્લુ, એમરલ્ડ ગ્રીન કે મરૂન જેવા ડાર્ક કલર્સ પર ડાયમન્ડ અને ગોલ્ડન સર્પન્ટી જ્વેલરી ખૂબ જ સુંદર લાગે છે. બહુ હેવી પ્રિન્ટવાળાં કપડાં આ જ્વેલરીની ચમકને દબાવી દે છે.

જો તમે નેકલેસ નથી પહેરવા માગતા તો કાંડા પર બે-ત્રણ અલગ-અલગ સાઇઝનાં સર્પન્ટી બ્રેસલેટ પહેરો. આ લેયરિંગ અત્યારે વધુ ટ્રેન્ડમાં છે અને તમને યુનિક બોહો લુક આપશે.

તમે પોતાની પર્સનાલિટી મુજબ જ્વેલરીની પસંદગી કરી શકો છો. બોલ્ડ પર્સનાલિટી ધરાવતી યુવતીઓ ડબલ કોઇલ એટલે કે બે આંટાવાળો નેકલેસ પહેરી શકે છે. એલિગન્ટ લુક જોઈતો હોય તો સાપની આંખોમાં માત્ર એક નાનકડું રત્ન હોય એવી પાતળી સર્પન્ટી રિંગ પહેરો. મૉડર્ન લુક અપનાવવો હોય તો ઘડિયાળ અને બ્રેસલેટનું કૉમ્બિનેશન હોય એવું સર્પન્ટી ટાઇમપીસ પસંદ કરો.

સર્પન્ટી જ્વેલરી સાથે સ્મોકી આઇઝ અથવા બોલ્ડ લિપસ્ટિક બહુ મસ્ત લાગે છે.

twinkle khanna fashion fashion news life and style lifestyle news columnists