મલ્ટિ-પર્પઝ ઑટમન વડે કરો સ્માર્ટ હોમ ડેકોર

31 July, 2026 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાનાં ઘરોમાં ઓછી જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ઑટમન આજે સૌથી લોકપ્રિય મલ્ટી-ફંક્શનલ ફર્નિચર બની રહ્યું છે. બેસવાની જગ્યા, સ્ટોરેજ અને સ્ટાઇલિશ ડેકોર એમ અનેક ઉપયોગ સાથે તે ઘરને સ્માર્ટ અને આકર્ષક બનાવે છે.

મલ્ટિ-પર્પઝ ઑટમન વડે કરો સ્માર્ટ હોમ ડેકોર

ઘરમાં હવે ભારેખમ અને જગ્યા રોકતા ફર્નિચરની જગ્યાએ હળવા, સ્ટાઇલિશ અને ઉપયોગી વિકલ્પોને પ્રાધાન્ય મળી રહ્યું છે. ઇન્ટીરિયર ડિઝાઇનર્સ પણ એવા ફર્નિચરની ભલામણ કરી રહ્યા છે જે ઘરની સુંદરતા વધારવાની સાથે રોજિંદા ઉપયોગમાં પણ આવે. આ જ કારણ છે કે ઑટમન આજે મૉડર્ન હોમ ડેકોરનું સૌથી વર્સેટાઇલ ફર્નિચર પીસ બની ગયું છે

મુંબઈ કે મેટ્રો સિટીઝ જેવાં મોટાં શહેરોનાં નાના અપાર્ટમેન્ટ્સમાં સ્પેસ મૅનેજમેન્ટ હંમેશાં એક મોટો પડકાર રહ્યો છે. મર્યાદિત જગ્યામાં ઘરને સુંદર પણ બતાવવું છે અને સાથે જ દરેક ફર્નિચર ઉપયોગી પણ હોવું જોઈએ. આવી સ્થિતિમાં હોમ ડેકોર અને ઇન્ટીરિયર ડિઝાઇનની દુનિયામાં અત્યારે સુપરહિટ સૉલ્યુશન ખૂબ ધૂમ મચાવી રહ્યું છે એ છે ઑટમન. એ માત્ર બેસવા માટેનું નાનું સ્ટૂલ કે પૂફ નથી પરંતુ એ એક એવું સ્માર્ટ અને ફંક્શનલ ફર્નિચર છે જે તમારા લિવિંગરૂમ કે બેડરૂમનો આખો લુક બદલી નાખે છે. ખાસ કરીને નાનાં ઘરો માટે એ એકસાથે ૪ અલગ-અલગ કામ પૂરાં કરે છે.

એક ઑટમન અને ૪ અદ્ભુત ઉપયોગ

સ્માર્ટ સ્ટોરેજ : ઘરમાં છૂટીછવાઈ પડેલી વસ્તુઓ જેમ કે પુસ્તકો, બાળકોનાં રમકડાં કે એક્સ્ટ્રા કુશન સંઘરવા માટે ઇન-બિલ્ટ સ્ટોરેજ ઑટમન શ્રેષ્ઠ છે. એનું ઢાંકણું ખોલતાં જ અંદર મોટો સ્ટોરેજ એરિયા મળી જાય છે, જેનાથી વધારાનો સામાન અંદર છુપાઈ જાય છે અને આખો રૂમ તરત જ સુઘડ તથા વ્યવસ્થિત દેખાવા લાગે છે.

સેન્ટર ટેબલનો વિકલ્પ: ભારેખમ લાકડાના કે કાચના સેન્ટર ટેબલને બદલે સૉફ્ટ ઑટમન મૂકવાનો ક્રેઝ વધ્યો છે. એની ઉપર એક સુંદર વુડન કે મેટલ ટ્રે મૂકીને એમાં ફ્લાવરવાઝ, ઍરોમૅટિક કૅન્ડલ્સ કે કુકબુક ગોઠવીને એસ્થેટિક સેન્ટર પીસ બનાવી શકાય છે.

એક્સ્ટ્રા સીટિંગ : ઘરે અચાનક મહેમાનો આવી જાય ત્યારે સોફા પર જગ્યા ઓછી પડે ત્યારે આ નાનું અને સ્ટાઇલિશ ઑટમન મૂવિંગ સીટિંગ તરીકે ઈઝિલી વાપરી શકાય છે.
આરામદાયક ફૂટરેસ્ટ : આખા દિવસના થાક પછી સોફા પર બેસીને પગ લાંબા કરીને આરામ કરવા માટે ઑટમન સૉફ્ટ અને પર્ફેક્ટ ફૂટરેસ્ટનું કામ કરે છે.

અત્યારે કેવાં ઑટમન છે ટ્રેન્ડમાં?

આજકાલ હોમ ડેકોરમાં અલગ-અલગ શેપ, ટેક્સ્ચર અને ફૅબ્રિક્સ ધરાવતાં ઑટમન ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

કર્વ્ડ અને મશરૂમ શેપ : શાર્પ ખૂણાવાળા ફર્નિચરને બદલે ગોળાકાર, ઓવલ કે ક્યુટ મશરૂમ શેપનાં ઑટમન રૂમના વાઇબ્સને સૉફ્ટ અને મૉડર્ન બનાવે છે.

બકલી અને રિચ વેલ્વેટ ટેક્સ્ચર : ફૅબ્રિકમાં અત્યારે વાઇટ કે ક્રીમ કલરનું બકલી (ઊનના ટેક્સ્ચરવાળું) ફૅબ્રિક સુપર-ટ્રેન્ડિંગ છે. આ સિવાય રૉયલ અને ગ્લૅમરસ લુક માટે એમરલ્ડ ગ્રીન, મસ્ટર્ડ કે રૉયલ બ્લુ વેલ્વેટનાં ઑટમન પસંદ કરાય છે.

ફ્લુટેડ અને બ્રાસ બેઝઃ બાજુઓ પર વર્ટિકલ પ્લીટ્સવાળી ડિઝાઇન અને નીચે ગોલ્ડન/બ્રાસ મેટલની રિંગ અથવા લાકડાના પાયા ધરાવતાં ઑટમન ખૂબ લોકપ્રિય છે. આ પ્રકારનું ઑટમન તમારા લિવિંગરૂમને એકદમ રૉયલ, મૉડર્ન અને લક્ઝરી ફિનિશ આપે છે.

ઑટમન એ માત્ર

સ્પેસ-સેવિંગ ફર્નિચર નથી, તમારા સ્માર્ટ હોમ ડેકોરનું એક મહત્ત્વનું સ્ટેટમેન્ટ પીસ છે. જો તમે પણ ઓછા બજેટમાં અને ઓછી જગ્યામાં તમારા લિવિંગરૂમ કે બેડરૂમને મૉડર્ન, ક્લાસી અને ફંક્શનલ લુક આપવા માગતા હો તો એક વર્સટાઇલ ઑટમન તમારા ઘર માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થશે.

 

lifestyle news life and style home decor fashion news fashion