✕

પહેલી વાર ગુજરાતમાં મુંબઈ જેવી ભાજી મળી

21 November, 2026 02:20 PM IST  |  Mumbai | Sanjay Goradia

માળું બેટું, મને ક્યારેય એ નથી સમજાતું કે પાંઉભાજીમાં ભાજી સાથે ગળ્યા પાંઉ કોણ આપે? ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ગળ્યા પાંઉ જ હોય છે

સંજય ગોરડિયા

હમણાં મારી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં ચાલે છે અને તમને તો ખબર છે કે શૂટિંગ હોય એટલે આખો દિવસ યુનિટના હાથમાં રહેવાનું. પણ આપણું તો એવું કે શૂટિંગ સિવાયના સમયના આપણે બાદશાહ અને હું બાદશાહ હોઉં એટલે મારી અંદર રહેલા બકાસુરને પણ જોર ચડે. એક વાર રાતે બકાસુર કહે કે ચાલ જમવા જઈએ. હું તો ઊતર્યો હોટલમાંથી નીચે અને જમવાનું શોધવા નીકળ્યો, પણ કંઈ મળે નહીં. એવામાં મારા એક મિત્રનો ફોન આવ્યો. મેં ભૂખની વાત કરી તો કહે ચાલો હું તમને મહાલક્ષ્મી પાંઉભાજીમાં લઈ જઉં.

પહેલા તો મેં ના પાડી કે ના-ના મારે અમદાવાદમાં પાંઉભાજી નથી ખાવી. એક વાત યાદ રાખજો મિત્રો, અડધા ગુજરાતમાં આપણે મુંબઈમાં જે બોલીએ એનું ઊલટું બોલે. આપણે વડાપાંઉ બોલીએ, એ લોકો પાંઉવડા બોલે. આપણે પાંઉભાજી બોલીએ, એ લોકો ભાજીપાંઉ બોલે. આ તો થઈ જનરલ વાત, હવે તમને મારી વાત કહું. ગુજરાતની પાંઉભાજી આપણને બહુ ભાવે નહીં. હમણાં મારી ફિલ્મ ‘ડમરુ’ના શોની થિએટર વિઝિટ વખતે અમે પાટણ, મહેસાણા અને વીસનગર ગયા તો નક્કી કર્યું કે આપણે ત્યાં જ ક્યાંક જમી લઈએ. અમને કહેવામાં આવ્યું કે વીસનગરમાં પાંઉભાજી બહુ સરસ મળે છે. અમે તો ગયા ખાવા અને મિત્રો એ પાંઉભાજી નહોતી, ભાજીના નામે બટાટાની ભાજીનું રસાવાળા શાક હતું એમ કહો તો ચાલે. એમાં પાછા ભરી-ભરીને કાજુ-કિસમિસ નાખ્યાં હતાં. મને તો ચક્કર આવી ગયા. અડધો પાંઉ ખાઈને ડિશ પાછી મૂકી દીધી અને વિચાર્યું કે આજે મારો ઉપવાસ છે. ટૂંકમાં, બને ત્યાં સુધી હું ગુજરાતમાં અમુક વરાઇટી તો ન જ ખાઉં. પુલાવમાં પણ ગુજરાતમાં કાજુ-કિસમિસ નાખે. આમ થોડું હોય?

મહાલક્ષ્મીની પાંઉભાજીની પહેલાં તો મેં ના પાડી દીધી પણ મિત્રએ આગ્રહ કર્યો એટલે હું ક-મને તેની સાથે જોડાયો.

આ જે મહાલક્ષ્મી પાંઉભાજી છે એ મૂળ માણેકચોકમાં અને માણેકચોકમાં પણ ખૂબ જ પૉપ્યુલર. માણેકચોક એટલે જૂનું અમદાવાદ. ત્યાંથી દૂર એસ.જી.હાઇવે પર એક પ્લૉટમાં અર્બન ચોક નામની જગ્યા શરૂ થઈ છે, ત્યાં બધા જ બ્રાન્ડેડ સ્ટ્રીટ ફૂડવાળાના સ્ટોલ છે. આ અર્બન ચોકમાં તમને મહાલક્ષ્મી પાંઉભાજી પણ મળી જાય, બાલન ઢોસાવાળો પણ મળી જાય અને જસુબેનના પીત્ઝા પણ મળી જાય. અર્બનચોક બહુ સરસ જગ્યા છે અને મને આ કોન્સેપ્ટ પણ બહુ ગમે છે.

અમે અર્બન ચોકમાં ગયા. કારણ કે મારી હોટલથી એ નજીક હતો. મેં ડરતાં-ડરતાં પાંઉભાજી જોઈ પણ એનો રંગ અને એનું પ્રેઝન્ટેશન જોઈને મારામાં થોડી હિંમત આવી એટલે મેં તો પાંઉભાજી મંગાવી અને મિત્રો શું પાંઉભાજી હતી.

આપણી મુંબઈ જેવી જ પાંઉભાજી, એકદમ સરસ! હા, એના જે પાંઉ છે એ મુંબઈ જેવા નહોતા. સામાન્ય રીતે ગુજરાતમાં પાંઉભાજી સાથે ગળ્યા પાંઉ આપે છે જોકે અહીં એવા ગળ્યા પણ નહોતા. અલબત્ત, આપણા મુંબઈની તોલે આવે એવા પાંઉ નહોતા. પણ પાંઉમાં શું દાટ્યું છે. સાચી મજા તો ભાજી ખાવાની જ હોય અને જે ભાજી હતી સાહેબ, એ બહુ સરસ અને અમૂલ બટરમાં બનાવેલી ભાજી, ઉપરથી પાછું આપણા સરદારની જેમ બટર નાખ્યું હોય. સરદાર જેટલું નહીં, થોડુંક અને એ ભાજી સાથે તમને કાંદા-ટમેટાનું સૅલડ આપે. જોઈએ તો છાશ પણ હોય છે. બસ, આપણું કામ થઈ ગયું. એયને મસ્ત રીતે પેટ ભરીને મેં અને બકાસુરે ભાજી ખાધી અને મુંબઈને યાદ કર્યું. સાથોસાથ નક્કી કર્યુ કે મહાલક્ષ્મીની આ ભાજી તમારા સુધી પહોંચાડવી.

પાંઉમાં તમને મજા ન આવે તો એની ચિંતા કર્યા વિના ચમચી લઈને ભાજી પર તૂટી પડજો. તમને ક્યાંય એવું નહીં લાગે કે મુંબઈની ભાજી નથી.

એયને જલસો જ જલસો.

mahalaxmi Sanjay Goradia food and drink food news street food Gujarati food mumbai food indian food columnists