જૂનાં વસ્ત્રોથી છુટકારો મેળવવાનો જબરો કીમિયો શોધી કાઢ્યો આ ટીનેજરે

16 September, 2022 11:25 AM IST  |  Mumbai | Varsha Chitaliya

યંગ ક્રાઉડને તેના ફૅશનેબલ આઉટફિટ્સ એટલા ગમ્યા કે બે જ વીકમાં ઢગલાબંધ જૂનાં વસ્ત્રો વેચાઈ ગયાં

૧૯ વર્ષની ટીનેજર સના

ટૂંકા થઈ ગયેલા ને પહેરીને કંટાળો આવી ગયો હોય એવા ડ્રેસિસનો રી-યુઝ થાય તેમ જ એમાંથી પૈસા પણ મળે એ માટે કાંદિવલીની ૧૯ વર્ષની સના વોરાએ ઑનલાઇન થ્રિફ્ટ સ્ટોર ખોલી નાખ્યો. યંગ ક્રાઉડને તેના ફૅશનેબલ આઉટફિટ્સ એટલા ગમ્યા કે બે જ વીકમાં ઢગલાબંધ જૂનાં વસ્ત્રો વેચાઈ ગયાં

વર્ષા ચિતલિયા 
varsha.chitaliya@mid-day.com

પૅન્ડેમિક દરમ્યાન અનેક પ્રકારના નવા અથવા ભારતમાં ઓછા જાણીતા સ્ટાર્ટઅપ લાઇમલાઇટમાં આવ્યા છે. ઑનલાઇન થ્રિફ્ટ સ્ટોર આવો જ એક બિઝનેસ છે જેણે યુવા પેઢીને ઑન્ટ્રપ્રનર બનવા માટેનું પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. થ્રિફ્ટ શૉપર્સ પણ મોટા ભાગે યંગસ્ટર્સ હોય છે. ઇન શૉર્ટ આ બિઝનેસ યુવાનો દ્વારા યુવાનો માટે છે એમ કહી શકાય. સ્ટાર્ટઅપ વિશે વધુ સસ્પેન્સ ન રાખતાં કાંદિવલીની યંગ ગર્લ સના વોરાને મળીએ જેણે વૉર્ડરોબમાં સંઘરી રાખેલાં આઉટફિટ્સને ઘરમાંથી રવાના કરવા થ્રિફ્ટ સ્ટોર ઓપન કર્યો અને બધાં જૂનાં વસ્ત્રો ચપોચપ વેચાઈ પણ ગયાં. લિમિટેડ બજેટમાં બ્રૅન્ડેડ આઉટફિટ્સનાં ખરીદ અને વેચાણ માટે તેમ જ ફૅશન ટ્રેન્ડ સાથે રહેવા માગતા યંગસ્ટર્સમાં થ્રિફ્ટ સ્ટોર પૉપ્યુલર થઈ રહ્યા છે ત્યારે સનાએ આ ફીલ્ડમાં કઈ રીતે ઝંપલાવ્યું અને તેના સ્ટાર્ટઅપની ખાસિયત શું છે જોઈ લો. 

ક્યા આઇડિયા હૈ

મુંબઈની સોફિયા કૉલેજમાં માસ મીડિયાનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની ટીનેજર સના બે વર્ષ પહેલાંની વાત યાદ કરતાં કહે છે, ‘હું જબરજસ્ત ફૅશન-ક્રેઝી છું. વૉર્ડરોબ ભરીને ડ્રેસિસ હોય તોય ઓછા પડે. લૉકડાઉન આવ્યું એ વખતે પણ ઢગલો કપડાં હતાં. બહાર જવાનું નહોતું તેથી બધાં આમ જ પડ્યાં હતાં. એક દિવસ ટાઇમપાસ કરવા વૉર્ડરોબ અરેન્જ કરતી હતી ત્યારે જોયું કે મારી પાસે ઓછામાં ઓછા પચાસ ડ્રેસ એવા છે જે હવે થતા નથી, કારણ કે મારી હાઇટ અને વેઇટ બન્ને વધી ગયાં હતાં. અગાઉ ન ગમતાં હોય કે ટૂંકાં થઈ જાય એવાં કપડાં મમ્મી અનાથાશ્રમમાં આપી આવતી, જેથી રી-યુઝ થાય. જોકે, કોવિડ-19માં બધું જ બંધ હોવાથી રી-યુઝ માટેનો રસ્તો સૂઝતો નહોતો. ઇન્ટરનેટ પર ખણખોદ કરતાં જાણવા મળ્યું કે ફૅબ્રિક વેસ્ટથી પર્યાવરણને બચાવવા અનેક પ્રકારની ઝુંબેશ ચાલે છે. એક બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત થઈ અને એમાંથી આઇડિયા આવ્યો કે ઓલ્ડ ડ્રેસિસને સેલ કરવાથી એનો રી-યુઝ થશે, પૈસા મળશે અને એન્વાયર્નમેન્ટ સેવ ઇનિશ્યેટિવમાં કૉન્ટ્રિબ્યુશન પણ રહેશે. આ વિચારમાંથી ધ પિન્ક ગ્રેપ નામનો ઑનલાઇન થ્રિફ્ટ સ્ટોર સ્ટાર્ટ થયો. અમારી જનરેશનને ટ્રેન્ડ સાથે ચાલવું છે. યંગસ્ટર્સને દરેક ઇવેન્ટમાં ન્યુ લુક જોઈએ છે. રેગ્યુલરમાં પણ બ્રૅન્ડેડ ક્લોધિંગનું ઍટ્રૅક્શન હોય છે. દર વખતે મોંઘા ડ્રેસ ખરીદવાનું શક્ય નથી હોતું તેથી યંગ ક્રાઉડમાં સેકન્ડહૅન્ડ બ્રૅન્ડેડ ડ્રેસ બહુ ચાલે છે. અમારું એવું પ્લૅટફૉર્મ છે જ્યાંથી તમે હાઇ ક્વૉલિટીના ઓલ્ડ ડ્રેસિસ અડધા ભાવમાં ખરીદી શકો છો.’

