18 November, 2025 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેસ્ટકોટ ચોલી
લગ્નની સીઝન શરૂ થાય એટલે બધાને નવા અને અલગ દેખાવાની ઇચ્છા રહે છે. દર વર્ષે કોઈ ને કોઈ જૂનો ફૅશનટ્રેન્ડ ફરીથી જીવંત બને છે. આ વર્ષે વેસ્ટકોટ ચોલીના ટ્રેન્ડને રિવાઇવ કરવામાં આવી રહ્યો છે. બૉલીવુડની અભિનેત્રીઓ અનન્યા પાંડે, માધુરી દીક્ષિત અને શિલ્પા શેટ્ટીએ આ સ્ટાઇલ પહેરીને એને વધુ લોકપ્રિય બનાવી દીધી છે. વેસ્ટકોટ ચોલીની ફૅશન ૨૦૦૦ની શરૂઆતના સમયમાં પ્રખ્યાત હતી અને હવે જૂના અંદાજને આધુનિક સ્પર્શ આપીને ફરીથી પ્રી-વેડિંગ ફંક્શન્સ માટે બ્રાઇડ્સને નવા ગોલ્સ આપે છે.
પરંપરાગત ટૂંકા બ્લાઉઝની તુલનામાં વેસ્ટકોટ ચોલી વધુ કવરેજ આપે છે અને કમરને બહુ સરસ રીતે ડિફાઇન કરે છે. આજકાલ એમાં કઢાઈ, મિરરવર્ક અને બ્રૉકેડ જેવાં આકર્ષક કામ ઉમેરાતાં એ મેંદી જેવા રંગીન સમારંભ માટે એકદમ યોગ્ય પસંદ બની ગયું છે.
અનન્યા પાંડેએ તાજેતરમાં લીલા કલરની વેસ્ટકોટ ચોલી પહેરી હતી. હલ્ટર સ્ટ્રેપ્સ સાથે ગોટાપત્તીનું વર્ક તેના લુકને આકર્ષક બનાવતું હતું. એની સાથે પહેરેલું ફ્લેર્ડ સ્કર્ટ અને મિનિમલ જ્વેલરી લુકને વધુ નિખારતાં હતાં.
માધુરી દીક્ષિતે પણ વેસ્ટકોટ બ્લાઉઝ ઑલિવ ગ્રીન લેહંગા સાથે પહેર્યું હતું. એની સાથે જાંબલી દુપટ્ટાની કૉન્ટ્રાસ્ટ ઇફેક્ટ તેના લુકને કૉમ્પ્લિમેન્ટ આપતી હતી. આવો જ ડ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ પહેર્યો હતો, પણ તેણે દુપટ્ટાને સાડીની જેમ ડ્રેપ કરીને લુકને પૂર્ણપણે અલગ ઓળખ આપી હતી.
પહેરવામાં હળવીફૂલ અને પ્રી-વેડિંગ ફંક્શન્સમાં આવી ચોલી વાઇબ્રન્ટ લુક આપે છે. મેંદી અને હલ્દી જેવાં ફંક્શન્સમાં બ્રાઇડ્સ એ પહેરી શકે છે. ફ્યુઝન ફૅશન ગમતી હોય એ કૉકટેલ બ્રાઇડ્સમેડ માટે પણ આ ઑપ્શન સારો કહેવાય. તમારે કોઈ દૂરના સંબંધીનાં લગ્નમાં જવું હોય તો પણ આવી ચોલી તમારા લુકને બધા કરતાં યુનિક કરશે અને એલિવેટ પણ બનાવશે. રૉયલ લુક મેળવવા સિલ્ક અને બ્રૉકેડના વિકલ્પો સારા કહેવાય. વેસ્ટકોટને લેહંગા સાથે પહેરવાથી સારું જ લાગશે, પણ એને શરારા અને સાડી સાથે પણ સ્ટાઇલ કરીને અલગ-અલગ લુક મેળવી શકાય છે. યોગ્ય ઍક્સેસરીઝ અને સરળ હેરસ્ટાઇલ સાથે આ ચોલી કોઈ પણ યુવતીને સુંદર અને આત્મવિશ્વાસભર્યો લુક આપી શકે છે. વેસ્ટકોટની બ્યુટી જ એટલી સુંદર છે કે એની સાથે મિનિમલિસ્ટ જ્વેલરી વધારે કૉમ્પ્લિમેન્ટ કરશે અને મેકઅપ પણ બહુ લાઉડ કરવાને બદલે સૉફ્ટ ગ્લેમ અથવા નો મેકઅપ લુક વધુ સૂટ થશે.