વેડિંગ સીઝનનો નવો ટ્રેન્ડસેટર

05 January, 2026 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનઈવન કટવાળા કુરતા અત્યારે બહુ ટ્રેન્ડમાં છે ત્યારે હૃતિક રોશને તેને વેડિંગ ગેસ્ટ લુક તરીકે કેવી રીતે સ્ટાઇલ કરવો એના ગોલ્સ યુવકોને આપ્યા છે. આવા ફ્યુઝન કુરતા જો તમને પણ સ્ટાઇલ કરવા હોય તો એની ગાઇડલાઇન આ રહી

હૃતિક રોશનનો રૉયલ બારાતી લુક બન્યો છે ચર્ચાનો વિષય

જ્યારે વાત સ્ટાઇલ અને ગ્રેસની હોય ત્યારે બૉલીવુડના ગ્રીક ગૉડ હૃતિક રોશનનું નામ સૌથી પહેલાં આવે છે. તેણે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે ફૅશનના મામલે તેનો કોઈ જોટો નથી. તેના પિતરાઈ ભાઈ ઈશાન રોશનનાં લગ્નમાં હૃતિકે જે લુક અપનાવ્યો હતો એ પરંપરાગત શેરવાની કે કુરતા-પાયજામાથી સાવ અલગ છે. હૃતિકનો આ બારાતી લુક રેટ્રો અને વેસ્ટર્ન ફૅશનનું ફ્યુઝન છે. આવું ફ્યુઝન આમ તો વેડિંગ સીઝનમાં જોવા મળે છે, પણ હૃતિકે જે રીતે આ આઉટફિટને એફર્ટલેસલી અને કમ્ફર્ટેબલી કૅરી કર્યો છે એને લીધે જ આ લુક વધુ લાઇમલાઇટમાં આવ્યો છે અને આગામી વેડિંગ સીઝન માટે યુવકો માટે એક નવો સ્ટાઇલ-ગોલ પણ સેટ થયો છે.

લેટ્સ ડીકોડ

હૃતિક રોશનનો ગ્રે કલરનો એસિમેટ્રિક કુરતો તેના લુકને અત્યંત યુનિક, સૉફિસ્ટિકેટેડ અને રૉયલ ટચ આપી રહ્યો હતો. હૃતિકે સામાન્ય પાયજામા કે ચૂડીદારને બદલ સફેદ કલરનું લૂઝ-ફિટ પ્લીટેડ પૅન્ટ સ્ટાઇલ કર્યું હતું. આ પૅન્ટમાં આગળના ભાગમાં પ્લીટ્સ હોવાથી જોવામાં એ એક ફૉર્મલ ટ્રાઉઝર અને ધોતી પૅન્ટ વચ્ચેનો હાઇ​િબ્રડ લુક આપે છે, જે સૌથી યુનિક છે અને તેના લુકને પણ એલિવેટ કરે છે. તેણે આ લુક સાથે બ્રાઉન લેધરનાં લોફર્સ મૅચ કર્યાં હતાં, જે ફ્યુઝન લુક સાથે બરાબર બેસે છે. વાઇડ-લેગ પૅન્ટ દરેક પર સારાં નથી લાગતાં, પરંતુ હૃતિકે તેના ફિટ ફિઝિક સાથે એને ખૂબ જ આરામદાયક રીતે કૅરી કર્યું હતું. જોકે પછી તેણે એમ્બ્રૉઇડરીવાળું જૅકેટ અને ગોલ્ડન કલરનો સાફો સ્ટાઇલ કર્યો છે જે એકદમ વેડિંગ વાઇબ આપે છે.

યુવકો માટે સ્ટાઇલિંગ ટિપ્સ

સાદા કુરતા બહુ જ કૉમન થઈ ગયા છે. જો તમને થોડો યુનિક અને ફૅશન-ફૉર્વર્ડ લુક જોઈતો હોય તો એસિમેટ્રિક અથવા હાઇ-લો હેમલાઇનવાળા કુરતા પસંદ કરો. આ નાનો ફેરફાર તમને યુનિક બનાવશે એ પાક્કું.

પાયજામા હવે જૂની ફૅશન થઈ ગઈ છે. હૃતિકની જેમ વાઇડ-લેગ પૅન્ટ, પ્લીટેડ ટ્રાઉઝર્સ અથવા પટિયાલા સ્ટાઇલ પૅન્ટ પહેરો. એ માત્ર સ્ટાઇલિશ નથી, સુપર કમ્ફર્ટેબલ પણ છે.

જો તમે બહુ ભપકાદાર રંગો પસંદ નથી કરતા તો ગ્રે, ઓફ-વાઇટ, બેજ કે પેસ્ટલ બ્લુ જેવા રંગો પસંદ કરો. આ રંગો ક્લાસી અને લક્ઝરી લુક આપે છે.

ફ્યુઝન વેઅરમાં ફિટિંગ બહુ મહત્ત્વનું છે. કુરતો શોલ્ડરથી પર્ફેક્ટ હોવો જોઈએ અને પૅન્ટ ભલે લૂઝ હોય, એની લંબાઈ તમારા ઍન્કલ (ઘૂંટી) સુધી યોગ્ય હોવી જોઈએ જેથી એ જમીન પર ઘસાય નહીં.

આ લુક સાથે મેટલની ઘડિયાળ અથવા એકાદી સાદી ચેઈન પહેરી શકાય. જો વધુ ટ્રેડિશનલ લુક જોઈતો હોય તો એની સાથે મોજડી પેર કરી શકાય, પણ જો મૉડર્ન રહેવું હોય તો સેમી-ફૉર્મલ લોફર્સ બેસ્ટ રહેશે.

તમે મિનિમલ એમ્બ્રૉઇડરી વર્કવાળું કૉન્ટ્રાસ્ટ કલરનું જૅકેટ સ્ટાઇલ કરશો તો પણ લુક ટ્રેડિશનલ લાગશે.

fashion fashion news life and style lifestyle news columnists