09 December, 2025 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેઇલ-આર્ટ્સના ટ્રેન્ડ્સ પણ સતત બદલાતા રહે છે
બ્રાઇડલ ફૅશનમાં ફક્ત આઉટફિટ, મેકઅપ અને જ્વેલરીની સાથે નેઇલ-આર્ટ્સના ટ્રેન્ડ્સ પણ સતત બદલાતા રહે છે. અત્યારે ચાલી રહેલા વેલ્વેટ નેઇલ્સનો ટ્રેન્ડ નખને શાહી અને આકર્ષક લુક આપે છે, જે ખાસ કરીને લગ્નના દિવસે દુલ્હનના ગેટઅપને કમ્પ્લીટ બનાવે છે. વેલ્વેટ નેઇલ્સને મૅગ્નેટિક નેઇલ્સ અથવા કૅટ આઇ નેઇલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા નેઇલ્સ એક પ્રકારની નેઇલ-આર્ટ ટેક્નિક છે. આમાં સાદી નેઇલ-પૉલિશને બદલે ઝીણા મેટલિક પાર્ટિકલ્સવાળી નેઇલ-પૉલિશ વપરાય છે. નખ પર અપ્લાય કર્યા બાદ નેઇલ-ટેક્નિશ્યન એક ખાસ પ્રકારના મૅગ્નેટનો ઉપયોગ કરીને નેઇલ-પૉલિશમાં રહેલા મેટલિક કણોને એક જગ્યાએ ભેગા કરીને ચોક્કસ પૅટર્ન બનાવે છે જેને લીધે એ 3D દેખાય છે. જ્યારે એના પર લાઇટ આવે ત્યારે વેલ્વેટ જેવું ફિનિશિંગ આપે છે અને લક્ઝુરિયસ લુક આપે છે.
ટ્રેન્ડિંગ કલર્સ
નવવધૂઓ માટે વેલ્વેટ નેઇલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે એ ક્લાસિક અને મૉડર્નનો ફ્યુઝન લુક આપે છે. રોઝ ગોલ્ડ અને શૅમ્પેન ટોન લગ્ન માટે સૌથી વધુ પસંદગીના કલર્સમાંના એક છે. આ કલર્સ ગોલ્ડન આભૂષણો સાથે સારી રીતે મૅચ થાય છે અને લુકને વધુ રોમૅન્ટિક બનાવે છે. મરૂન લેહંગા પહેરતી બ્રાઇડ્સ રૉયલ લુક મેળવવા માટે ડીપ મરૂન અને બર્ગન્ડી કલર્સના વેલ્વેટ નેઇલ્સ અપનાવતી હોય છે. સગાઈના, મેંદી, હલ્દી કે કૉકટેલ પાર્ટી જેવાં ફંક્શન્સમાં ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ પર નખને પણ વેસ્ટર્ન ટચ આપવા માટે સિલ્વર કે ગ્રેફાઇટ કલર્સ બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. બે કલરના શેડ્સને મિક્સ કરીને ઑમ્બ્રે ઇફેક્ટવાળા વેલ્વેટ નેઇલ્સ અને ચૉકલેટ બ્રાઉન વેલ્વેટ નેઇલ્સ તમારા લુકને યુનિક બનાવશે.
જોકે ઘણી દુલ્હનો એવી હોય જેને સિમ્પલ અને એલિગન્ટ લુક જોઈતો હોય તો તેઓ ન્યુડ પિન્ક કે સૉફ્ટ પીચ કલર્સમાં વેલ્વેટ ઇફેક્ટ કરાવે છે. ક્લાસિક ફ્રેન્ચ મૅનિક્યોર ટિપ્સ પર વેલ્વેટ ઇફેક્ટ કરાવવાનો ટ્રેન્ડ પણ બહુ ચાલી રહ્યો છે. આવા પ્રકારનો લુક ક્લાસિક અને ટ્રેન્ડી લુકના બૅલૅન્સને જાળવે છે. મોટા ભાગે વેલ્વેટ નેઇલ-આર્ટ ઓવલ, આમન્ડ અને કૉફિન શેપના નખ પર વધુ સારા લાગે છે અને એની થ્રી-ડી ઇફેક્ટ લુકને એલિવેટ કરે છે. આ એવો ટ્રેન્ડ છે કે એ મોટા નખ પર પણ સારા લાગશે અને નાના નખની સુંદરતાને પણ વધારશે.