બ્યુટી બ્લેન્ડરને સ્વચ્છ રાખવું અત્યંત જરૂરી છે

19 April, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નહીં તો ત્વચામાં ઇન્ફેક્શન અને ઍલર્જી થવાનું જોખમ રહે છે. ભલે સ્કિન ગ્લો ન કરે, પણ એને ફ્લૉલેસ એટલે કે બેદાગ બનાવવાનું કામ મેકઅપ કરે છે, પણ શું તમે મેકઅપમાં સૌથી વધુ યુઝ થતા બ્યુટી બ્લેન્ડર પર ધ્યાન આપ્યું છે?

પ્રતીકાત્મક તસવીર

યુવતીઓ માટે મેકઅપ ડેઇલી રૂટીનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ભલે સ્કિન ગ્લો ન કરે, પણ એને ફ્લૉલેસ એટલે કે બેદાગ બનાવવાનું કામ મેકઅપ કરે છે, પણ શું તમે મેકઅપમાં સૌથી વધુ યુઝ થતા બ્યુટી બ્લેન્ડર પર ધ્યાન આપ્યું છે? મેકઅપને પ્રૉપર બ્લેન્ડ અને સેટ કરવામાં ઉપયોગી થતા બ્યુટી બ્લેન્ડરને સમયાંતરે સાફ કરવા બહુ જરૂરી છે. બ્યુટી બ્લેન્ડરને મેકઅપ બ્લેન્ડર પણ કહેવાય. એક જ બ્લેન્ડરને પાંચથી વધુ વાર સાફ કર્યા વગર વાપરવામાં આવે તો એ સ્કિન ઇન્ફેક્શન અને ઍલર્જીનું કારણ બને છે. તેથી ત્વચાને ટચ કરતી દરેક ચીજ હાઇજીનિક હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

શા માટે જરૂરી છે સફાઈ?
બ્લેન્ડરનો ઉપયોગ મુખ્યત્વે કન્સીલર કે ફાઉન્ડેશનને સેટ કરવા માટે થાય છે. ત્યાર બાદ સેટિંગ પાઉડર કે ટ્રાન્સલ્યુશન પાઉડરને મેકઅપ સેટ કરવા માટે અપ્લાય કરવામાં થાય છે. આ પ્રોસેસ દરમિયાન જો સાફ બ્લેન્ડર યુઝ કરવામાં ન આવે તો બૅક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં સ્ક‌િન ફ્લૉલેસ થવાને બદલે ખરાબ થઈ જાય છે. મેકઅપની જે ઇફેક્ટ જોઈતી હોય એ મળી શકતી ન હોવાનું કારણ પણ અસ્વચ્છ બ્લેન્ડર હોઈ શકે. ઘણી યુવતીઓને પિમ્પલ્સનો પ્રૉબ્લેમ થાય છે તો કોઈને અચાનક રૅશિઝ થઈ જાય છે. જો તમે પર્સનલ યુઝ માટે બ્યુટી બ્લેન્ડર વાપરો છો તો પાંચ વાર યુઝ કર્યા બાદ એની સફાઈ કરવી જોઈએ અને જો તમે મેકઅપ આર્ટિસ્ટ છો તો બેથી ત્રણ બ્લેન્ડર રાખવાં અને સમયાંતરે એની સફાઈ કરવી જેથી ક્લાયન્ટની ત્વચા બગડે નહીં.

ક્લીન કરવાની ટિપ્સ
બ્લેન્ડરને અલગ-અલગ પદ્ધતિથી સાફ કરી શકાય છે. હાથમાં થોડું બેબી ઑઇલ અથવા નારિયેળનું તેલ લઈને બ્યુટી બ્લેન્ડરને હાથની બન્ને હથેળી વડે રગડવું. બે મિનિટ બાદ બ્લેન્ડરમાં ચોંટેલી ગંદકી હાથમાં ચોંટશે અને પછી એને નવશેકા પાણીમાં થોડું શૅમ્પૂ નાખીને ધોઈ નાખવું.

બ્લેન્ડરને શૅમ્પૂ અથવા હૅન્ડવૉશની મદદથી પણ સાફ કરી શકાય છે. આ માટે થોડા હૂંફાળા પાણીમાં એક ચમચી જેટલું માઇલ્ડ શૅમ્પૂ અથવા હૅન્ડવૉશ મિક્સ કરવું અને બ્લેન્ડરને એમાં થોડા સમય સુધી રહેવા દેવું. ૧૦ મિનિટ બાદ એને બન્ને હાથેથી ઘસીને સાફ કરશો તો એ નવા જેવું થઈ જશે. બ્લેન્ડરને ધોવા સાબુ કે સર્ફનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એ બ્લેન્ડર માટે બહુ હાર્શ થઈ જશે અને બ્લેન્ડર બગડી જશે.

લીંબુને પણ પાણીમાં નિચોવી એમાં બે ચપટી બેકિંગ પાઉડર નાખીને સૉફ્ટ બ્રશ વડે બ્લેન્ડરને સાફ કરી શકાય છે. પ્રોફેશનલ મેકઅપ આ​ર્ટિસ્ટ પાસેબ્રશ-ક્લીનિંગ મૅટ હોય છે. એ બ્રશની સાથે બ્લેન્ડરની પણ સારી સફાઈ કરે છે. આ માટે શૅમ્પૂનાં બે ટીપાંને મૅટ પર નાખો અને પછી બ્લેન્ડરને હલકા હાથ વડે ઘસીને પાણીથી ધોઈ નાખવું અને સૂકવ્યા બાદ એને પાછું મેકઅપ બૉક્સમાં પૅક કરી દેવું.

beauty tips fashion news fashion tips skin care life and style