06 August, 2026 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેન્સ શર્ટમાં બૉટનિક પ્રિન્ટ્સનો નવો ટ્રેન્ડ
પુરુષોની ફૅશનમાં પ્રિન્ટેડ શર્ટ હંમેશાં સ્ટાઇલિશ અને કૅઝ્યુઅલ લુક માટે પસંદ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં સુધી મોટી-મોટી ફ્લોરલ પ્રિન્ટવાળાં શર્ટ્સ મેન્સ ફૅશનમાં ખૂબ લોકપ્રિય હતાં. બીચ હૉલિડે, પાર્ટી કે કૅઝ્યુઅલ આઉટિંગ માટે ફ્લોરલ શર્ટ પર્ફેક્ટ ચૉઇસ માનવામાં આવતાં હતાં. જોકે હવે આ ટ્રેન્ડમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે. ફ્લોરલ ડિઝાઇનની જગ્યાએ હવે લીફ, પામ ટ્રી અને બૉટનિકલ પ્રિન્ટ્સ પુરુષોના વૉર્ડરોબમાં પોતાની જગ્યા બનાવી રહી છે.
નેચરથી પ્રેરિત આ પ્રિન્ટ્સ લુકને વધુ સૉફિસ્ટિકેટેડ, ફ્રેશ અને એલિગન્ટ બનાવે છે. ખાસ વાત એ છે કે આ ડિઝાઇન ફ્લોરલ શર્ટની જેમ વધારે બોલ્ડ લાગતી નથી એટલે એને કૅઝ્યુઅલ લુકથી લઈને વીક-એન્ડ આઉટિંગ સુધી સરળતાથી પહેરી શકાય છે.
આજકાલ પુરુષો એવાં કપડાં પસંદ કરી રહ્યા છે જેમાં આરામ સાથે સ્ટાઇલ પણ જોવા મળે. બૉટનિકલ પ્રિન્ટ્સમાં પાંદડાં, વેલીઓ, પામ લીવ્સ અને અન્ય કુદરતી આકારોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રિન્ટ્સમાં સામાન્ય રીતે ગ્રીન, બેજ, બ્રાઉન, બ્લુ અને પેસ્ટલ જેવા શેડ્સ વધુ જોવા મળે છે. આ પ્રકારનાં શર્ટ્સ નૅચરલ વાઇબ્સ જોવા મળે છે અને એ એકસાથે કૂલ તથા ક્લાસી લુક આપે છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં આ પ્રિન્ટ્સ વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે એ ફ્રેશ અને રિલૅક્સ્ડ ફૅશનને દર્શાવે છે.
ફ્લોરલ શર્ટ્સમાં સામાન્ય રીતે ફૂલોની મોટી અને રંગીન ડિઝાઇન હોય છે જે ઘણી વાર ખૂબ જ આકર્ષક અને બોલ્ડ લુક આપે છે. ફૂલો રંગબેરંગી હોવાથી એ બીચસાઇડ વેકેશન જેવી ફીલ આપશે. બીજી તરફ બૉટનિકલ પ્રિન્ટ્સ વધુ મિનિમલ અને એલિગન્ટ હોય છે. જે પુરુષોને પ્રિન્ટેડ શર્ટ પહેરવાં ગમે છે, પરંતુ ખૂબ જ લાઉડ લુક નથી જોઈતો તેમના માટે લીફ અને બૉટનિકલ ડિઝાઇન યોગ્ય વિકલ્પ બની રહી છે. આ શર્ટ્સ વ્યક્તિત્વને સ્ટાઇલિશ દેખાડે છે, પરંતુ ઓવરડ્રેસ્ડ લાગતા નથી.
ચોમાસામાં ભારે અને ડાર્ક કપડાં કરતાં હળવા રંગો અને ફ્રેશ પ્રિન્ટ્સ વધુ સારાં લાગે છે. લીફ અને બૉટનિકલ પ્રિન્ટ્સ વરસાદી માહોલ સાથે પણ સારી રીતે મૅચ થાય છે. વેકેશન, કૅઝ્યુઅલ ડે આઉટ કે મિત્રો સાથેની પાર્ટી માટે આ શર્ટ્સ એક સરળ પણ ટ્રેન્ડી વિકલ્પ બની શકે છે.
મેન્સ ફૅશનમાં હવે માત્ર ધ્યાન ખેંચતી ડિઝાઇન નહીં પરંતુ એવી સ્ટાઇલ પસંદ કરવામાં આવી રહી છે જે વ્યક્તિના વ્યક્તિત્વ સાથે મેળ ખાય. આ જ કારણ છે કે ફ્લોરલ પ્રિન્ટની જગ્યાએ બૉટનિકલ પ્રિન્ટ્સ ધીમે-ધીમે પુરુષોના વૉર્ડરોબમાં પોતાની મજબૂત જગ્યા બનાવી રહી છે.
૧. સૉલિડ પૅન્ટ સાથે પેર કરો : બૉટનિકલ પ્રિન્ટ શર્ટ પોતે જ સ્ટેટમેન્ટ પીસ હોય છે. તેથી એને સૉલિડ કલરના લિનન ટ્રાઉઝર, ચિનો અથવા જીન્સ સાથે પહેરવાથી સંતુલિત લુક મળે છે.
૨. ઓપન શર્ટ લેયરિંગ : ટી-શર્ટ પર બૉટનિકલ પ્રિન્ટ શર્ટને ઓપન રાખીને પહેરવાની સ્ટાઇલ યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. આ લુક કૅઝ્યુઅલ અને કૂલ લાગે છે.
૩. યોગ્ય ફિટ પસંદ કરો : આ ટ્રેન્ડમાં ઓવરસાઇઝ અને રિલૅક્સ્ડ ફિટ શર્ટ્સ પણ પસંદ કરવામાં આવી રહ્યાં છે. જોકે શરીરના આકાર પ્રમાણે યોગ્ય ફિટ પસંદ કરવી જરૂરી છે.
૪. ઍક્સેસરીઝ સાથે કૉમ્પ્લીમેન્ટ્સ કરો : સનગ્લાસિસ, કૅન્વસ શૂઝ, સ્લાઇડર્સ અથવા મિનિમલ ઘડિયાળ સાથે બૉટનિકલ શર્ટને વધુ સ્ટાઇલિશ બનાવી શકાય છે.