03 December, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ શાકવાળાને ત્યાં શિંગોડાં મળવાનું શરૂ થઈ ગયું છે. હેલ્થની દૃષ્ટિએ શિંગોડાં પોષક તત્ત્વોનો ખજાનો છે અને શિંગોડાં ખાનારા લોકોને વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળે છે, પરંતુ શિંગોડાં ચહેરા પર લગાડવાથી પણ ફાયદો થઈ શકે અને એના જ આધારે શિંગોડાંનો માસ્ક અત્યારે પૉપ્યુલર થયો છે. દાવો એવો છે કે શિંગોડાંનો માસ્ક ત્વચાને તંદુરસ્ત અને ચમકદાર બનાવે છે અને અત્યારે ચાલી રહેલી ઠંડીની શુષ્ક સીઝનમાં રુક્ષ થતી ત્વચા માટે એ રામબાણ ઇલાજ બની શકે છે. ખરેખર આની પાછળ કેટલું લૉજિક છે અને ધારો કે માસ્ક માટે શિંગોડાંનો ઉપયોગ કરવાનો હોય તો કઈ રીતે એની પેસ્ટ બનાવી શકાય એ જાણી લો.
બ્યુટી-નિષ્ણાતો કહે છે કે શિંગોડાં પાણીમાં થાય અને એમાં પણ પાણીનું પ્રમાણ સારું હોવાથી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. શિંગોડાંમાં રહેલાં વિટામિન્સ, ખનિજ તત્ત્વો અને અમીનો ઍસિડ્સ સ્કિનના ટેક્સ્ચરમાં મહત્ત્વનું પરિબળ ગણાતા કોલૅજનને વધારવામાં મદદ કરે છે અને ત્વચા લચીલી થાય છે. શિંગોડાંને ઍપ્લિકેશનની સાથે, એના સેવન સાથે આ લાભ વધુ પ્રમાણમાં મેળવી શકાય છે. સ્કિનની ડ્રાયનેસ દૂર કરીને સ્કિન-ટોનમાં સુધારો કરે છે.
કેવી રીતે બનાવશો શિંગોડાંનો ફેસમાસ્ક?
બેસનમાં શિંગોડાંની પેસ્ટ, મધ ઉમેરીને ઘાટી પેસ્ટ બનાવીને એને ચહેરા પર લગાવો. સુકાય એટલે ગોળાકાર મૂવમેન્ટ સાથે પાણીની મદદથી હળવાશ સાથે કાઢી નાખો. ત્વચાને ચમકદાર બનાવવાની સાથે ત્વચા પર રહેલા મૃત કોષોને દૂર કરવાનું કામ કરશે અને ચહેરા પર રક્ત પરિભ્રમણ વધવાથી ફ્રેશનેસ પણ વધારશે. આ જ રીતે બેસનને બદલે કૉફી પાઉડર અને દૂધ પણ ઉમેરી શકાય જે ડીટૅન કરવામાં મદદ કરશે. મસૂરની દાળ સાથે ગુલાબજળ અને શિંગોડાને પીસીને બનતી પેસ્ટ ચહેરાની સૉફ્ટનેસ વધારશે.
આટલું ધ્યાન રહે
કોઈ પણ ફેસમાસ્ક લગાવતાં પહેલાં કાચા પાણીથી અથવા કાચા દૂધથી રૂ લઈને ત્વચાને ક્લીન કરવી જરૂરી છે. ત્વચા સાફ કર્યા પછી પૅકને વીસથી પચીસ મિનિટ સુકાવા દેવો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં એકથી બે વાર આ પ્રયોગ સારું રિઝલ્ટ આપશે. જોકે કોઈ પણ નવો ફેસપૅક લગાડતાં પહેલાં થોડી માત્રામાં સ્કિનના એક પૅચ પર એની ટ્રાયલ કરીને તમને એની ઍલર્જી નથીને એ ખાસ ચકાસવું.