31 January, 2025 01:21 PM IST | Mumbai | Rajul Bhanushali
૭૦૦૦ વર્ષથીયે જૂનો ઇતિહાસ ધરાવતાં ઇઅર કફ્સ ફરી આવ્યાં છે ટ્રેન્ડમાં
ઇઅર કફ્સ ન્યુ ટ્રેન્ડ છે. ફૅન્સી ઇઅર કફ્સ સાથે તમે તમારા લુકમાં એક સાઇફાઇ એલિમેન્ટ ઉમેરી શકો છો. અને હા, ઇઅર કફ પહેરવા માટે તમારે કાન વીંધાવવાની પીડાદાયી પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર નથી. જે રીતે રેગ્યુલર બુટ્ટી સહેલાઈથી પહેરાય એ જ રીતે ઇઅર કફ્સ પણ સરળતાથી પહેરી શકાય છે. કાનની બૂટ પર પ્રેસ કરીને પહેરી શકાય એવા, હુકવાળા જેનું હુક કાનની બૂટના પાછળના ભાગમાં અટકાવીને પહેરી શકાય એવા અનેક સ્ટાઇલના પીસ ઑનલાઇન શૉપિંગ તેમ જ ફિઝિકલ માર્કેટમાં અવેલેબલ છે. આ જ્વેલરીમાં મિનિમલિસ્ટ નાજુક ડિઝાઇન્સથી લઈને બોલ્ડ અને બ્યુટિફુલ ડિઝાઇન્સ પણ મળે છે.
ઇઅર કફ્સનો ઇતિહાસ ૭૦૦૦ વર્ષ જૂનો છે
ઇઅર કફ્સનો ટ્રેન્ડ સાંભળવામાં નવું લાગે છે, પરંતુ એનો ઇતિહાસ ૭૦૦૦ વર્ષ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ, ગ્રીક, ચાઇનીઝ અને રોમન લોકો ઇઅર કફ્સ પહેરતા એવા પુરાવા છે. જોકે પ્રાચીન સમયમાં એ કફ્ફા સંજ્ઞાથી ઓળખાતાં. એ સમયમાં કફ્ફાને સ્ટેટસનું પ્રતીક ગણવામાં આવતું. એ સમયમાં એવું માનવામાં આવતું કે કફ્ફા પહેરવાથી નજર નથી લાગતી. પુરુષો પણ કફ્ફા પહેરતા અને આજે પણ પહેરે છે.
કફ્ફા ધાતુ કે ચામડામાંથી બનાવવામાં આવતાં અને એના પર કોતરણી કામ કરીને રત્નો, હીરા અને મોતીઓથી શણગારવામાં પણ આવતાં. બારમી સદીની પ્રાચીન ભારતીય કળામાં પણ કફ્ફાની હાજરી મળી આવે છે. આપણે ત્યાં મોટા ભાગે કફ્ફા કીમતી ધાતુનો ઉપયોગ કરીને બનતાં. ભારતીય સંસ્કૃતિમાં મોટા ભાગે લગ્ન, ઉત્સવો અને ઉજવણીઓમાં કફ્ફા પહેરવામાં આવતાં અને આજે પણ આ પ્રથા જોવા મળે છે. કફ્ફા ફૅશન વર્લ્ડ અને સોશ્યલ મીડિયામાં લોકપ્રિય છે. અનેક અભિનેત્રીઓ પહેરતી થઈ ગઈ છે અને હવે સામાન્ય પબ્લિકમાં પણ લોકપ્રિય થઈ રહ્યાં છે. મજાની વાત એ છે કે આ ટ્રેડિશનલ આભૂષણનું મૉડર્ન ટ્રેન્ડમાં મૉડર્ન સ્વરૂપ મજાનું છે.
કફ્ફાના પ્રકાર અને એ કેવી રીતે સ્ટાઇલ કરવાં એ જોઈએ.
ફુલ ઇઅર કફ્સ
નામ પ્રમાણે આ પ્રકારનાં ઇઅર કફ્સ તમારા મોટા ભાગના કાનને આવરી લે છે. નૉર્મલ બુટ્ટી પહેરીએ એમ કાનના એ જ કાણામાં પહેરાય. ઉપલા હેલિક્સથી શરૂ કરીને લૉબ સુધી જાય છે. ટ્રેડિશનલ અટાયર તેમ જ બ્લેઝર કે કૉલરવાળા આઉટફિટ સાથે આ પ્રકાર ખૂબ સુંદર લાગે છે.
ક્લિપ આૅન ઇઅર કફ્સ
આ પહેરવા માટે કાન વીંધાવવા જરૂરી નથી. ક્લિપ ઑન ઇઅર કફ્સ સામાન્ય રીતે કાનના ઉપલા હેલિક્સ પર પહેરવામાં આવે છે. આ પ્રકાર ખૂબ સ્ટાઇલિશ લાગે છે. તમારા દેખાવમાં ડેપ્થ ઉમેરે છે અને ફૅશન સ્ટેટમેન્ટને ધારદાર બનાવે છે. જીન્સ વિથ ટૉપ તેમ જ ફૉર્મલ પૅન્ટ સાથેના ડ્રેસિંગ પર ક્લિપ ઑન કફ મૅચ થશે.
સિંગલ ઇઅર કફ્સ
સિંગલ ઇઅર કફ પરંપરાગત રીતે એક જ કાન પર પહેરવામાં આવે છે. એ સાઇઝમાં નાના હોય છે પરંતુ એમાં જુદી-જુદી અનેક ડિઝાઇન આવે છે. એ જમણે કે ડાબે કોઈ પણ કાનમાં પહેરી શકાય. આ ઇઅર કફ પ્રોફેશનલ અને ટ્રેડિશનલ બન્ને પ્રકારની ઇવેન્ટ્સમાં પહેરી શકાય છે. એ ઉપરાંત રોજ પહેરવાની જ્વેલરી તરીકે પણ એ લઈ શકાય. આપણે નૉર્મલ ઇઅર રિંગ પહેર્યાં હોય એ સાથે પણ પેર કરી શકાય.
ડબલ ઇઅર કફ્સ
ડબલ ઇઅર કફ્સ રોજબરોજની જ્વેલરી છે અને જે ઇવેન્ટમાં ઇચ્છો એ ઇવેન્ટમાં પહેરી શકાય એવી વસ્તુ છે.