ક્રૉપ ટૉપ્સમાં શું છે ટ્રેન્ડમાં?

24 February, 2023 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીનેજર્સ અને યંગસ્ટર્સ માટે સ્ટાઇલ અને કમ્ફર્ટનું કૉમ્બિનેશન જેમાં છે એવા આ કૅઝ્યુઅલ વેઅરમાં ટૂંકાં ટૉપ્સ મોસ્ટ સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ ગણાય છે ત્યારે જાણીએ કઈ ટાઇપનાં ક્રૉપ્સ શેની સાથે પહેરાય

પ્રતીકાત્મક તસવીર

ટીનેજર્સ માટે કૅઝ્યુઅલ વેઅરમાં ક્રૉપ ટૉપ સૌથી કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ ઑપ્શન બની ગયું છે એમ કહેવું ખોટું નથી. ફૅશનેબલ દેખાવની સાથે કમ્ફર્ટ પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે ત્યારે ઘણા પ્રકારનાં ક્રૉપ ટૉપ્સ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.

ફૅશનની દુનિયામાં છાશવારે પરિવર્તન થતાં રહે છે પરંતુ જે ફૅશનમાં કમ્ફર્ટેબલ હોઈએ એને આપણે લાંબા સમય સુધી અપનાવીએ છીએ. યંગ જનરેશન માટે ક્રૉપ ટૉપ્સ ફૅશન અને કમ્ફર્ટનો કૉમ્બો છે. કૅઝ્યુઅલ વેઅર હોય કે વેડિંગવેઅર, ક્રૉપ ટૉપ્સનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. કૉલેજ જતી કિશોરીઓ પણ આજકાલ તેના વૉર્ડરોબમાં ક્રૉપ ટૉપ્સને મહત્ત્વનું સ્થાન આપી રહી છે. ઘણા પ્રકારનાં કમ્ફી ક્રૉપ ટૉપ્સ છે જે કૅઝ્યુઅલ વેઅરમાં પણ તમને સ્ટાઇલિશ લુક આપે છે.  

ઓવરસાઇઝ્ડ એલ્બો સ્લીવ્ઝ ક્રૉપ 

તાજેતરમાં ઓવરસાઇઝ્ડ એલ્બો સ્લીવ્ઝ ક્રૉપ ટીઝ ટીનેજર્સનું આકર્ષણ બની રહ્યાં છે. કૉલેજ જતી કિશોરીઓ બૉયફ્રેન્ડ જીન્સ અથવા મૉમ ફિટેડ જીન્સ સાથે આવા પ્રકારનાં ક્રૉપ ટૉપ્સ પહેરવાનું પસંદ કરી રહી છે. આવા પ્રકારનાં ટૉપ્સ તેમને ફંકી, ક્લાસી અને ટ્રેન્ડી લુક આપે છે. માર્કેટમાં વાઇટ અને પેસ્ટલ કલરનાં ટૉપ્સ વધુ ચાલે છે. એમાંય વળી મનગમતા પ્રિન્ટેડ મેસેજવાળાં ટૉપ મળી જાય તો સોને પે સુહાગા!

ક્રૉપ શર્ટ

પ્લેન અને ચેક્સવાળી ડિઝાઇનનાં ક્રૉપ શર્ટ્સ પણ ફૅશનની દુનિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. આવાં ક્રૉપ શર્ટ કિશોરીઓને બોક્સી ફિટ લુક આપે છે. ડેનિમ અથવા બૅગી જીન્સ પર આવા પ્રકારના શર્ટ પર્ફેક્ટ્લી મૅચ કરી શકાય. મુલુંડમાં રહેતી અને બારમા ધોરણમાં ભણતી નિધિ રાઠોડ તેના સ્ટાઇલ-સ્ટેટમેન્ટ વિશે વાત કરતાં કહે છે કે ‘ક્રૉપ ટૉપ્સને કારણે મારી સ્ટાઇલ ઘણી કૂલ બની ગઈ છે. મને સ્ટાઇલિશ દેખાવા માટે કોઈ મોંઘાદાટ ફૅશનેબલ કપડાંની જરૂર નથી. બૅગી જીન્સ પર એ ખૂબ જ સારું લાગે છે.’

આ પણ વાંચો: ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે? તો શું લેવું અને પૅકિંગ કેવું કરવું?

સ્પૅગેટી ક્રૉપ ટૉપ

રેગ્યુલર વેઅરમાં કૉલેજિયન્સ સ્પૅગેટી ક્રૉપ ટૉપ્સ પહેરી શકે છે અને જો અંગ પ્રદર્શન ટાળવું હોય તો તેના પર શ્રગ અથવા ડેનિમ જેકેટ પહેરી શકાય છે. જીન્સના વિકલ્પ તરીકે તમે પ્લાઝો પણ પહેરી શકો છો, જે કમ્ફર્ટમાં વધારો કરશે.

