11 November, 2025 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુપટ્ટા પર જરી અને ઝરદોશી વર્ક અને સાથે મોટાં મોટિફ્સ શાહી અને રૉયલ લુક આપી રહ્યાં છે. આજકાલની દુલ્હનો દુપટ્ટાની બૉર્ડર પર જુઓ આમ યુનિક રીતે કસ્ટમાઇઝ્ડ મંત્ર લખાવડાવે છે.
લગ્નની તૈયારીમાં દુલ્હનનાં આઉટફિટ્સની ખરીદી સૌથી સ્પેશ્યલ હોય છે. એમાં પણ આજકાલની મૉડર્ન દુલ્હન લેહંગો પહેરે કે સાડી પહેરે, દુપટ્ટો તો કૅરી કરે જ છે. બ્રાઇડલ દુપટ્ટો દુલ્હનના લુકને કમ્પ્લીટ બનાવે છે. એક સમય હતો જ્યારે દુપટ્ટો માત્ર માથું ઢાંકવા અને શરમ-સંકોચની અભિવ્યક્તિ પૂરતો મર્યાદિત હતો. જોકે આજની મૉડર્ન દુલ્હનો માટે એ વેરેબલ આર્ટવર્ક બની ગયું છે જે દુલ્હનના લુકને એક્સ્ટ્રા-સ્પેશ્યલ બનાવે છે. હવે બ્રાઇડલ દુપટ્ટા ફૅશન-સ્ટેટમેન્ટ અને વ્યક્તિગત અભિવ્યક્તિનું માધ્યમ બની ગયા છે. દુલ્હનના પોશાકને પૂરિપૂર્ણ બનાવતા દુપટ્ટામાં કેવા નવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે એના પર નજર ફેરવી લો જેથી તમે પણ આ ટ્રેન્ડથી અપડેટ રહો.
શું કહે છે ટ્રેન્ડ?
આરી અને ઝરદોશી ભરતકામને મળી રહેલા પ્રોત્સાહનથી પ્રાચીન હસ્તકલા જીવંત થઈ રહી છે. આ પ્રકારનું વર્ક હવે બ્રાઇડલ દુપટ્ટાઓમાં પણ જોવા મળી રહ્યું છે જે દુપટ્ટાને ફક્ત ફૅશનપીસ જ નહીં પણ સાંસ્કૃતિક વારસાની પણ ફીલિંગ અપાવે છે. આ ઉપરાંત આજકાલ એમરલ્ડ સ્ટોન્સને દુપટ્ટામાં ટાંકીને બ્રાઇડને વિન્ટેજ રૉયલ્ટીનો અહેસાસ અપાવે છે. હીરા-ઝવેરાત ટાંકીને તૈયાર કરવામાં આવતા દુપટ્ટાને બીજ્વેલ્ડ દુપટ્ટા કહેવાય છે. પહેલાંના જમાનામાં રાજા-મહારાજાની રાણીઓ જે પ્રકારે ઘૂંઘટ રાખતી હતી એ રીતે જો આવા દુપટ્ટાને સ્ટાઇલ કરવામાં આવે તો રાજા-રજવાડા જેવી ફીલિંગ ચોક્કસ આવશે. પહેલાંની જેમ હવે દુપટ્ટા સાદી બૉર્ડરવાળા રહ્યા નથી. હવે એ લગ્ન-સમારોહમાં દુલ્હનની ગ્રૅન્ડ એન્ટ્રીને વધુ ભવ્ય, ડ્રામૅટિક અને ફિલ્મી બનાવે છે. ટ્રેન્ડમાં ટ્રેડિશનલ ભરતકામ ઉપરાંત નાજુક બટરફ્લાય અને થ્રી-ડી ફ્લોરલ એપ્લિક જેવાં કસ્ટમાઇઝ્ડ મોટિફ્સ દુપટ્ટાને પર્સનલ ટચ આપે છે. કેટલીક દુલ્હનો તેના ડી-ડેને વધુ ખાસ અને સ્ટાઇલિશ બનાવવા વેદિક શ્લોક, કપલ-નેમ અથવા તેમની યાદગાર પળોના સિમ્બૉલને દુપટ્ટામાં રખાવે છે જે ક્રીએટિવની સાથે યુનિક પણ લાગે છે.
સ્ટાઇલ કેમ કરશો?
લેહંગો પહેરવાની પસંદગી કરતી દુલ્હનો ડબલ દુપટ્ટા લુક અપનાવી રહી છે. એક હેવી વર્કવાળો દુપટ્ટો ખભા પર અને નેટ અથવા ઑર્ગન્ઝા ફૅબ્રિકનો દુપટ્ટો માથા પર સ્ટાઇલ કરે છે. ગ્રેસફુલ લુક મેળવવા માટે માથા પરનો દુપટ્ટો સરખી રીતે સેટ થાય એ માટે બન હેરસ્ટાઇલ કરો. જો તમને બનમાં ફ્લાવર્સ ન જોઈતાં હોય તો મેસી ચોટી લુક પણ અપનાવી શકાય અને ચોટલામાં પર્લ અને કુંદનનો પૅચ અથવા ચોટલો નાખશો તો રૉયલ લુક આપશે. ઘણી દુલ્હનો આવા દુપટ્ટાની કિનારીઓ પર કપલના નામની સાથે મમ્મીના ઘરના સભ્યોનાં નામ લખાવતી હોય છે જે થોડું એક્સ્ટ્રા સ્પેશ્યલ થઈ જાય છે. કેટલીક દુલ્હનો લગ્નની તારીખ અને સ્થળનું ભરતકામ કરાવતી હોય છે. ડ્રેપિંગ સ્ટાઇલની વાત કરીએ તો દુપટ્ટાને હવે ખભા પર મૂકવાને બદલે કમરથી પાછળ સુધી લંબાવો. એ સિનેમૅટિક ઇફેક્ટ આપે છે. જો દુપટ્ટો લાંબો હોય તો ફ્લોર પર ફેલાવીને ફોટોશૂટ કરો, રૉયલ ક્વીન જેવી ફીલ આવશે. કલર્સની પસંદગીમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ટિપિકલ રેડ કલરના દુપટ્ટાને બદલે હવે લેહંગા અને સાડીના કલરને કૉન્ટ્રાસ્ટ કરતા બ્રાઇડલ કલર્સ જેમ કે રાણી પિન્ક, પેસ્ટલ પિન્ક, મિન્ટ ગ્રીન, સૉફ્ટ રેડ, ઑરેન્જ જેવા કલર્સ અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે. જો તમને રંગોમાં કન્ફ્યુઝન થાય તો દુપટ્ટાનો રંગ જ્વેલરીમાં રહેલા સ્ટોન સાથે મૅચ થાય એવો લેશો તો આખો લુક ક્લાસી લાગશે.