બોરીવલીમાં પંજાબી લેનની દશરથની સૅન્ડવિચ ટ્રાય કરવા જેવી છે

01 March, 2025 06:02 PM IST  |  Mumbai | Sanjay Goradia

બ્રેડ અને વેજિટેબલ્સ તો બધી જગ્યાએ સરખાં જ હોય પણ સૅન્ડવિચમાં માર્ક્સ મેળવવાના હોય ચટણી અને એના મસાલાના. દશરથ સૅન્ડવિચ કૉર્નરને એ બન્ને આઇટમમાં દસમાંથી દસ માર્ક્સ મળે છે

સંજય ગરોડિયા

તમને ખબર જ છે કે અમારા નાટક માટે હમણાં મારે બહુ ટ્રાવેલિંગ રહે છે એટલે મુંબઈમાં ભાગ્યે જ રહેવાનો મોકો મળે અને મોકો મળે ત્યારે પણ બને એવું કે નાટકનો શો હોય એટલે એકાદ દિવસ માંડ મુંબઈમાં રહું અને મુંબઈ આવ્યો હોઉં એટલે સહેજે એમ થાય કે આજે ઘરનું જમીએ પણ હમણાં રવિવારે બન્યું એવું કે મારી બન્ને ઇચ્છા પૂરી થઈ. ઘરનું જમવાનું પણ મળ્યું અને સાથોસાથ તમારા માટે સરસ મજાની આઇટમ પણ શોધી લીધી.

બન્યું એમાં એવું કે રવિવારે મારા નાટકનો શો બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં હતો. હું સાંજે નીકળવાનું વિચારતો હતો જેથી સાત-આઠ વાગ્યે ઑડિટોરિયમ પર પહોંચી જાઉં, પણ મને મારા મિત્ર ને સાથી કલાકાર નીલેશ પંડ્યાનો ફોન આવ્યો કે સંજયભાઈ, થોડાક વહેલા આવજો, હું તમને મસ્ત સૅન્ડવિચ ખવડાવીશ. માયલો બકાસુર આ વાત સાંભળી ગયો અને તેણે તો ચાલુ કરી દીધી લાતમલાત. બીજું તો શું કરું મિત્રો, બકાસુરને તાબે થઈને હું તો બોરીવલી જવા માટે વહેલો નીકળી ગયો અને નીલેશ સાથે પહોંચ્યો પંજાબી લેનમાં દશરથ સૅન્ડવિચ કૉર્નર પર. આ પંજાબી લેનને ઘણા પંજાબી ગલી પણ બોલે છે એ તમારી જાણ ખાતર.

દશરથ સૅન્ડવિચ કૉર્નરમાં પચાસથી પણ વધારે જાતની સૅન્ડવિચ મળે છે. સૅન્ડવિચ તો માણસ બિચારો કેટલી ખાય, એક અને વધીને બે. મારી વાત કરું તો મારી કૅપેસિટી મૅક્સિમમ બે સૅન્ડવિચની, પણ નસીબજોગે મારી સાથે નીલેશ પંડ્યા હતો એટલે મને ધરપત હતી કે ત્રણેક સૅન્ડવિચ હું ટ્રાય કરી શકીશ. હવે વાત આગળ વધારતાં પહેલાં એક ફૂડ ટિપ આપી દઉં.

