આલિયાનો વેડિંગ લુક નવો ટ્રેન્ડ લાવશે?

21 April, 2022 06:10 PM IST  |  Mumbai | Varsha Chitaliya

બ્રાઇડલ આઉટફિટ્સમાં પરંપરાગત રંગો અને ટ્રેડિશનલ જ્વેલરીને સાઇડ ટ્રૅક કરી અભિનેત્રીએ નવો ચીલો ચાતરતાં  હવે અપકમિંગ વેડિંગ સીઝનમાં બ્રાઇડના ઓવરઑલ ગેટઅપમાં નવું શું જોવા મળી શકે છે જાણીએ

આલિયાનો વેડિંગ લુક નવો ટ્રેન્ડ લાવશે?

લગ્નના દિવસે આઇવરી રંગની સાડી વિથ દુપટ્ટા, અનકટ ડાયમન્ડ જ્વેલરી અને ન્યુડ મેકઅપમાં આલિયાનો લુક જોઈને તેના ફૅન્સ આફરીન થઈ ગયા છે. બ્રાઇડલ આઉટફિટ્સમાં પરંપરાગત રંગો અને ટ્રેડિશનલ જ્વેલરીને સાઇડ ટ્રૅક કરી અભિનેત્રીએ નવો ચીલો ચાતરતાં હવે અપકમિંગ વેડિંગ સીઝનમાં બ્રાઇડના ઓવરઑલ ગેટઅપમાં નવું શું જોવા મળી શકે છે જાણીએ

ગયા અઠવાડિયે પરિવાર અને કેટલાક મિત્રોની ઉપસ્થિતિમાં સાદાઈથી પ્રભુતામાં પગલાં માંડનાર બૉલીવુડના ક્યુટ કપલ રણબીર-આલિયાનાં લગ્નની ચર્ચા હજી શમી નથી. બ્રાઇડ-ગ્રૂમની શાનદાર તસવીરો જોઈને તેમના ફૅન્સ આફરીન થઈ ગયા છે. ડિઝાઇનર સબ્યસાચીએ તૈયાર કરેલી વેરી લાઇટ ગોલ્ડન રંગની સાડી, અનકટ ડાયમન્ડ જ્વેલરી અને ન્યુડ મેકઅપમાં આલિયા ખૂબ સુંદર લાગતી હતી. બ્રાઇડલ આઉટફિટ્સમાં પરંપરાગત રંગો અને ટ્રેડિશનલ જ્વેલરીને સાઇડ ટ્રૅક કરી આલિયાએ નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. કપાળ પર સિમ્પલ બિંદી સાથેનો તેનો સોબર લુક સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે ત્યારે વાત કરીએ અપકમિંગ સીઝનમાં જોવા મળનારા બ્રાઇડલ ગેટઅપની. 
આલિયાએ કૉન્ફિડન્સ જગાવ્યો
આલિયાએ સેટ કરેલા ન્યુ ટ્રેન્ડ વિશે વાત કરતાં પરિની’સ ડિઝાઇનર સ્ટુડિયોનાં ફૅશન ડિઝાઇનર અને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ પરિણી ગાલા અમૃતે કહે છે, ‘વેડિંગના દિવસે સામાન્ય રીતે દરેક બ્રાઇડને ઠઠારો પસંદ હોય છે. અન્ય બ્રાઇડની સરખામણીએ આલિયાનો લુક ઘણો ડિફરન્ટ હતો. ડ્રેસઅપ, મેંદી, મેકઅપ, જ્વેલરી બધામાં તેણે ડેલિકસીને ફોકસમાં રાખી હતી. એન્ટાયર બ્રાઇડલ લુક ફટેલ ઍન્ડ સોબર હતો. લેહંગાની જગ્યાએ મિનિમમ વર્ક સાથેની લાઇટ સાડી અને દુપટ્ટા પર કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન ન્યુ કન્સેપ્ટ છે. વાસ્તવમાં આજની બ્રાઇડને ગ્રીક ગોડેસ જેવો સોબર, એલિગન્ટ અને સૉફ્ટ લુક જોઈએ છે. આ કારણસર વાઇટ ઍન્ડ લાઇટ કલર્સ ટ્રેન્ડમાં આવ્યા છે. વાઇટ કલરમાં દુલ્હનનું સૌંદર્ય દીપી ઊઠે છે એવો મેસેજ આલિયાએ પાસ કર્યો છે. છેલ્લા થોડા સમયથી પિન્ક અને પીચ જેવા કલર્સ ટ્રેન્ડમાં હતા, હવે વાઇટ ઍડ થશે. સાડી પણ ગ્રેસફુલ લાગી શકે છે. બ્રાઇડ-ટૂ-બીમાં આલિયાએ આવો કૉન્ફિડન્સ જગાવ્યો છે. વાઇટ લેહંગા અને સાડીની ઇન્ક્વાયરી આવવાની પણ શરૂ થઈ ગઈ છે. બ્રાઇડના એન્ટાયર લુકમાં બદલાવ જોવા મળશે, પરંતુ ફૅબ્રિકમાં મેજર ચેન્જિસ નહીં આવે. મટીરિયલ એ જ રહેશે; કારણ કે સિલ્ક, ઑર્ગેન્ઝા એવાં ફૅબ્રિક છે જે વર્ક ઝીલી શકે છે. દુપટ્ટા અને જ્વેલરીમાં કસ્ટમાઇઝ્ડ રાઇટિંગ સાથે કપલની સ્ટોરી જોવા મળશે. આલિયાના ડ્રેસઅપમાં બટરફ્લાય, લકી નંબર ૮, લગ્નની તારીખ વગેરે દર્શાવવામાં આવ્યું હતું. આ ટ્રેન્ડ પણ આવી જશે. જોકે બ્રાઇડલ ડ્રેસ ડિઝાઇનિંગ વાઇડ કન્સેપ્ટ છે. બ્રાઇડની પર્સનાલિટી, વેધર, લોકેશન, ક્રાઉડ આ બધું માઇન્ડમાં રાખી ડ્રેસઅપની પસંદગી થાય.’
સિમ્પલ ઇઝ ક્લાસિક

