ઉનાળામાં સફેદ રંગને કેવી રીતે બનાવશો તમારું પાવર-સ્ટેટમેન્ટ?

02 April, 2026 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાચી રીતે સ્ટાઇલ કરવામાં આવે તો એ અત્યંત ક્લાસી અને સૉફિસ્ટિકેટેડ લુક આપે છે

સફેદ એક એવો રંગ છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી

આજના ફૅશન-ટ્રેન્ડ્સમાં વાઇટ ઑન વાઇટ એક એવી સ્ટાઇલ છે જે સિમ્પ્લિસિટી અને એલિગન્સનું પર્ફેક્ટ મિશ્રણ રજૂ કરે છે. એક જ રંગના અલગ-અલગ શેડ્સ અને ટેક્સ્ચર્સને સાથે પહેરવાની આ સ્ટાઇલ પહેલી નજરે સરળ લાગે, પરંતુ સાચી રીતે સ્ટાઇલ કરવામાં આવે તો એ અત્યંત ક્લાસી અને સૉફિસ્ટિકેટેડ લુક આપે છે...

ફૅશનની દુનિયામાં દર વર્ષે અનેક રંગો આવે છે અને જાય છે, પરંતુ સફેદ એક એવો રંગ છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી.

ફૅશન-એક્સપર્ટ્‍સ અને સેલિબ્રિટીઝમાં જે ટ્રેન્ડ સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યો છે એ છે વાઇટ ઑન વાઇટ. આ સ્ટાઇલને નિષ્ણાતો ક્લાઉડ ડાન્સર અથવા ક્વાએટ લક્ઝરી તરીકે પણ ઓળખાવે છે. સફેદ રંગનો મોનોક્રોમ લુક ધારણ કરવો એ આત્મવિશ્વાસ અને સાદગીનું સુંદર પ્રતીક છે. ઉનાળાની સીઝનમાં વાઇટ ઑન વાઇટ ફૅશન એક તાજગીભર્યો અને ક્લીન લુક આપે છે. વાઇટ ઑન વાઇટ લુકની સૌથી મોટી ખાસિયત એ છે કે એ દરેક સ્કિન-ટોન પર સુંદર લાગે છે અને ક્યારેય આઉટ ઑફ ટ્રેન્ડ નથી થતો.

ઑલ વાઇટ આઉટફિટ માટેની ટિપ્સ

મિક્સ ટેક્સચર્સ વાપરો : લેસ, ડેનિમ, લેધર અથવા લિનન જેવા અલગ-અલગ મટીરિયલને સાથે કમ્બાઇન કરો જેથી લુક ફ્લૅટ ન લાગે અને એમાં ડેપ્થ આવે.

લેયરિંગ કરો : એક ક્લાસિક વાઇટ શર્ટને બેઝ તરીકે પહેરી એના પર ડેનિમ જૅકેટ અથવા બ્લેઝર ઉમેરશો તો લુક વધુ સ્ટાઇલિશ અને સ્ટ્રક્ચર્ડ લાગે છે.

શેડ્સનું ધ્યાન રાખો : ક્રીમ અને આઇવરી જેવા શેડ્સ મિક્સ કરી શકાય છે પરંતુ ક્રિસ્પ અને શાર્પ લુક માટે એકસરખા વાઇટ શેડ પર જ ટકી રહેવું વધુ અસરકારક છે.

ઍક્સેસરીઝ : ગોલ્ડન ઍક્સેસરીઝ વૉર્મ અન્ડરટોન માટે અને સિલ્વર કૂલ અન્ડરટોન માટે યોગ્ય છે. સાથે ન્યુડ ફુટવેઅર લુકને એલિગન્ટ બનાવે છે.

પ્રપોર્શનનું બૅલૅન્સ રાખો : લૂઝ અને ફિટેડ કપડાં વચ્ચે બૅલૅન્સ જાળવો જેમ કે ટેલર્ડ બ્લેઝર સાથે સૉફ્ટ બ્લાઉઝ અથવા ફિટેડ જૅકેટ સાથે વાઇડ લેગ જીન્સ.

વાઇટની બ્રાઇટનેસ જાળવો : કપડાં ધોતી વખતે બેકિંગ સોડાનો ઉપયોગ કરો અને ફૅબ્રિક સૉફ્ટનરથી દૂર રહો જેથી વાઇટ કલર પીળો ન પડે.

ઓકેઝન-વાઇઝ સ્ટાઇલિંગ

સફેદ રંગ એટલો વર્સેટાઇલ છે કે એ સવારની મીટિંગથી લઈને રાતની પાર્ટી સુધી દરેક જગ્યાએ ફિટ થઈ શકે છે. ફક્ત તમારે સાચાં ફૅબ્રિક અને કટ પસંદ કરવાની જરૂર છે.

ઑફિસ લુક : વર્કપ્લેસ પર સફેદ રંગ શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. એક શાર્પ વાઇટ કૉટન શર્ટને મૅચિંગ વાઇટ ટેલર્ડ ટ્રાઉઝર સાથે પેર કરો. જો લુકને વધુ પ્રોફેશનલ બનાવવો હોય તો ઉપર સફેદ બ્લેઝર ઉમેરો. આ લુકમાં ન્યુડ હીલ્સ અને મિનિમલ ગોલ્ડન વૉચ સૉફિસ્ટિકેશન ઉમેરશે.

કૅઝ્યુઅલ ડે : મિત્રો સાથે લંચ કે શૉપિંગ માટે જતી વખતે કમ્ફર્ટ સૌથી મહત્ત્વની છે. અહીં તમે સફેદ લિનનનો શૉર્ટ કુરતો અને પલાઝો અથવા વાઇટ મૅક્સી ડ્રેસ પસંદ કરી શકો છો. આ લુકમાં લેયરિંગ માટે વાઇટ ક્રોશેટ શ્રગ અથવા ડેનિમ જૅકેટ ખૂબ જ તાજગીભર્યો લુક આપશે. સાથે વાઇટ સ્નીકર્સ અથવા ફ્લૅટ્સ આરામદાયક રહેશે.

ઈવનિંગ અથવા પાર્ટી-લુક : સાંજના સમયે સફેદ રંગ લક્ઝુરિયસ લાગે છે. પાર્ટી માટે સિલ્ક, સૅટિન કે શિફૉન જેવા ફ્લોઈ મટીરિયલ પસંદ કરો. સફેદ સૅટિન સ્લિપ ડ્રેસ અથવા હેવી ચિકનકારી વર્કવાળો સફેદ કો-ઑર્ડ સેટ તમને ભીડમાં અલગ તારવશે. આ લુક સાથે બોલ્ડ રેડ લિપસ્ટિક અને ડાયમન્ડ અથવા સિલ્વર જ્વેલરી અદ્ભુત કૉન્ટ્રાસ્ટ ઊભો કરશે.

વેકેશન અને બીચ-વાઇબ્સ : સમુદ્રકિનારે કે હિલ સ્ટેશન પર સૂર્યના તડકા વચ્ચે સફેદ રંગ સૌથી વધુ ફોટોજેનિક લાગે છે. સફેદ શૉર્ટ્સ અને લૂઝ વાઇટ શર્ટ અથવા ઑફ-શોલ્ડર વાઇટ ટૉપ વેકેશન માટે બેસ્ટ છે. આ લુક સાથે જૂટની સ્લાઉચી બૅગ અને મોટી હૅટ એક કમ્પ્લીટ હૉલિડે લુક આપશે.

fashion fashion news life and style lifestyle news columnists