બેડરૂમમાં સ્પેસસેવર બને છે મૉડર્ન ફ્લોટિંગ વૉર્ડરોબ

09 March, 2026 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે પણ તમારા ઘરે આવો ફ્લોટિંગ વૉર્ડરોબ બનાવવા માગતા હો તો આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

ફ્લોટિંગ વૉર્ડરોબ

ઘરોની જગ્યા ઓછી થતી જાય છે ત્યારે સ્પેસ-મૅનેજમેન્ટ ઇન્ટીરિયર ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી ચીજો લાવી રહ્યું છે. આવો જ નવો કન્સેપ્ટ છે ફ્લોટિંગ વૉર્ડરોબનો, જે તમારા બેડરૂમને લક્ઝુરિયસ લુક આપશે. કબાટની નીચે સ્ટ્રિપ લાઇટ્સ રાતના સમયે અદ્ભુત ઍમ્બિયન્સ ઊભું કરે છે

સમય બદલાય એમ ઘર ડેકોર કરવાની શૈલી પણ બદલાય છે. એક સમય હતો જ્યારે ભારેખમ લાકડાના કબાટ રૂમની અડધી જગ્યા રોકી લેતા હતા, પણ આજે મિનિમલિઝમનો જમાનો છે. ઇન્ટીરિયર ઇન્ડસ્ટ્રીમાં ફ્લોટિંગ વૉર્ડરોબનો કન્સેપ્ટ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે. હવામાં લટકતા હોય એવા ભાસતા આ વૉર્ડરોબ માત્ર દેખાવમાં જ સુંદર નથી, એ નાના રૂમને પણ મોટો અને મૉડર્ન લુક આપે છે. સામાન્ય રીતે વૉર્ડરોબ જમીન સાથે જોડાયેલા હોય છે પરંતુ ફ્લોટિંગ વૉર્ડરોબને દીવાલ સાથે એવી રીતે ફિક્સ કરવામાં આવે છે કે એના નીચેના ભાગ અને ફ્લોરિંગ વચ્ચે થોડી જગ્યા ખાલી રહે છે. આ ગૅપને કારણે એવું લાગે છે કે કબાટ હવામાં છે. આ નાનકડો ચેન્જ આખા રૂમનું વાતાવરણ બદલી નાખે છે.

ફ્લોટિંગ વૉર્ડરોબના ફાયદા

જગ્યા મોટી દેખાડે : ઇન્ટીરિયર ડિઝાઇનનો એક નિયમ છે, જેટલી વધુ ફ્લોર-સ્પેસ દેખાય એટલો જ રૂમ મોટો લાગે. જ્યારે કબાટ જમીન સાથે અડેલો હોય છે ત્યારે એ રૂમની લંબાઈને ત્યાં જ અટકાવી દે છે. ફ્લોટિંગ વૉર્ડરોબમાં નીચેની ખાલી જગ્યાને કારણે આપણી આંખો છેક દીવાલ સુધી જોઈ શકે છે. એને લીધે નાનો રૂમ પણ ગૂંગળામણભર્યો લાગવાને બદલે મોટો લાગે છે.

સફાઈમાં સરળતા : ટ્રેડિશનલ કબાટની નીચે વર્ષો સુધી ધૂળ જમા થાય છે, જે ઍલર્જી અને જીવજંતુઓનું કારણ બને છે. ફ્લોટિંગ વૉર્ડરોબ જમીનથી સામાન્ય રીતે છથી ૧૨ ઇંચ ઊંચા રાખવામાં આવે છે. તેથી સફાઈ માટે એને ખસેડવાની જરૂર પડતી નથી. આનાથી ઘર સ્વચ્છ રહે છે.

લાઇટિંગ ઇફેક્ટ્સ : અત્યારે લાઇટિંગનો યુઝ ઘરમાં અજવાળા માટે નહીં પણ મૂડ સેટ કરવા માટે ખાય છે. વૉર્ડરોબના નીચેના ભાગમાં સેન્સરવાળી અથવા રિમોટવાળી LED પ્રોફાઇલ લાઇટ લગાવી શકાય. આ લાઇટ જ્યારે ચાલુ થાય ત્યારે કબાટ ખરેખર હવામાં હોય એવો લક્ઝુરિયસ લુક આપે છે. રાત્રે મેઇન લાઇટ ચાલુ કર્યા વગર આ સૉફ્ટ લાઇટ રૂમને એક શાંત અને પ્રીમિયમ હોટેલ-વાઇબ આપે છે.

મૉઇશ્ચર પ્રોટેક્શન : ચોમાસામાં ભેજ આવવાની સમસ્યા સામાન્ય છે. લાકડું જો સતત પાણી કે ભેજના સંપર્કમાં રહે તો એ ફૂલી જાય છે અથવા એમાં ઊધઈ લાગવાનું જોખમ રહે છે. કબાટ જમીનથી ઉપર હોવાને કારણે ફ્લોરિંગના સીધા ભેજથી બચી જાય છે. જો ક્યારેક રૂમમાં પાણી ઢોળાય કે ભૂલથી ડોલ ભરાઈ જાય તો પણ તમારા મોંઘા વૉર્ડરોબને નુકસાન થતું નથી.

કઈ મૉડર્ન ડિઝાઇન્સ છે ટ્રેન્ડમાં?

જો તમે પણ તમારા ઘરે આવો ફ્લોટિંગ વૉર્ડરોબ બનાવવા માગતા હો તો આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

 ફ્લોટિંગ વૉર્ડરોબ બનાવતી વખતે હંમેશાં એની લોડ-બેરિંગ કૅપેસિટી ચેક કરવી. આ માટે દીવાલમાં મજબૂત લોખંડના ઍન્ગલ્સ કે ફ્રેમ હોવી જરૂરી છે જેથી કપડાંના વજનથી કબાટ નમી ન જાય. ફ્લોટિંગ વૉર્ડરોબ આખો દીવાલ પર ટકેલો હોય છે, તેથી જે દીવાલ પર એ ફિટ કરવાનો હોય એ મજબૂત હોવી જોઈએ. ઈંટોની દીવાલ પર હેવી-ડ્યુટી બ્રૅકેટ્સનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.

 જો તમે એને ગ્લાસ અથવા ગ્લૉસી લેમિનેટથી ફિનિશ આપશો તો એ વધુ રિફ્લેક્ટિવ લાગશે અને રૂમમાં ઉજાસ વધશે.

સ્ટાઇલિંગ ટિપ્સ

fashion fashion news lifestyle news life and style columnists gujarati mid day