અપકમિંગ સીઝનમાં વેડિંગ ઇન્ડસ્ટ્રી અને બ્રાઇડલ ગેટઅપમાં રેવલ્યુશન જોવા મળવાનું છે એવી વાત કરતાં ક્રિશવી બ્રૅન્ડનાં ક્રીએટિવ ડિઝાઇનર અનીતા પટેલ કહે છે, ‘પરંપરાગત ભારતીય લગ્નોમાં બ્રાઇડના ડ્રેસઅપમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે. અત્યાર સુધી દરેક બદલાતી સીઝનમાં નવા ટ્રેન્ડની સાથે રેડ, ગ્રીન, પિન્ક જેવા કેટલાક કલર્સે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આલિયાએ આખા કન્સેપ્ટને ચેન્જ કરી નાખ્યો છે. ડ્રેસિંગની સાથે તેનો ઓવરઑલ સિમ્પલ ઍન્ડ સોબર લુક જોઈને હરકોઈ ફિદા થઈ ગયા છે. લાઇટ કલરની સાડી પહેરીને તેણે જે નવો ટ્રેન્ડ સેટ કર્યો છે એને અપકમિંગ સીઝનમાં અનેક બ્રાઇડ ફૉલો કરતી જોવા મળી શકે છે. આજકાલની ગર્લ્સને આમ પણ સિમ્પલ રહેવું પસંદ છે. ભપકાદાર ડ્રેસિંગ સાથેના બિગ ફૅટ ઇન્ડિયન વેડિંગ ધીમે-ધીમે આઉટ થઈ જશે. સિમ્પલ સ્ટેટમેન્ટ લેહંગામાં બેબી પિન્ક, પીચ, પિસ્તા અને લૅવન્ડર કલર બે-ત્રણ સીઝનથી ટ્રેન્ડમાં આવી ગયા છે. હવે વાઇટ, આઇવરી ગોલ્ડ અને ક્રીમ જેવા એકદમ લાઇટ કલર્સ પણ ઍડ થવાના છે. પોતાની નૅચરલ બ્યુટીને હાઇલાઇટ કરવાનો કૉન્ફિડન્સ હશે અને એને કૅરી કરી શકશે એવી બ્રાઇડ-ટૂ-બી લાઇટ કલર્સ ટ્રાય કરવાની છે. લેહંગાની જગ્યાએ તેઓ સિમર બ્લાઉઝ સાથે સાડી પહેરવાનું પ્રિફર કરશે. ડ્રેપ સાડીની ડિમાન્ડ પણ વધશે. કેટલાક ક્લાયન્ટ્સે પૂછતાછ પણ કરી છે. લાઇટ કલર, હૅન્ડ પ્રિન્ટેડ કસ્ટમાઇઝ્ડ વર્ક, જ્વેલરીનું સ્પેશ્યલ ઍડિશન વિથ મિનિમમ મેકઅપ અપકમિંગ ટ્રેન્ડ છે. નવા જમાનાની બ્રાઇડ માને છે કે મટીરિયલિસ્ટિકની તુલનામાં નૅચરલ લુક એલિગન્ટ અને ગ્લૅમરસ લાગે છે.’

