યુવતીઓમાં વધી રહ્યો છે બર્ડ નેસ્ટ ક્લિપનો ક્રેઝ

02 July, 2026 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્કિંગ વિમેનથી લઈને કૉલેજ ગર્લ્સ સુધી સેકન્ડ્સમાં આકર્ષક લુક આપતી આ હેર-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર બહુ વાઇરલ થઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

ફૅશનની દુનિયામાં કમ્ફર્ટ અને સ્ટાઇલનું કૉમ્બિનેશન પૉપ્યુલર છે અને ખાસ કરીને હેર-ઍક્સેસરીઝની વાત કરીએ તો દરરોજ કંઈક નવું ટ્રેન્ડમાં આવતું હોય છે. સોશ્યલ મીડિયાથી લઈને લોકલ માર્કેટ સુધી અત્યારે બર્ડ નેસ્ટ હેર-ક્લિપ બહુ ડિમાન્ડમાં છે. પક્ષીના માળા જેવી ડિઝાઇન ધરાવતી આ ક્લિપ માત્ર દેખાવમાં જ યુનિક નથી, પણ તે વાળને સેકન્ડ્સમાં પરફેક્ટ લુક આપવા માટે પણ મૅજિકલ સાબિત થઈ રહી છે. આ હેર ક્લિપનું નામ સાંભળીને જ તેને જોવા જાણવાની ઇચ્છા થાય. આ ક્લિપ પ્લાસ્ટિક અથવા રેઝિન મટીરિયલની બનેલી હોય છે. તે દેખાવમાં ગોળાકાર હોય છે અને તેને ખેંચીને મોટી કરી શકાય છે. જ્યારે તેને વાળમાં ફિક્સ કરવામાં આવે છે ત્યારે તે સંકોચાઈને પક્ષીના માળા જેવો આકાર લઈ લે છે, જેને કારણે તેનું નામ બર્ડ નેસ્ટ ક્લિપ કહેવાય છે. અંદરના ભાગમાં નાના દાંતા હોય છે, જેને લીધે તે વાળમાંથી સરકી જતી નથી.

માર્કેટમાં કેવા પ્રકારની ક્લિપ મળે?

મૅટ ફિનિશ અને પેસ્ટલ કલર્સ: ઑફિસ કે ડેઇલી વેર માટે ઑલિવ ગ્રીન, ન્યુડ પિન્ક, બેજ અને બ્લૅક જેવા ક્લાસી મૅટ કલર્સ ખૂબ ટ્રેન્ડમાં છે.

વેલ્વેટ ટચ : શિયાળામાં કે કોઈ ફંક્શનમાં રિચ લુક આપવા માટે વેલ્વેટ મટીરિયલ કોટિંગવાળી ક્લિપ્સ પણ મળે છે.

ડાયમન્ડ અને પર્લ સ્ટડેડ : જો તમારે લગ્નપ્રસંગ કે પાર્ટીમાં સાડી કે લહેંગા સાથે પહેરવી હોય તો પર્લ અને ચમકતા સ્ટોન્સ જડેલી ફૅન્સી બર્ડ નેસ્ટ ક્લિપ પણ માર્કેટમાં આસાનીથી મળી રહે છે.

કેવી રીતે લગાવાય?

જોઈને એવું લાગે કે બર્ડ નેસ્ટ હેર-ક્લિપને લગાવવી અઘરી હશે, પણ હકીકતમાં આ ક્લિપ વાપરવી સાવ સરળ છે. સૌથી પહેલાં તમારા બધા વાળને પાછળની તરફ પોનીટેઇલ બનાવતાં હોઈએ તેમ સરખા કરી લો. હવે બર્ડ નેસ્ટ ક્લિપને બંને હાથથી ખેંચીને પૂરેપૂરી ઓપન કરી લો. આ ઓપન થયલી ક્લિપ તમારા વાળની વચ્ચે એટલે કે પોનીટેઇલના બેઝ અથવા બન પર ભરાવો અને પછી ક્લિપને અંદરની તરફ પુશ કરો. આ ક્લિપ આપોઆપ વાળને મજબૂત રીતે પકડી લેશે અને તમારી હેરસ્ટાઇલ રેડી થઈ જશે.

કેવા પ્રકારની હેરસ્ટાઇલ પર વધુ સૂટ થશે?

આ ક્લિપની ખાસિયત જ એ છે કે તે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને લુક સાથે મૅચ થાય છે. જો તમારે કૅઝ્યુઅલ કે કૂલ લુક જોઈએ છે, તો વાળનો હળવો બન બનાવી આ ક્લિપ ભેરવી દો. એક પર્ફેક્ટ મેસી બન તૈયાર થઈ જશે. લાંબા કે મીડિયમ વાળ ધરાવતી યુવતીઓ માટે ઊંચી પોનીટેઇલ બનાવીને આ ક્લિપ લગાવવાથી વાળને સારો બાઉન્સ અને વૉલ્યુમ મળે છે. આગળથી થોડા વાળ લઈને પાછળ આ ક્લિપ લગાવો અને બાકીના વાળ ખુલ્લા છોડી દો. આ લુક જીન્સ-ટૉપ કે વનપીસ પર ખૂબ સરસ લાગે છે.

fashion news fashion columnists gujarati mid day lifestyle news life and style