03 January, 2026 06:17 PM IST | Surat | Sanjay Goradia
ચાલો, એક લટાર મારીએ સુરતના પોંકનગરમાં
ડિસેમ્બર-જાન્યુઆરીમાં સુરત જવાનું મને અચૂક મન થાય, એમ કહું તો પણ ચાલે કે હું અચૂક આ દિવસોમાં સુરત જાઉં જ. જો મારા નાટકનો શો હોય તો ઠીક છે, બાકી હું તો આ દિવસોમાં ખાસ સુરત જઈ આવું. નસીબજોગે આ વખતે મારા નાટકનો શો હતો એટલે મારે સુરત જવાનું બન્યું અને મને સાતેય કોઠે દીવા થઈ ગયા. આ જે પિરિયડ છે એ પિરિયડ પોંકનો પિરિયડ છે.
પોંક અલગ-અલગ પ્રકારના હોય છે. કાઠિયાવાડમાં ઘઉંનો પોંક પણ મળતો હોય છે પણ સુરતમાં જે પોંક મળે એ પોંક જુવારનો હોય છે. જુવાર પાકે અને એ ખેતરમાં જ સુકાવાની શરૂ થાય એ પહેલાં એ લીલી હોય ત્યારે એને ઉતારી લેવાની અને પછી એને ચૂલા અને ભઠ્ઠા પર શેકવાની. અડધી પાકેલી આ જુવારના દાણા સૉફ્ટ હોય અને એમાં મીઠાશ પણ ભારોભાર હોય. આ પોંકની લાઇફ માત્ર ચારથી પાંચ કલાકની, એનાથી વધારે ટકે નહીં એટલે તમે સુરતમાં ખાઈને મુંબઈ ઘર માટે લઈ આવી શકો નહીં. મુંબઈ પહોંચતાં સુધીમાં એ ચીકણી થઈ જાય અને મિત્રો, એટલે જ હું કહું છુંને કે સારું ખાવા માટે નસીબ હોવું જોઈએ.
પોંક વેચવાવાળા માટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને એક હંગામી અરેન્જમેન્ટ કરી છે. અડાજણ વિસ્તારમાં આવેલા એક મેદાનમાં ૧પ ડિસેમ્બરથી ૧પ જાન્યુઆરી સુધી પોંકનગર બનાવે છે, જેમાં બેસીને આ પોંકવાળાઓ પોતાનો માલ વેચે. અફકોર્સ એનું ભાડું લેવામાં આવે, પણ આ પ્રકારની વ્યવસ્થા કરવી એ પણ બહુ સારી વાત છે.
હું તો વર્ષોથી આ પોંકનગરમાં આવું છું. પહેલાં તો ખાસ્સું મોટું પોંકનગર બનતું પણ ધીમે-ધીમે એ નાનું થવા માંડ્યું છે. સુરત પહોંચીને મેં તો સીધી રિક્ષા કરી અને પહોંચ્યો પોંકનગર. પોંકની અનેક વરાઇટી હોય એટલે મેં સાથે મારા કલાકારોને પણ લીધા જેથી હું એ બધી વરાઇટી ટ્રાય કરી શકું.
પોંકનગરમાં દાખલ થતાં જ પોંકની મીઠી સુગંધે એનું સામ્રાજ્ય જમાવી લીધું. અંદર ઘૂસતાં જ જમણી બાજુએ પોંકનાં વડાં, પોંકની પૅટીસ અને પોંકનાં ભજિયાં મળતાં હતાં તો જમણી બાજુએ લીલોછમ પોંક મળતો હતો અને એની બાજુમાં સેવ વેચાતી હતી. સાદી, ફુદીના અને લીંબુ-મરી એમ ત્રણ પ્રકારની સેવ હતી. આ સેવ શું કામ એની વાત કહું.
પોંક ખાવાની એક રીત છે. હાથમાં થોડો પોંક લેવાનો, પછી એના પર તમને ભાવતી હોય એ સેવ નાખવાની અને પછી એ કોળિયો મોઢામાં મૂકી દેવાનો. પોંકની સૉફ્ટનેસ અને સેવની ક્રન્ચીનેસ. પોંકની મીઠાશ અને સેવની ખારાશ. સ્વર્ગના દેવતાઓના મનમાં પણ ન આવે એવું આ કૉમ્બિનેશન સુરતી લાલાઓએ બનાવ્યું છે.
પોંકનગરમાં સક્કરિયા દાણા પણ મળતા હતા. પોંક અને સક્કરિયા દાણા સાથે ખાવાની પણ સિસ્ટમ છે પણ મને એ કૉમ્બિનેશનમાં બહુ મજા નથી આવતી પણ લોકો હોંશે-હોંશે એ પણ ખાતા હોય છે અને હવે ત્યાં સુવિધા માટે ઉંબાડિયું પણ મળે છે. તમે ગ્રુપમાં આવ્યા હો અને કોઈને પોંક ન ભાવતો હોય તો એ ઉંબાડિયું ખાઈ શકે એવા હેતુથી. આ ઉંબાડિયું વિશે ભવિષ્યમાં વાત કરીશું, અત્યારે વાત કરીએ પોંકની.
મેં તો પોંકનાં ભજિયાં, પોંકની પૅટીસ, પોંક, ત્રણેય જાતની સેવ લીધાં. ભજિયાં અને પૅટીસ અલગ-અલગ ચટણીઓ સાથે ખાવાનાં હોય. હું તો મસ્ત રીતે પોંક પર તૂટી પડ્યો. આ પોંક ખાવામાં પણ હેલ્ધી છે, પણ હા, એના પર નાખવામાં આવતી સેવ વધારે પડતી નહીં ખાવાની. મારો ફેરો આ વખતે પણ સફળ રહ્યો. પેટ ભરીને પોંક ખાધા પછી એક આઇટમ તો લેવી જ પડે અને એ છે શેરડીનો રસ. હા, સુરતમાં આ નિયમ છે. પોંક ખાધા પછી શેરડીનો રસ પીવાનો. પોંકની મીઠાશ પર શેરડીની મીઠાશ ચાર ચાંદ લગાવે એવી અદ્ભુત હતી કે એ સ્વાદ હજી પણ જીભ પર છે અને એટલે જ તમને કહું છું. હવે પંદર દિવસ જ પોંકનગર રહેશે. જો સુરત જવાનું બને તો અચૂક પોંકનગરની વિઝિટ કરો અને જો મારા જેવા સ્વાદપ્રેમી મિત્રોનું આખું ગ્રુપ હોય તો આ પોંકનગર માટે ખાસ સુરત જઈ આવો. તમને ગૅરન્ટી સાથે કહું છું, તમારો ફેરો ફોગટ નહીં જાય. હા, એક વાત કહેવાની. આજકાલ ટ્રાફિકના ભરોસા નહીં એટલે શક્ય હોય તો ટ્રેનમાં જવાનું રાખજો.