બમ્પર સેલિંગ

સ્ટાર્ટઅપ વિશે વધુ જાણકારી આપતાં તે કહે છે, ‘મારી પાસે જાણીતી બ્રૅન્ડના વેસ્ટર્ન ડ્રેસિસનું સારું એવું કલેક્શન હતું. સ્કર્ટ, ટૉપ, ટી-શર્ટ, જીન્સ વગેરે સેલ કરવાનું નક્કી કર્યા બાદ ફ્રેન્ડને હેલ્પ કરવા ઘરે બોલાવી. અમે બન્નેએ મળીને ડ્રેસિસને વ્યવસ્થિત ગોઠવી ફોટા પાડી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા. દરેક ડ્રેસ પર ઓરિજિનલ રેટના ફિફ્ટી પર્સન્ટ​નું પ્રાઇઝ ટૅગ રાખ્યું. કપડાંથી છુટકારો મેળવવા કંઈક કરી રહી છું એવો મમ્મીને અણસાર આવી ગયો. જોકે પહેલા જ દિવસે રિસ્પૉન્સ મળ્યો. ક્લાયન્ટ્સને મેઝરમેન્ટ, લેન્ગ્થ વગેરેની ડીટેલ આપવાની સાથે આ ડ્રેસનો લુક કેવો આવશે એ બતાવવા મારો ફોટો શૅર કર્યો. બે ડ્રેસ સેલ થતાં જુસ્સો વધ્યો. બે વીકમાં તો ત્રીસ ડ્રેસ વેચાઈ ગયા. કાશ્મીરથી લઈને કેરલા સુધીના ટીનેજરોએ મારા ડ્રેસિસ ખરીદ્યા છે. પછી તો વૉર્ડરોબમાંથી જૂના ડ્રેસ નીકળતા જ ગયા. ફ્રેન્ડસે પણ તેમના ઓલ્ડ ડ્રેસિસ સેલ કરવા આપી દીધા. ધીમે-ધીમે સ્ટૉક વધતો ગયો. ઘણા ટીનેજર અમારી પાસેથી ખરીદેલો ડ્રેસ પહેરીને ફોટો મોકલે એ જોઈને આનંદ થાય છે.’

ફૅશનેબલ વસ્ત્રો પહેરવાના શોખીન યંગસ્ટર્સ માટે ધ પિન્ક ગ્રેપ પર્ફેક્ટ પ્લેસ છે. અહીં તેમને પૉકેટમાં ફિટ બેસે એવા ક્લોધિંગની વાઇડ રેન્જ મળી રહે છે. ઇકોફ્રેન્ડલી વેથી ડિલિવરી કરવાની સ્ટાઇલ પણ તેમને ઍટ્રૅક્ટ કરે છે. ડ્રેસિસના પેકેજિંગ માટે સના હોમમેડ ન્યુઝપેપર બૅગ્સનો વાપરે છે.

સ્ટૉક વધારવાના પ્રયાસો

જાણીતી કંપનીઓ સેલિંગ વધારવા ફાસ્ટ ફૅશન લાવે છે, જ્યારે આ સ્લો ફૅશન બિઝનેસ છે. એ માટે થોડી સૂઝબૂઝ જોઈએ એવી વાત કરતાં સના કહે છે, ‘આપણી પાસે ૮૦ ટકા કપડાં નકામાં હોય છે. સૌથી પહેલાં વૉર્ડરોબને રી-ઑર્ગેનાઇઝ્ડ કરો. ગમતાં ન હોય અથવા પહેરીને કંટાળી ગયા હો, તમારા બૉડીમાં ફિટ થતાં નથી, પ્રસંગ માટે ખરીદ્યાં હતાં ને હવે રિપીટ નથી કરવાં એવાં વસ્ત્રોને સાચવી રાખવામાં કોઈ લૉજિક નથી. થ્રિફ્ટ સ્ટોરના માધ્યમથી આ ક્લોથ્સ સેલ કરી ઇન્કમનો સોર્સ ઊભો કરો. ફેંકી દેવાનો જીવ ન ચાલતો હોય એવાં વસ્ત્રોનો નિકાલ કરવાનો તેમ જ તમારા પોતાના વૉર્ડરોબને અપગ્રેડ કરવાનો આ બેસ્ટ અને પ્રૅક્ટિકલ જરિયો છે. આ વાત સમજાવવી પડે છે અને લોકો માની પણ જાય છે. અંગત સર્કલમાંથી ઘણા ડ્રેસિસ મળી જાય છે. બહારના લોકો આપે તો હું તેમને ડ્રેસિસની કન્ડિશન ચેક કરીને અમુક રકમ આપું છું. સ્ટૉકને વ્યવસ્થિત રીતે સાચવી રાખવા ઘરમાં નાનું વેરહાઉસ બનાવ્યું છે. નજીકના ભવિષ્યમાં બ્રૅન્ડેડ બૅગ્સ, પર્સ, જ્વેલરી વગેરે ઍડ કરવાનો પ્લાન છે.’

columnists Varsha Chitaliya fashion fashion news