મેકઅપમાં આવ્યો આર્ટિસ્ટિક ટ્‌વિસ્ટ : શું છે આ વૉટરકલર આઇ અને કેવી રીતે કરશો ટ્રાય?

28 May, 2026 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંખોને કૅન્વસ બનાવીને વૉટરકલર્સની જેમ બ્લેન્ડ કરવાનો આ એફર્ટલેસ અને આર્ટિસ્ટિક લુક ટ્રાય કરવા જેવો છે કે નહીં એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

બ્યુટી અને ફૅશનવર્લ્ડમાં પર્ફેક્શન કરતાં સેલ્ફ-એક્સપ્રેશનનું મહત્ત્વ વધી ગયું છે. લાંબા સમય સુધી સોશ્યલ મીડિયા પર યુવા પેઢી કંઈક નવું અને આર્ટિસ્ટિક એક્સપ્લોર કરી રહી છે. હાલમાં મેકઅપપ્રેમીઓમાં જે ટ્રેન્ડ સૌથી વધુ વાઇરલ થઈ રહ્યો છે એ છે વૉટરકલર આઇ મેકઅપ. તાજેતરમાં જ યોજાયેલી મેટ ગાલા જેવી ઇવેન્ટ્સમાં સેલિબ્રિટીઝે આ લુક ફ્લૉન્ટ કર્યો છે. આ એક એવો ટ્રેન્ડ છે જે આંખોને કૅન્વસની જેમ ટ્રીટ કરે છે.

લેટ્સ ડીકોડ

જેમ આપણે ડ્રૉઇંગ-પેપર પર વૉટરકલર કરીએ ત્યારે રંગો એકબીજામાં ભળીને સૉફ્ટ અને ટ્રાન્સલ્યુસન્ટ એટલે કે પારદર્શક ઇફેક્ટ આપે છે બરાબર એ જ કન્સેપ્ટ આ મેકઅપનો છે. આમાં આંખો પર કોઈ શાર્પ આઉટલાઇન, પર્ફેક્ટ કટ-ક્રીઝ કે ડાર્ક સ્મોકી ઇફેક્ટ નથી હોતી. એને બદલે જુદા-જુદા આઇશૅડો કલર્સને એવી રીતે બ્લેન્ડ કરવામાં આવે છે કે એ ત્વચામાં ઓગળી રહ્યા હોય એવા સૉફ્ટ અને ડિફ્યુઝ્ડ દેખાય. આ ટ્રેન્ડને ઍન્ટિ-પર્ફેક્શન મેકઅપ પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં કોઈ ભૂલ થાય તો પણ એ એક આર્ટ જેવી લાગે છે. હાલમાં સૉફ્ટ પિન્ક અને કોબાલ્ટ બ્લુનું કૉમ્બિનેશન આ ટ્રેન્ડમાં સૌથી વધુ પૉપ્યુલર છે, જે આંખોને એક સુંદર સનસેટ કે વાઇબ્રન્ટ લુક આપે છે.

કેવી રીતે કરવું?

ફ્રેશ અને ડ્યુઇ બેઝ : કોઈ પણ સારું આર્ટપીસ બનાવવા માટે કૅન્વસ પર્ફેક્ટ હોવું જોઈએ. આ લુક માટે તમારી સ્કિન હાઇડ્રેટેડ અને ગ્લો કરતી હોવી જરૂરી છે. ચહેરા પર લાઇટવેઇટ મૉઇશ્ચરાઇઝર અને લિક્વિડ પ્રાઇમર લગાવો. જોકે મેકઅપ પાઉડરથી સેટ કરવાનો રૂલ અહીં બ્રેક કરવાનો છે. આઇલીડ્સ પર હળવું કન્સીલર કે આઇ પ્રાઇમર લગાવો જેથી કલર્સ સારી રીતે એના પર અપ્લાય થઈ શકે અને બ્લેન્ડ પણ થઈ શકે.

બૅકગ્રાઉન્ડ કલરનો બેઝ : સૌથી પહેલાં લાઇટ કલરથી શરૂઆત કરો. જેમ કે સૉફ્ટ પિન્ક અથવા આછો પીચ કલર. પાઉડર આઇશૅડોને બદલે ક્રીમ અથવા લિક્વિડ આઇશૅડો વાપરવો વધુ હિતાવહ છે, કારણ કે એ સ્કિનમાં નૅચરલી મેલ્ટ થઈ જાય છે. એક સૉફ્ટ ફ્લફી બ્રશ લો અને આ કલરને પોપચાં પર, ક્રીઝ લાઇનની ઉપર આઇબ્રો સુધી અપ્લાય કરીને બ્લેન્ડ કરો.
પૉપ-ઑફ કલર : હવે વારો છે ડ્રામા ક્રીએટ કરવાનો. કોબાલ્ટ બ્લુ, પર્પલ કે લાઇમ ગ્રીન જેવા વાઇબ્રન્ટ કલર આંખની વચ્ચે અથવા આઉટર કૉર્નર પર આંગળીના ટેરવે જ અપ્લાય કરી શકો. પછી હળવેથી થપથપાવીને કલરને ફેલાવો.

બાકીનો મેકઅપ મિનિમલ રાખો : જેમ કૅન્વસ પર મુખ્ય પેઇન્ટિંગ હાઇલાઇટ થાય એમ આ લુકમાં માત્ર આંખો જ આકર્ષણનું કેન્દ્ર હોવી જોઈએ. તેથી ચહેરા પર હેવી કૉન્ટૉરિંગ, ક્રીમ બ્લશ અને ડાર્ક લિપસ્ટિક ટાળો. તમે લિપ ટિન્ટ અથવા ગ્લૉસનો ઉપયોગ કરી શકો છો, જેથી આખો લુક સૉફ્ટ લાગે.

ટ્રાય કરવા જેવો છે ટ્રેન્ડ?

વૉટરકલર આઇ ટ્રેન્ડની સૌથી મોટી બ્યુટી એ છે કે એ દરેક સ્કિનટોન અને આઇ-શેપ પર અદ્ભુત લાગે છે. રોજના એ જ કંટાળાજનક અને ટાઇમ-કન્ઝ્યુમિંગ મેકઅપ રૂટીનમાંથી આ એક સરસ બ્રેક છે. આમાં કોઈ નિયમો નથી, માત્ર કલર્સ સાથે રમવાની આઝાદી છે.

fashion fashion news life and style lifestyle news columnists