07 October, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયાએ બ્લુ સ્ટ્રાઇપવાળું ઓવરસાઇઝ્ડ શર્ટ ટ્રાવેલિંગ દરમિયાન પહેરવાનું પસંદ કર્યું હતું (ડાબે), કપૂર ખાનદાનની બન્ને બહેનો કરીના અને કરિશ્માએ પણ આવું શર્ટ પહેરીને સ્વૅગમાં ફોટો પડાવ્યા હતા (વચ્ચે), કૅટરિના કૈફે જાડી બ્લુ સ્ટ્રાઇપવાળું શર્ટ પહેરીને ઇન્સ્ટાગ્રામ પર તસવીર અપલોડ કરી હતી (જમણે)
શું તમને પણ એવું લાગે છે કે જ્યાં જુઓ ત્યાં લોકો બ્લુ કલરની સ્ટ્રાઇપવાળાં શર્ટ પહેરવાનું પસંદ કરી રહ્યા છે? કૉર્પોરેટ ઑફિસ હોય કે કૅઝ્યુઅલ મીટિંગ, મૉલમાં શૉપિંગ કરવા જવાનું હોય કે ટ્રિપ પર જવાનું હોય તો લોકો સેલિબ્રિટીના કૅઝ્યુઅલ અને ઍરપોર્ટ લુકથી પ્રેરણા લઈને આ બ્લુ સ્ટ્રાઇપવાળા શર્ટને પોતાના વૉર્ડરોબમાં સામેલ કરી રહ્યા છે.
વાઇરલ થઈ રહેલા આવાં શર્ટ હકીકતમાં નવો ટ્રેન્ડ નથી, આ ઘણા સમયથી યુવક અને યુવતીઓની અલમારીમાં કાયમી સ્થાન ધરાવે છે. લોકો પહેલાં પણ કૉર્પોરેટ્સમાં ફૉર્મલ્સ તરીકે આવાં શર્ટ પહેરતા જ હતા. એક સમય એવો હતો ત્યારે બ્લુ સ્ટ્રાઇપવાળાં શર્ટને માત્ર બોર્ડરૂમ યુનિફૉર્મ માનવામાં આવતું હતું. પેન્સિલ સ્કર્ટ્સ અને ટેલર્ડ ટ્રાઉઝર્સ સાથે જ પહેરાતું હતું, પણ દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા અને કરીના કપૂર જેવી સેલિબ્રિટીએ ઍરપોર્ટ પર અને નાની-મોટી ઇવેન્ટમાં કૅઝ્યુઅલ રીતે સ્ટાઇલ કરીને એને નવી રીતે પ્રેઝન્ટ કરતાં હવે આવા શર્ટને ઑફ-ડ્યુટી વૉર્ડરોબ એટલે કે કૅઝ્યુઅલ ફૅશનમાં સરળતાથી સ્થાન પ્રાપ્ત થયું છે. પહેલાં તો ફક્ત મોટી-મોટી ક્લોધિંગ બ્રૅન્ડ્સ આવા શર્ટમાં વધારાનું ટ્વિસ્ટ આપીને જેમ કે અનોખા પૅચિસ કે રાઇનસ્ટોન વર્ક કે ક્રૉપ્ડ વર્ઝનમાં રાખતા હતા, પણ હવે ઓવરસાઇઝ્ડ શર્ટની ડિમાન્ડ વધતાં એ પણ રાખે છે. સ્ટ્રીટ માર્કેટમાં પણ આવાં શર્ટ ૨૫૦થી ૫૦૦ રૂપિયાની રેન્જમાં સહેલાઈથી મળી રહે છે. લોકો ટ્રેન્ડને ફૉલો કરવા કરતાં એ કમ્ફર્ટ આપે છે કે નહીં એ પહેલાં જુએ છે. સ્ટ્રાઇપ્ડ શર્ટ દેખાવમાં ફ્રેશ અને વર્સટાઇલ લાગતા હોવાથી એની પૉપ્યુલારિટી વધી રહી છે એમ કહેવું ખોટું નથી.
સ્ટાઇલ ગાઇડ
શર્ટની ખરીદી કરતી વખતે ઓવરસાઇઝ્ડ લેવું જેથી એ પાર્ટી અને કૅઝ્યુઅલ બન્ને પ્રકારના લુકમાં ફિટ થાય. ફ્રેન્ડ સાથે આઉટિંગ હોય કે પછી મૉલમાં ફરવા જવું હોય તો બ્લુ સ્ટ્રાઇપવાળા શર્ટને બ્રાલેટ, ક્રૉપ ટૉપ, ટૅન્ક ટૉપ કે ટી-શર્ટ પર જૅકેટની જેમ ઓપન રાખીને વાઇડ લેગ જીન્સ સાથે સ્ટાઇલ કરી શકાય. એને હાઈવેસ્ટ શૉર્ટ સાથે પણ પહેરી શકાય. લુઝ ફિટેડ શર્ટ વધુ સ્ટાઇઈલિશ લાગશે. ઠંડા વાતાવરણમાં એ કાર્ડિગન કે બ્લેઝર સાથે પણ સરસ લાગે છે.
અગાઉ સફેદ અને કાળા શર્ટને વર્સટાઇલ માનવામાં આવતું હતું પણ હવે એની સાથે બ્લુ સ્ટ્રાઇપ્ડ શર્ટ પણ એટલાં જ ઉપયોગી બની ગયાં છે. એને જીન્સ અને બેલ્ટ સાથે પહેરવાથી કૅઝ્યુઅલ વેઅર તરીકે એટલું જ સારું લાગે છે જેટલું બ્લેઝર સાથે ફૉર્મલ વેઅરમાં.
પેન્સિલ સ્કર્ટ અને A-લાઇન સ્કર્ટ સાથે સ્માર્ટ પ્રોફેશનલ લુક આવે છે. એને જ બ્લૅક અથવા ગ્રે ટ્રાઉઝર અને બ્લેઝર સાથે પહેરશો તો બિઝનેસ મીટિંગ માટે પર્ફેક્ટ લુક મળશે.
ઍક્સેસરીઝમાં કમરને હાઇલાઇટ કરવા બેલ્ટનો ઉપયોગ કરો. એની સાથે સિલ્વર અથવા ગોલ્ડની ચેઇન અને સ્ટડ ઇઅર-રિંગ્સ સારાં લાગશે. ફૉર્મલ લુક માટે લોફર્સ અથવા હીલ્સ પહેરી શકાય અને કૅઝ્યુઅલ વેઅર તરીકે સ્ટાઇલ કરતા હો તો સ્નીકર્સ અથવા સૅન્ડલ્સ પણ ચાલે.