હેર-ગ્રોથ માટે ડર્મા રોલર વાપરો છો? તો એના સેફ્ટી-રૂલ પણ જાણી લેજો

09 July, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાળ ખરવાની સમસ્યાથી પરેશાન લોકો માટે ડર્મા રોલર મદદરૂપ સાબિત થઈ રહ્યું છે ત્યારે અધૂરી માહિતી વગર અને ખોટી પદ્ધતિથી એનો ઉપયોગ કરવાથી સ્કૅલ્પને નુકસાન પહોંચી શકે છે

પ્રતીકાત્મક તસવીર

બદલાતી લાઇફસ્ટાઇલ, પ્રદૂષણ અને તનાવને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ ગઈ છે. આવી સ્થિતિમાં વાળની લંબાઈ વધારવા અને નવા વાળ ઉગાડવા માટે હેર ડર્મા રોલરનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘેરબેઠાં પ્રોફેશનલ હેર-ટ્રીટમેન્ટ જેવું પરિણામ મેળવવા માટે લોકો સોશ્યલ મીડિયા જોઈને એનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ નાનકડું ટૂલ ખરેખર સુરક્ષિત છે? જો ડર્મા રોલરનો ઉપયોગ સાચી સમજ અને સાવચેતી વિના કરવામાં આવે તો એ ફાયદાને બદલે ગંભીર નુકસાન અને સ્કૅલ્પ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

સ્કૅલ્પ પર ડર્મા રોલર ફેરવવાથી બ્લડ-સર્ક્યુલેશન વધે છે અને હેર-સિરમ કે ઑઇલ મૂળ સુધી સરળતાથી પહોંચે છે. આમ છતાં આ પ્રક્રિયામાં ત્વચા પર બારીક સોયનો ઉપયોગ થતો હોવાથી એના નિયમો જાણવા અત્યંત અનિવાર્ય છે.

નીડલની સાચી સાઇઝ સૌથી મહત્ત્વપૂર્ણ

ડર્મા રોલરમાં અત્યંત બારીક નીડલ્સ હોય છે. ઘરે ડર્મા રોલરનો ઉપયોગ કરતી વખતે સૌથી પહેલો અને મોટો પ્રશ્ન સોયની સાઇઝનો હોય છે. બજારમાં અલગ-અલગ સાઇઝના રોલર્સ ઉપલબ્ધ છે, પરંતુ ઘરે જાતે ઉપયોગ કરવા માટે ૦.૨૫થી ૦.૫ એમ.એમ. સુધીની સાઇઝ સૌથી સેફ અને ઉત્તમ માનવામાં આવે છે. આ સાઇઝની સોય ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના હેર-ગ્રોથને વધારવામાં મદદ કરે છે. આનાથી મોટી સાઇઝની સોયનો ઉપયોગ માત્ર ક્લિનિકલ સેટિંગમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ થવો જોઈએ.

ધ્યાનમાં રાખો આ સેફ્ટી-રૂલ્સ

ડર્મા રોલરને સ્કૅલ્પ પર એકદમ હળવા હાથે અને ધીમે-ધીમે ફેરવવું જોઈએ. જો તમે રોલરને વધારે દબાવીને કે ઝડપથી ફેરવશો તો સ્કૅલ્પની ત્વચા છોલાઈ જશે અને લોહી નીકળશે.

ક્યારેક વધુ પડતા દબાણને કારણે સ્કૅલ્પ પર લોહી નીકળે છે અને ત્યાં પોપડી જામી જાય છે. જો લાંબા સમય સુધી અને વારંવાર આવી પોપડીઓ થયા કરે તો ત્યાં બૅક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

ઘણા લોકો ઝડપી પરિણામ મેળવવા માટે રોજ ડર્મા રોલરનો ઉપયોગ કરવા લાગે છે જે તદ્દન ખોટું છે. સ્કૅલ્પની ત્વચાને હીલ થવા માટે સમય જોઈએ છે એટલે અઠવાડિયામાં માત્ર એક જ વાર એનો ઉપયોગ કરવો પૂરતો અને હિતાવહ છે.

રોલર ફેરવતાં પહેલાં વાળમાં હળવું હેર-ઑઇલ અથવા હેર-ગ્રોથ સિરમ લગાવી શકાય, જેથી રોલર સ્કૅલ્પ પર સરળતાથી સરકી શકે અને સ્મૂધલી કામ કરે.

કોઈ પણ નવી બ્યુટી કે હેર-ટ્રીટમેન્ટ ઘરે શરૂ કરતાં પહેલાં સ્કૅલ્પનો પ્રકાર અને વાળની સ્થિતિ જાણી લેવાં જરૂરી છે. જો તમને ઑલરેડી સ્કૅલ્પ પર કોઈ ઇન્ફેક્શન, ખંજવાળ કે સૉરાયસિસ જેવી સમસ્યા હોય તો ડર્મા રોલરનો ઉપયોગ બિલકુલ ન કરવો અને ડર્મેટોલૉજિસ્ટની સલાહ અચૂક લેવી.

hair care skin care fashion fashion news life and style lifestyle news columnists