19 November, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બો ક્લિપ, ક્રૉસબૉડી બૅગ, ડાયમન્ડ્સ અને પર્લ્સ
ફૅશનની દુનિયામાં હવે લેડીઝ અને જેન્ટ્સ ફૅશન વચ્ચેની રેખા ધીમે-ધીમે અદૃશ્ય થતી જાય છે. છાશવારે બદલાતા ટ્રેન્ડ અને સ્ટાઇલના માપદંડો હવે મૉડર્ન પુરુષ માટે માત્ર કપડાં સુધી મર્યાદિત રહ્યા નથી. તેઓ પોતાની પર્સનાલિટીને વ્યક્ત કરવા ઍક્સેસરીઝનો ઉપયોગ કરતા થઈ ગયા છે. રસપ્રદ બાબત એ છે કે ફૅશનના આ નવા અધ્યાયમાં મહિલાઓની ફૅશન પુરુષો માટે છુપાયેલો ખજાનો બની રહી છે. એવી ઘણી ઍક્સેસરીઝ છે જે પરંપરાગત રીતે વુમન્સ માટે ઓળખાતી હતી, પણ હવે એ પુરુષોની ફૅશનમાં નવી ચમક ઉમેરે છે.
ક્રિસ્ટલ્સ, ડાયમન્ડ્સ અને પર્લ્સ
નાના ડાયમન્ડ સ્ટડ પુરુષોને ક્લીન, ક્લાસી અને મૉડર્ન દેખાડે છે. પાર્ટી હોય કે કૅઝ્યુઅલ આઉટિંગ હોય તો પણ આ સ્ટેટમેન્ટ પીસ દરેક પ્રસંગે સારો લાગે છે. પાતળી ચેઇનમાં નાનો ક્રિસ્ટલ અથવા ડાયમન્ડ પેન્ડન્ટ પુરુષોના લુકને સ્ટાઇલિશ પણ રાખશે અને ઓવરડન પણ નહીં લાગે. કૅઝ્યુઅલ અને પ્રિન્ટેડ શર્ટ સાથે એ તમારા લુકને યુનિક બનાવશે. આ ઉપરાંત એક પાતળું ક્રિસ્ટલ બ્રેસલેટ હાથ પર પહેરવાથી આઉટિફટને નવી ચમક આપે છે. એ ફૉર્મલ અને કૅઝ્યુઅલ બન્ને પર સૂટ થાય છે. નાની જડાઉ રિંગ પણ પુરુષો પર બહુ એલિગન્ટ લાગે છે. ઓવરસાઇઝ અથવા ભારે રિંગને બદલે સિમ્પલ ક્રિસ્ટલ રિંગ પણ લુકને અપગ્રેડ કરવા માટે પૂરતી છે. રણવીર સિંહ જેવી બોલ્ડ સ્ટાઇલ અપનાવવાની ઇચ્છા હોય તો સ્ટેટમેન્ટ બ્રેસલેટ, લેયર્ડ ચેઇન અને ઝગમગતો જડાઉ નેકલેસ પર્ફેક્ટ ચૉઇસ છે. જીન્સ અને ટી-શર્ટ, શર્ટ-ટ્રાઉઝર સાથે સિમ્પલ પર્લ બ્રેસલેટ લુકને સ્માર્ટ બનાવશે. પર્લ-મેટલ મિક્સવાળું બ્રેસલેટ અથવા નેકપીસ, સિલ્વર ચેઇન સાથે લેયરવાળો પર્લ નેકલ્સ ઓપન ફ્રન્ટ લુકમાં બહુ સારો લાગશે.
ક્રૉસબૉડી બૅગ
બૅગની શૉપિંગ કરવા જાઓ એટલે ફીમેલ સેક્શનમાં હીરાજડિત અને જરીવર્કવાળી ક્રૉસબૉડી બૅગ આકર્ષે છે. આજના સમયમાં પુરુષોની ફૅશનમાં પણ એ સ્થાન બનાવી રહી છે. બ્લૅક મેટ ફિનિશવાળી ક્રૉસબૉડી બૅગ પુરુષોના લુકને સ્ટાઇલિશ બનાવે છે. સાદા સ્ટ્રેઇટ અથવા બેગી જીન્સ અને ટી-શર્ટ સાથે બ્લિંગી ક્રૉસબૉડી બૅગ લુકને કન્ટેમ્પરરી લુક આપે છે અને તે મેલ ફૅશનને બૅલૅન્સ અને સ્ટાઇલિશ લાગશે. બ્લૅક, ગ્રે, વાઇટ જેવા ન્યુટ્રલ કલર્સના આઉટફિટ પર આ બૅગ વધુ હાઇલાઇટ થાય છે. ઓવરસાઇઝ શર્ટ, કાર્ગો પૅન્ટ્સ અથવા જૉગર્સ સાથે પણ આવી બૅગ પુરુષોને કૂલ બનાવે છે. ક્રૉસબૉડીને ડાયગ્નલ રીતે પહેરો, સ્ટ્રીટ સ્ટાઇલ વાઇબ આવી જશે. આવા બૅગ ઇન્ડો-વેસ્ટર્ન અથવા કુરતા સાથે ફેસ્ટિવ લુકને પર્ફેક્ટલી મૅચ કરે છે.
બો ક્લિપ
પુરુષોની ફૅશનમાં બોનો સમાવેશ કઈ રીતે થાય એવો વિચાર તો આવતો જ હશે, પણ આ જ બોને યુનિક રીતે સ્ટાઇલ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બો ક્લિપને તમારા શર્ટના ફ્રન્ટ પૉકેટ પર લગાવો. આ સ્ટાઇલ ખૂબ સરળ છે અને લુકને તરત જ સ્ટાઇલિશ બનાવી દે છે. કૅઝ્યુઅલ્સમાં બો તમારા લુકમાં અલગ ચાર્મ ઍડ કરે છે. આ ઉપરાંત બૅગપૅક, સ્લિંગ બૅગ અથવા લૅપટૉપ બૅગની ચેઇન અથવા સ્ટ્રાઇપ પર બો ક્લિપ લગાવી શકાય. બ્લેઝરના લેબલ પર અથવા બ્રોચની જેમ લગાવવામાં આવે તો લુકમાં ક્લાસિક ટ્વિસ્ટ મળશે. કૅપ, હૅટની સાઇડ પર લગાવેલી બો ક્લિપ સિમ્પલ લુકને ફૅશન-ફૉર્વર્ડ બનાવે છે.
સ્કાર્ફ
ફીમેલ સેક્શનમાં મળતા રંગબેરંગી અને પ્રિન્ટેડ સ્કાર્ફ પુરુષો માટે યુનિક સ્ટાઇલિંગની ચીજ બની શકે છે. એક નાનો સ્કાર્ફ ગળામાં સ્ટાઇલ કરી શકાય અથવા ટાઇ તરીકે પણ યુઝ કરી શકાય છે. વેકેશન માણવા જતા પુરુષો હૅટ અથવા કૅપની આસપાસ સ્કાર્ફ બાંધી શકે છે. આ લુક સિમ્પલ હોવા છતાં અલગ અને ક્રીએટિવ લાગે છે.