યોગ ક્લાસિસમાં શું પહેરીને જશો?

21 June, 2022 12:06 PM IST  |  Mumbai | Aparna Shirish

રેગ્યુલર પહેરતા હો એ લેગિંગ્સ અને કુરતી કે ટી-શર્ટની સરખામણીમાં પર્ફેક્ટ યોગવેઅર તમારા યોગ કરવાના એક્સ્પીરિયન્સમાં ચોક્કસ વધારો કરશે

યોગ ક્લાસિસમાં શું પહેરીને જશો?

આમ તો સાડી પહેરીને પણ યોગ કરી શકાય પણ એ ફક્ત એક દિવસ ઍડ્વેન્ચર પૂરતું. યોગ આસનો કરવાં હોય ત્યારે પ્રૉપર સ્પોર્ટ્સવેઅર પહેરવા જરૂરી છે. યોગ માટેનાં કપડાં તમને આસનો કરવામાં અવરોધ ઊભા ન કરે એવું, બૉડી પાર્ટ્સને જકડી રાખે અને સપોર્ટ કરે એવું તેમ જ જેમાં ગરમી ન થાય એવા બ્રીધેબલ ફૅબ્રિકમાંથી બનેલું હોવું જોઈએ. એ સિવાય કોઈ પણ આસન કરો તોએ એ સારી રીતે સ્ટ્રેચ થાય અને ફાટે નહીં એવું હોવું જોઈએ. 
સ્પોર્ટ્સ બ્રા
દરેક યોગિની માટે સૌથી પહેલી અને મહત્ત્વની એટલે સારી સ્પોર્ટ્સ બ્રા. સારી એટલે ક્લીવેજ કવર કરે અને સપોર્ટ આપે એવી, કારણ કે યોગ કરતા સમયે કૉન્શિયસ થશો તો આસનો પર ધ્યાન કેન્દ્રિત નહીં થાય. રનિંગ માટે પહેરવી પડે એટલી હેવી સપોર્ટિંગ નહીં હોય તો ચાલશે પણ એ પહેરવામાં આરામદાયક હોવી જોઈએ. એ સિવાય પાછળના ભાગમાં હૂકવાળી બ્રા પહેરવાનું ટાળો, કારણ કે યોગાસનો કરતા સમયે મોટા ભાગનો સમય મૅટ પર ચત્તા સૂવું પડશે. આવામાં હૂક વાગી શકે છે. 
લેગિંગ્સ કે યોગ પૅન્ટ્સ
ઘણી સ્ત્રીઓ યોગ કરતા સમયે લૂઝ હેરમ પૅન્ટ્સ કે લેગિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. જો કમ્ફર્ટેબલ હો તો લૂઝ હેરમ પૅન્ટ્સ પહેરી શકાય પણ નહીં તો ટાળો. અહીં પગના સ્ટ્રેચિંગ સમયે અગવડ ન થવી જોઈએ. હેરમ પૅન્ટ્સમાં ઍન્કલ પાસે ગ્રિપ હોવી જોઈએ જેથી શીર્ષાસન કે સર્વાંગાસન કરતા સમયે એ નીચે ન સરકે. 
જો યોગ પૅન્ટ્સ અને યોગ લેગિંગ્સની વાત કરીએ તો હવે યોગ માટે સ્પેશ્યલ લેગિંગ્સ મળે છે જે લાયક્રા અને સ્પેન્ડેક્સ જેવાં સ્ટ્રેચેબલ ફૅબ્રિકમાંથી બનેલાં હોય છે. અહીં આ લેગિંગ્સ હાઈ વેસ્ટ હોવા જરૂરી છે, કારણ કે આસનો કરતા સમયે વારંવાર પાછળથી એ ખેંચવાં પડે તો સારું નહીં લાગે. એ ઉપરાંત યોગ લેગિંગ્સ શક્ય હોતો પારદર્શક ન હોય એવાં લેવાં. અહીં યોગ પૅન્ટ્સમાં એક વાર અધોમુખ શવાસન કરીને જોઈ લેવું. આ પોઝમાં લેગિંગ્સ ખેંચાય છે એટલે જો પારદર્શક હશે તો ખબર પડી જશે. 
જો ખૂબ પસીનો થતો હોય તો સ્પોર્ટ શૉર્ટ્સ પહેરી શકાય. જોકે અહીં વારંવાર એને ઍડ્જસ્ટ કરવાની પળોજણમાં ન પડવું.
ટી-શર્ટ
ટી-શર્ટ રાઉન્ડ નેકનું અને સ્પોર્ટ્સ માટે બનેલા સ્પેન્ડેક્સ ફૅબ્રિકનું જ વાપરો. કૉટન બ્રીધેબલ હોય છે એ ખરું પણ યોગ કરતા સમયે પરસેવો થશે તો કૉટન પર એના ભીના ધાબા દેખાઈ આવશે. સ્પોર્ટ્‍સ માટે જુદું ફૅબ્રિક વાપરવા પાછળ એક કન્સેપ્ટ છે અને માટે જ રેગ્યુલર વેઅરને યોગ કે સ્પોર્ટ ઍક્ટિવિટી દરમિયાન ન પહેરવું જોઈએ. 
રંગોની પસંદગી
શક્ય હોય તો બૉટમમાં ડાર્ક કલર્સ પહેરવા. બ્લૅક, ડાર્ક ગ્રે, નેવી બ્લુ, ડાર્ક ગ્રીન જેવા રંગો સારા લાગે છે. લાઇટ કલર્સ ફૅન્સી જરૂર દેખાય છે પણ જ્યારે પરસેવો થાય ત્યારે તરત જ એ ભીના દેખાય છે. એટલે જ શક્ય હોય તો ડાર્ક લેગિંગ્સ પહેરવા. ટી-શર્ટ કે ટૉપ માટે પણ આ જ રૂલ ઍપ્લિકેબલ છે. 

યોગ માટેનુ ડ્રેસિંગ પસંદ કરતા સમયે સ્ટાઇલ કરતાં કમ્ફર્ટ અને ફ્લેક્સિબિલિટીને પહેલું પ્રાધાન્ય આપવું. યોગ કરવાની મજા બમણી કરવી હોય તો સારી ક્વૉલિટી અને યોગ્ય ડિઝાઇનનાં કપડાં એમાં મદદરૂપ થશે.  

fashion news fashion columnists