 આજની બ્રાઇડને ગ્રીક ગૉડેસ જેવો સોબર, એલિગન્ટ અને સૉફ્ટ લુક જોઈએ છે. છેલ્લા થોડા સમયથી પિન્ક અને પીચ જેવા કલર્સ ટ્રેન્ડમાં હતા, હવે વાઇટ ઍડ થશે. - પરિણી ગાલા અમૃતે

ન્યુડ નહીં પણ લાઇટ મેકઅપ

દરેક બ્રાઇડને પોતાનાં લગ્નના દિવસે રોજ કરતાં જુદા અને સુંદર દેખાવું છે. ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી યુવતીઓ કાયમ મેકઅપમાં જોવા મળે છે, જ્યારે સામાન્ય યુવતીઓ ડે-ટુ-ડે લાઇફમાં ડાર્ક મેકઅપ કરતી નથી. બ્રાઇડની બ્યુટીને એન્હૅન્સ કરવા માટે મેકઅપનો મોટો રોલ હોય છે તેથી સામાન્ય યુવતીઓ ખાસ દિવસે ન્યુડ મેકઅપના ટ્રેન્ડને અપનાવે એવું લાગતું નથી એવી વાત કરતાં ભિવંડીનાં બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ જીની ગુઢકા કહે છે, ‘ફિલ્મ અને શો માટે આલિયાને ડાર્ક મેકઅપ કરવો પડે છે. તેણે મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્ન કર્યાં હોવાથી પોતાના કુદરતી સૌંદર્યને હાઇલાઇટ કરવાનું પસંદ કર્યું હતું, જે તેના માટે રૂટીન લાઇફ કરતાં નવું જ હતું. આ પહેલાં યામી ગૌતમે પણ મિનીમમ મેકઅપ સાથે પોતાની બ્યુટીને એન્હૅન્સ કરી હતી. ન્યુડ મેકઅપ એટલે તમારા સ્કિન ટોન સાથે મૅચ થતો હોય એવો મેકઅપ. એમાં કન્સીલર અને ફાઉન્ડેશન નહીંવત અથવા વેરી લો અમાઉન્ટમાં વપરાય છે. ફેસ કરેક્શન જેવી ટેક્નિક્સનો યુઝ થતો નથી. ચહેરાને નિખારવા આઇલાઇનર અને ન્યુડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. સેલિબ્રિટીઝના લુકથી બ્રાઇડ-ટૂ-બી ઘણી પ્રભાવિત થઈ જાય છે. ન્યુડ મેકઅપ માટે ઇન્ક્વાયરી આવે ત્યારે અમારું ફોકસ તેના ચહેરાની શાર્પનેસ અને ફીચર્સ પર હોય. ચહેરો સુંદર હોય તો મિનિમમ મેકઅપ સાથે એને હાઇલાઇટ કરી શકાય પણ ઍવરેજ લુક ધરાવતી બ્રાઇડ આ સ્ટાઇલિંગ કરવા જાય તો સ્પેશ્યલ નથી દેખાવાની. ન્યુડ મેકઅપની ડિમાન્ડ કરનારી બ્રાઇડને અમે ટ્રાયલ સેશન આપીએ છીએ. સ્કિન ટોન સાથે મૅચ થતો મેકઅપ બહુ ઓછી યુવતીઓને પસંદ પડે છે. જોકે તેમને ડાર્ક મેકઅપ પણ નથી જોઈતો. અપકમિંગ સીઝનમાં ન્યુડ મેકઅપનો નહીં પણ લાઇટ મેકઅપનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. મેકઅપની જેમ મેંદીની ડિઝાઇન પણ સિમ્પલ હશે.’

columnists fashion news fashion alia bhatt Varsha Chitaliya