01 April, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયાની દુનિયામાં દર અઠવાડિયે કોઈ ને કોઈ નવો ટ્રેન્ડ આવતો રહેતો હોય છે. અત્યાર સુધી કોરિયન બ્યુટીથી પ્રભાવિત થઈને ગ્લાસ સ્કિન મેળવવાની ઘેલછા લોકોને હતી, પણ હવે બ્લૂમ સ્કિન ટ્રેન્ડ બહુ વાઇરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ માત્ર દેખાવ પૂરતો મર્યાદિત નથી પણ એ ત્વચાની ઇન્ટર્નલ હેલ્થ સાથે કનેક્ટેડ છે. બ્લૂમ સ્કિન એટલે એવી ત્વચા જે અંદરથી ખીલેલી લાગે. જેમ વસંતમાં ફૂલો ખીલે અને એમાં જે તાજગી હોય એવી જ તાજગી જ્યારે તમારા ચહેરા પર દેખાય ત્યારે એને બ્લૂમ સ્કિન કહેવામાં આવે છે. આ ટ્રેન્ડ મુજબ સ્કિન માત્ર ઉપરથી ઑઇલી કે ચમકતી હોવી જરૂરી નથી. એનો રોઝી ગ્લો પણ સ્કિનને વધુ નિખારે છે. આ દેખાવ મેળવવા માટે માત્ર મોંઘાં કૉસ્મેટિક્સ જ નહીં; યોગ્ય આહાર, હાઇડ્રેશન અને ચહેરાના મસલ્સની કસરત પર ભાર મૂકવામાં આવે છે.
યંગસ્ટર્સ હવે ફેક અથવા વધુપડતા મેકઅપવાળા લુકથી કંટાળ્યા છે. તેમને એવી સ્કિન જોઈએ છે જે ફિલ્ટર વગર પણ તાજી અને સ્વસ્થ દેખાય.
લોકો હવે એ સમજી રહ્યા છે કે બહારથી લગાવવામાં આવતી ક્રીમ કરતાં ત્વચાની અંદરની સ્થિતિ વધુ મહત્ત્વની છે. બ્લૂમ સ્કિનમાં રક્તપરિભ્રમણ વધારવા માટે ફેસ-મસાજ અને ગુઆ શા જેવાં ટૂલ્સનો ઉપયોગ વધ્યો છે.
આ ટ્રેન્ડ માત્ર બ્યુટી-પ્રોડક્ટ્સ વિશે નથી પણ એ સારી ઊંઘ, માનસિક શાંતિ અને પૌષ્ટિક ખોરાક સાથે જોડાયેલો છે. જ્યારે તમે અંદરથી ખુશ અને સ્વસ્થ હો ત્યારે જ તમારી ત્વચા બ્લૂમ કરે છે.
દિવસ દરમ્યાન ઓછામાં ઓછું ત્રણથી ૪ લીટર પાણી પીઓ. અંદરથી હાઇડ્રેટેડ ત્વચા જ કુદરતી રીતે બ્લૂમ કરી શકે. રોજ રાત્રે સૂતા પહેલાં પાંચ મિનિટ ફેસ-ઑઇલ કે સીરમ લગાવીને હળવા હાથે મસાજ કરો. એનાથી બ્લડ-સર્ક્યુલેશન વધશે અને ચહેરા પર કુદરતી રોઝી ગ્લો આવશે. વિટામિન Cયુક્ત ખોરાક લો. ખાસ કરીને ખાટાં ફળો, પાલક અને બેરીઝ ત્વચાના સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે. વધુ પડતાં કેમિકલ્સવાળી મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો. ત્વચાને પણ શ્વાસ લેવા માટે સમય આપો. અઠવાડિયામાં એક દિવસ નો-મેકઅપ ડે રાખો. જેને બ્યુટી-સ્લીપ કહેવાય છે એ હકીકત છે. રોજ સાતથી ૮ કલાકની ઊંઘ લેવાથી ત્વચાના કોષો પુનર્જીવિત થાય છે, જેનાથી સવારે ચહેરો ખીલેલો દેખાય છે.