15 April, 2026 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રી-વેડિંગ ફંક્શન્સમાં હવે બ્લેન્ડેડ કલર્સનો ક્રેઝ વધ્યો
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના મેંદી-લુક વાઇરલ થયા ત્યારે એના યુનિક બ્લેન્ડેડ કલર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ટ્રેડિશનલ રૂટ્સ જાળવી રાખીને પણ મૉડર્ન લુક કેવી રીતે મેળવવો એ આ આઉટફિટ્સ શીખવે છે. જો તમે પણ તમારા વેડિંગ ફંક્શન્સમાં આ પ્રકારનો કૂલ અને રિલૅક્સ્ડ લુક ઇચ્છતા હો તો કલર પેલેટથી લઈને બૉડી ટાઇપ સુધીની આ નાની પણ મહત્ત્વની વાતો તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે
આજના યુગમાં વેડિંગ ફૅશન માત્ર વસ્ત્રો પહેરવા પૂરતી સીમિત નથી, એ તમારી પર્સનાલિટીનું એક્સટેન્શન છે. રશ્મિકા અને વિજયનાં તાજેતરનાં આઉટફિટ્સમાં જોવા મળતો બ્લેન્ડેડ કલર ટ્રેન્ડ સાબિત કરે છે કે પરંપરાગત પોશાકમાં જો થોડો બોહો ટચ ઉમેરવામાં આવે તો લુક વધુ પાવરફુલ અને રિલૅક્સ્ડ લાગે છે. આપણે ત્યાં મેંદીના ફંક્શનમાં વર્ષોથી કાં તો આખો ડ્રેસ લીલો હોય અથવા પીળો, પણ જ્યારે બે વિરોધી રંગનો સંગમ થાય છે ત્યારે એક નવો જ ત્રીજો શેડ બનાવે છે જે લુકને મોનોટોનસ બનતાં અટકાવે છે. સિમિલર અને વિરોધાભાસી રંગોનું મિશ્રણ કરીને બારીક ડિઝાઇનવાળાં ફેબ્રિક આજકાલ ટ્રેન્ડમાં છે.
વિજય અને રશ્મિકાના આ લુકમાં હાથે કરેલું ભરતકામ ટ્રેડિશનલ ટચ આપે છે છતાં એ મૉડર્ન લાગે છે, કારણ કે એની ડિઝાઇન કમ્ફર્ટેબલ છે અને એમાં વપરાયેલા ટેસલ્સ એને પ્લેફુલ બનાવે છે. આ એવી સ્ટાઇલ છે જે તમને રૉયલ પણ બતાવે અને સાથે તમે રિલૅક્સ્ડ પણ અનુભવો. આ આઉટફિટ્સની ખાસિયત એ છે કે એમાં ભારે દાગીનાનો બોજ લેવાની જરૂર નથી પડતી, માત્ર એક સ્ટેટમેન્ટ જ્વેલરી પણ આખા દેખાવને નિખારી દે છે.
સ્કિન ટોન
તમારા આઉટફિટનો કલર તમારા ચહેરાની ચમક વધારી શકે છે અને એને ઝાંખો પણ પાડી શકે છે. જો તમારો સ્કિનટોન ફેર હોય તો લૅવન્ડર, મિન્ટ ગ્રીન અથવા રોઝ ગોલ્ડ જેવા પેસ્ટલ બ્લેન્ડ્સ તમારા ચહેરાને એક અલગ જ ગ્લો આપશે. જો તમારો સ્કિન ટોન ઘઉંવર્ણો છે તો અર્થ ટોન્સ એટલે કે મસ્ટર્ડ ભયલો, ટેરાકોટા ઑરેન્જ અથવા ઑલિવ ગ્રીનનું બ્લેન્ડિંગ તમારા લુકને એલિવેટ કરશે. ડાર્ક સ્કિન ટોન માટે વાઇબ્રન્ટ કલર્સ જેમ કે રૉયલ બ્લુ સાથે પર્પલ અથવા મેજેન્ટા સાથે ટીલ બ્લુનું કૉમ્બિનેશન ગૉર્જિયસ લાગે છે.
બૉડી-ટાઇપ મુજબ પસંદગી કરો
બૉડી-ટાઇપ મુજબ જો તમે સાચી પસંદગી કરો તો આ મલ્ટીકલર આઉટફિટ્સ તમારા ફિગરને વધુ આકર્ષક બનાવી શકે છે. જો તમારું લોઅર બૉડી હેવી છે તો નીચે પ્લેન અથવા સૉફ્ટ બ્લેન્ડ કલરનો ઘેરદાર લેંહગો પહેરો અને ઉપરના ભાગમાં હેવી મલ્ટીકલર એમ્બ્રૉઇડરી અને બોહો એલિમેન્ટ્સ રાખો. જેમનું મિડ-સેક્શન હેવી હોય તેમણે હાઈ-વેસ્ટ લેહંગા અથવા લૉન્ગ જૅકેટ સ્ટાઇલ આઉટફિટ પસંદ કરવાં જોઈએ. અહીં વર્ટિકલ કલર બ્લેન્ડિંગ તમને સ્લિમ લુક આપશે. જો તમારી હાઇટ ઓછી છે તો બહુ મોટી અને બોલ્ડ મલ્ટીકલર પ્રિન્ટ્સ ટાળવી. એને બદલે મોનોક્રૉમેટિક બ્લેન્ડ કલર્સ પસંદ કરવાથી તમે હાઇટમાં લાંબા દેખાશો. રશ્મિકા અને વિજય જેવો કન્ટેમ્પરરી લુક મેળવવા માટે માત્ર ટ્રેન્ડને ફૉલો કરવો પૂરતો નથી, પણ તમારા પર્સનલ સ્ટાઇલ અને કમ્ફર્ટને સમજીને કલર્સનું સિલેક્શન કરવું જોઈએ.