ફૅન્સી સ્લીવ્ઝ ક્રૉપ ટૉપ્સ

બલૂન સ્લીવ્સનો ટ્રેન્ડ પણ હજુ અકબંધ છે. કેઝ્યુઅલ અને પાર્ટી વેઅરમાં બલૂન સ્લીવ્ઝ ક્રૉપ ટૉપ બેસ્ટ સ્ટાઇલ ઑપ્શન છે. આ પ્રકારના ક્રૉપ ટૉપ સાથે સ્કર્ટ અથવા બેલ બૉટમ જીન્સ બેસ્ટ મૅચ છે. આ ઉપરાંત બેલ સ્લીવ્ઝવાળાં ક્રૉપ ટૉપ પણ કૉલેજિયન યુવતીની સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવે છે. બંને પ્રકારનાં ક્રૉપ ટૉપ્સ મૉમ ફિટેડ જીન્સ અથવા પલાઝો સાથે પર્ફેક્ટ મૅચ રહેશે. થાણેમાં રહેતી અને કૉલેજ જતી સાક્ષી જેઠવા કહે છે કે ફૅન્સી સ્લીવ્ઝવાળાં ક્રૉપ ટૉપ્સને હું કૅઝ્યુઅલ વેઅર અને પાર્ટીવેઅર તરીકે પહેરું છું. સાદગી મને પસંદ છે અને સિમ્પલ અને ક્લાસી લુક માટે ફૅન્સી સ્લીવ્ઝનાં ક્રૉપ ટૉપ મારી નજરમાં બેસ્ટ ઑપ્શન છે.

આૅફ-શોલ્ડર ક્રૉપ ટૉપ

માર્કેટમાં ક્રૉપ ટૉપ્સની કૅટેગરીમાં ઑફ-શૉલ્ડર ક્રૉપ્સે મહત્ત્વનું સ્થાન બનાવ્યું છે. બોલ્ડ અને સેક્સી દેખાવાની ઇચ્છા રાખતી કિશોરીઓ ઑફ-શૉલ્ડર ક્રૉપ ટૉપ્સ અને સ્પૅગેટી ક્રૉપ ટૉપ્સ પહેરી શકે છે. આવાં ટૉપ્સ સાથે ફ્લેર્ડ જીન્સ, બૉયફ્રેન્ડ જીન્સ અથવા હાઈ-વેસ્ટ જીન્સ જેવા વિકલ્પો અપનાવી શકે છે. આ ઉપરાંત ઝિપ નેક ક્રૉપ ટૉપ, નીટેડ ક્રૉપ ટૉપ, સ્ક્વેર નેક ક્રૉપ ટૉપ, ટ્વિસ્ટેડ ક્રૉપ ટૉપનો પણ ટ્રેન્ડ છે.

ફૅશન એક્સપર્ટ શું કહે છે?

ફૅશન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં છ વર્ષથી કાર્યરત મુલુંડનાં ફૅશન ડિઝાઇનર ખ્યાતિ ધામીએ ટીવી અને ફિલ્મ જગતના અઢળક કલાકારોના કૉસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. માર્કેટમાં ચાલી રહેલા ક્રૉપ ટૉપના ટ્રેન્ડમાં શું ઇન થિંગ છે અને ક્યારે કયા કૉમ્બિનેશમાં પહેરવું જોઈએ એની ટિપ્સ આપતાં ખ્યાતિ કહે છે, ‘ફૅશન ઇન્ડસ્ટ્રી લોકોની કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને કપડાં ડિઝાઇન કરી રહી છે. મારી નજરમાં મિનિમલ સ્ટાઇલ ઇઝ ધ બેસ્ટ સ્ટાઇલિંગ. જે ટીનેજર્સ ફૅશનને લઈને કન્ફ્યુઝ્ડ છે તો હું એટલું કહીશ કે એક્સપ્લોર એવરીથિંગ. અત્યારે ૮૦-૯૦ના દાયકાની ફૅશન પાછી ટ્રેન્ડમાં આવી રહી છે. ક્રીએટિવિટી વધી રહી છે. ટીનેજર્સ કૂલ અને ક્લાસી દેખાવા માટે ઓવરસાઇઝ્ડ ક્રૉપ ટૉપ્સ પહેરવાનું પસંદ કરી રહી છે એ સારી વાત છે. બેલી ફૅટ હોય તેવી છોકરીઓએ ઓવરસાઇઝ્ડ ક્રૉપ ટૉપ પર સ્કર્ટ અથવા લૂઝ જીન્સ પહેરવાં જોઈએ. જે છોકરીઓ પાતળી છે તેમણે ક્રૉપ ટૉપ સાથે બૉયફ્રેન્ડ ડેનિમ, બલૂન ડેનિમ પહેરવાં જોઈએ. જે છોકરીઓનો સ્કિનટોન થોડો ડાર્ક છે તેમણે પેસ્ટલ કલરનાં ક્રૉપ ટૉપ પહેરવાં જોઈએ. ગોરી છોકરીઓ પર ડાર્ક કલરના આઉટફિટ સારા લાગે છે. હાલમાં વાઇડ લેગ્ડ જીન્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. એની સાથે ક્રૉપ ટૉપનું કૉમ્બિનેશન તમારી ફૅશનમાં ચાર ચાંદ લગાવી દેશે.’

 પાતળી ગર્લ્સે ક્રૉપ ટૉપ સાથે બૉયફ્રેન્ડ ડેનિમ, બલૂન ડેનિમ પહેરવાં જોઈએ. વાઇડ લેગ્ડ જીન્સ હાલમાં ટ્રેન્ડમાં છે. એની સાથે ક્રૉપ ટૉપનું કૉમ્બિનેશન બેસ્ટ. ખ્યાતિ ધામી

columnists life and style fashion news fashion