18 August, 2026 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝિપની જેમ ફ્લેક્સિબલ રાખી શકાય એવા નેકલેસ રૉયલ ફૅશનમાં ઇન-થિંગ
ફૅશનની દુનિયામાં જ્વેલરી હવે માત્ર શણગારનું સાધન રહી નથી. એ વ્યક્તિગત સ્ટાઇલ અને વ્યક્તિત્વનું પ્રતીક બની ગઈ છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક રીલમાં અનોખી ડિઝાઇન ધરાવતો નેકલેસ જોવા મળ્યો. એ પ્રથમ નજરે ટ્રેન્ડી કૅઝ્યુઅલ ચેઇન જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં એ અત્યંત કીમતી અને બારીક કારીગરીથી તૈયાર કરાયેલો પર્લ નેકલેસ છે. આ આર્ટિસ્ટિક ઍક્સેસરી એની વિશિષ્ટ ડિઝાઇન અને આધુનિક પ્રેઝન્ટેશનને કારણે ફૅશનવર્લ્ડમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલી રીલમાં જોવા મળતો નેકલેસ બહારથી ચેઇન અથવા ઝિપ જેવો દેખાય છે, પરંતુ એ નાના-મોટા કદના ઑસ્ટ્રેલિયન સાઉથ સી અને ફ્રેશવૉટર મોતીઓથી તૈયાર કરવામાં આવ્યો છે.
હારના છેડે મોતીનું ટસલ આપવામાં આવ્યું છે જે એને ઝિપર અથવા મેટાલિક ચેઇન જેવો દેખાવ આપતાં રૉયલ સ્પર્શ પણ ઉમેરે છે.
આ ઉપરાંત અલ્ટ્રા ઝિપ ડાયમન્ડ નેકલેસ જેવી ડિઝાઇનમાં હીરાની નાજુક ચેઇન સાથે વિશાળ ઑસ્ટ્રેલિયન સાઉથ સી પર્લને પેન્ડન્ટ તરીકે લટકાવવામાં આવે છે. આ પ્રકારની જ્વેલરી સમકાલીન જ્વેલરી ડિઝાઇનિંગનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. સામાન્ય રીતે મોતીના હાર ગોળાકાર અને પરંપરાગત ડિઝાઇનમાં જોવા મળે છે, પરંતુ આ ડિઝાઇનમાં મોતીઓને એવી રીતે ગોઠવવામાં આવે છે કે સમગ્ર નેકલેસ આધુનિક ઝિપ અથવા મેટાલિક ચેઇન જેવો જ્યોમેટ્રિક દેખાવ આપે છે.
આધુનિક અને સ્ટેટમેન્ટ ઝિપ-સ્ટાઇલ પર્લ નેકલેસને પર્ફેક્ટ રીતે કૅરી કરવા માટે આ ફૅશન-ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ઝિપ-સ્ટાઇલ નેકલેસમાં નીચે લટકતું મોતીનું ટસલ હોવાથી એ વી-નેક ડ્રેસ, ડીપ-નેક બ્લાઉઝ, ગાઉન અથવા ઑફ-શોલ્ડર ડ્રેસ સાથે ખૂબ આકર્ષક લાગે છે.
મોતીની કુદરતી રેશમી ચમક અને હીરાનો લુક વધુ નિખરે એ માટે બ્લૅક, રૉયલ બ્લુ, એમરલ્ડ ગ્રીન અથવા વાઇન જેવા પ્લેન રંગો પસંદ કરો. ભારે પ્રિન્ટવાળાં અથવા બહુ રંગીન કપડાં સાથે આ નેકલેસનો પ્રભાવ થોડો ઓછો દેખાય છે.
પરંપરાગત મોતી અને આધુનિક ઝિપર ડિઝાઇનનું મિશ્રણ હોવાથી આ નેકલેસ ઇન્ડો-વેસ્ટર્ન કો-ઓર્ડ સેટ, ઇન્ડો-વેસ્ટર્ન સાડી અથવા ફૉર્મલ બ્લેઝર-સૂટ સાથે ખૂબ જ શાનદાર લાગે છે.
આ નેકલેસ પોતે જ એક સ્ટેટમેન્ટ પીસ છે એટલે કાનમાં મોટી બુટ્ટીઓ પહેરવાને બદલે નાની પર્લ અથવા ડાયમન્ડ સ્ટડ્સ પહેરવી વધુ યોગ્ય રહેશે, જેથી સમગ્ર ધ્યાન નેકલેસ પર જ કેન્દ્રિત રહે.
હીરા સાથેના આવા નેકલેસ દિવસ દરમ્યાન પણ લક્ઝરી લુક આપે છે, જ્યારે ટસલવાળા ઝિપ-સ્ટાઇલ નેકલેસ ગ્રૅન્ડ એન્ટ્રી, ઈવનિંગ ઇવેન્ટ્સ અને નાઇટ પાર્ટીઓ માટે પર્ફેક્ટ પસંદગી સાબિત થાય છે.