08 December, 2025 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેડિંગ લેહંગાને સ્ટાઇલ કરવાની કૂલ રીત
દરેક બ્રાઇડ માટે પર્ફેક્ટ વેડિંગ લેહંગો સિલેક્ટ કરવો એક મોટો ટાસ્ક હોય છે. જોકે વેડિંગ પત્યા બાદ હવે આ લેહંગાનું શું, હું એને ફરી કેવી રીતે પહેરું એ સવાલ ઘુમરાયા કરતો હોય છે. બીજી કોઈ ઇવેન્ટમાં પણ લેહંગો પહેરીને જવાનું વિચારીએ તો એમ લાગે કે ઓવર થઈ જશે. એના ચક્કરમાં મોંઘા ભાવનો ખરીદેલો વેડિંગ લેહંગો વપરાયા વગરનો જ કબાટમાં પડ્યો રહે છે. લગભગ દરેક મહિલાની આ સમસ્યા છે. એવામાં આ વેડિંગ લેહંગાને કઈ રીતે નવી રીતે સ્ટાઇલ કરીને યુઝમાં લઈ શકાય એનો આઇડિયા વિખ્યાત ડિઝાઇનર સબ્યસાચીએ તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર આપ્યો છે. વેડિંગ લેહંગાને સ્ટાઇલ કરવાની આ સૌથી કૂલ રીત છે.
લેધર જૅકેટ સાથે
તમે જોઈ શકો છો કે કઈ રીતે પારંપરિક ભારતીય પોશાકને વેસ્ટર્ન સ્ટ્રીટ-સ્ટાઇલ એલિમેન્ટ સાથે મિક્સ કરીને એક હટકે લુક ક્રીએટ કરવામાં આવ્યો છે. મૉડલે હેવી એમ્બ્રૉઇડરીવાળા ઘેરદાર લેહંગા પર કૉલરવાળું શર્ટ પહેર્યું છે જે લેહંગાના કલર સાથે મેળ ખાય છે. એના પર તેણે લેધર જૅકેટ પહેર્યું છે, જે આ લુકનો સૌથી ખાસ એલિમેન્ટ છે જે કૅઝ્યુઅલ ફીલ આપે છે. ઍક્સેસરીઝમાં તેણે એક ઓવરસાઇઝ્ડ, એમ્બેલિશ્ડ ગોલ્ડ બેલ્ટ પહેર્યો છે. ગળામાં બ્રાઇડલ નેકલેસ પહેર્યો છે. આંગળીઓમાં સ્ટેટમેન્ટ રિંગ્સ છે સાથે હાથમાં એક નાની હૅન્ડબૅગ લીધી છે.
શર્ટ સાથે
આ લુક પણ ઇન્ડિયન અને વેસ્ટર્ન સ્ટાઇલનું સુંદર મિશ્રણ છે. ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળા આ રૉયલ લેહંગા પર મૉડલે સફેદ કૉલરવાળું શર્ટ પહેર્યું છે જે એક મૉડર્ન અને સૉફિસ્ટિકેટેડ ટચ આપે છે. શર્ટની ઉપર તેણે ગોલ્ડન શેડનું જ ક્રૉપ જૅકેટ પહેર્યું છે. ઍક્સેસરીઝમાં કમર પર મોટા ગોલ્ડના બકલવાળો બેલ્ટ પહેર્યો છે. ગળામાં હેવી નેકલેસ, હાથમાં સ્ટેટમેન્ટ કડાંઓ અને એક નાનું એવું ક્લચ પકડીને લુકને કમ્પ્લીટ કર્યો છે.
બ્લેઝર સાથે
આ લુક ટ્રેડિશનલ ઇન્ડિયન ક્રાફ્ટ્સમૅનશિપને એક ક્લાસિક વેસ્ટર્ન બિઝનેસ વેઅર એલિમેન્ટ સાથે જોડે છે. આમાં મૉડલે મલ્ટિ કલરના હેવી એમ્બ્રૉઇડરીવાળા લેહંગા પર ક્લોઝ નેકલાઇનવાળું ટૉપ પહેર્યું છે. આ લુકનો મેઇન વેસ્ટર્ન એલિમેન્ટ એક ડાર્ક નેવી બ્લુ બ્લેઝર છે, જે લેહંગાને એક અનએક્સપેક્ટેડ અને સૉફિસ્ટિકેટેડ પ્રોફેશનલ ટચ આપે છે. ઍક્સેસરીઝમાં તેણે ગળામાં ચોકર પહેર્યું છે. આંગળીઓમાં સ્ટેટમેન્ટ રિંગ્સ પહેરી છે. હાથમાં એક ટ્રેડિશનલ પોટલી બૅગ લીધી છે, જે એમ્બ્રૉઇડરીવાળી છે.