જ્યારે મેનુમાં એક જ વરાઇટીની અઢળક આઇટમ હોય ત્યારે સૌથી બેઝિક આઇટમનો જ ઑર્ડર કરવાનો જેથી ખબર પડી જાય કે સ્વાદ કેવો છે. હું એવું જ કરતો હોઉં છું. દશરથમાં પણ મેં એ જ કર્યું અને મેં તો આપ્યો ઑર્ડર સાદી વેજિટેબલ સૅન્ડવિચનો. સૅન્ડવિચના સ્વાદની બધી કરામત જો કોઈ પર આધારિત હોય તો એ છે એની ચટણી અને સૅન્ડવિચમાં છાંટવામાં આવતા મસાલાની, કારણ કે બાકીની આઇટમ તો બધે સરખી જ હોય. દશરથ સૅન્ડવિચ કૉર્નરની વાત કરું તો ત્યાં બ્રેડ પર અમૂલ બટર અને ચટણી લગાવ્યા પછી સૌથી પહેલાં કાકડીનું લેયર કર્યું અને પછી એના પર પોતાનો મસાલો છાંટ્યો, એના પછી ટમેટાનું લેયર અને ફરી મસાલો. પછી બટાટા, બીટ અને કાંદાનું લેયર અને એ બધા લેયર પર પણ પોતાનો મસાલો છાંટ્યો. મને તેની આ રીત ગમી. આ રીત બહુ ઓછા લોકો અપનાવે છે, જેને કારણે સૅન્ડવિચ થોડી ફીકી લાગે અને તમારે એક્સ્ટ્રા ચટણી માગવી પડે, પણ દશરથમાં મસાલાનો સ્વાદ એકધારો આવતો રહેતો હોવાથી તમારે એક્સ્ટ્રા ચટણીની જરૂર નથી પડતી. દશરથની ચટણીની વાત કરું તો એ સહેજ તીખી હતી પણ બહુ સરસ હતી. ચટણી તમે સહેજ સૂંઘો ત્યાં જ તમને એમાંથી ફુદીના અને મરચીની સોડમ આવી જાય. આવી સોડમ પુરવાર કરે કે એ ફ્રેશ બનેલી છે.

એકદમ પૈસા વસૂલ વેજિટેબલ સૅન્ડવિચ ટ્રાય કર્યા પછી મેં ટ્રાય કરી આલૂ ટોસ્ટ સૅન્ડવિચ. ટોસ્ટ થવાને લીધે વેજિટેબલ્સમાંથી છૂટતું પાણી પણ સહેજ ગરમ થઈ ગયું હતું, જે એના પર છાંટવામાં આવેલા મસાલા સાથે મર્જ થવાના કારણે મસાલાનો સ્વાદ ઊભરીને આવતો હતો. હજી તો અમે અમારી આ ફૂડ યાત્રા પૂરી કરવાનું વિચારતા જ હતા ત્યાં તો અમારા નાટકની ઍક્ટ્રેસ ભાવિકા સંઘવી પણ આવી ગઈ એટલે હું ખુશ થઈ ગયો અને અમે ઑર્ડર કર્યો ત્રીજી સૅન્ડવિચનો, મસાલા ચીઝ-ચિલી ટોસ્ટ. આ જે મસાલા ચીઝ-ચિલી ટોસ્ટ સૅન્ડવિચ હતી એ પણ અદ્ભુત હતી. બટાટા-વટાણાના પૂરણવાળી આ સૅન્ડવિચમાં ચીઝ અને ચિલીનો સ્વાદ અદ્ભુત રીતે બહાર આવતો હતો. આ જે ચિલી હોય છે એ કૅપ્સિકમ મરચાં હોય એટલે તમને સહેજ પણ તીખાં ન લાગે, પણ પૂરણની આછી સરખી તીખાશ તમને સતત આવ્યા કરે.

ખાધેલી તમામ સૅન્ડવિચનો સ્વાદ અવ્વલ દરજ્જાનો હતો એટલે મને થયું કે હવે દશરથ સૅન્ડવિચ કૉર્નરને તમારી સામે મૂકવામાં સહેજ પણ વાંધો નહીં. જે મિત્રો બોરીવલીમાં રહે છે એ તો વહેલામાં વહેલી તકે અને જે બહાર રહે છે એ જ્યારે પણ બોરીવલી વેસ્ટ જાય ત્યારે દશરથની સૅન્ડવિચ અચૂક માણે. બહુ સરસ સૅન્ડવિચ બનાવે છે.

borivali mumbai street food mumbai food indian food columnists life and style gujarati mid-day Sanjay Goradia