આ વાંચીને માત્ર ખાવા માટે કર્જત જવાનું મન થશે

24 March, 2021 11:58 AM IST  |  Mumbai | Sejal Patel

લૉકડાઉનનો લાભ લઈને જસ્ટ આઠ જ મહિનામાં તૈયાર થયેલા આ ફાર્મમાં લંચ કે ડિનરમાં ખાવાનું તો બહાનું છે, પણ સાથે નેચરના સાંનિધ્યમાં મજાનો રિલૅક્સ્ડ ટાઇમ પણ ગાળી શકાશે

કર્જતમાં લગભગ ૧૦૦ એકર ગ્રીનરીની વચ્ચે આવેલા ધ સૉલ્ટ રેસ્ટોરાંમાં કુદરતના સાંનિધ્યમાં ઇટાલિયન કૅપ્રીસ પીત્ઝા (છેક ઉપર) અને ભરવાં આલૂ ચાટ (નીચે)નો લુત્ફ ઉઠાવવાનું ચૂકવા જેવું નથી.

મુંબઈથી દોઢ કલાકની ડ્રાઇવ પર કર્જતના પાસેના ફાર્મમાં ધ સૉલ્ટ નામે રેસ્ટોરાં ખૂલી છે જે યુરોપિયન, એશિયન અને ઇન્ડિયન ક્વિઝીનનો જલસો કરાવે છે. લૉકડાઉનનો લાભ લઈને જસ્ટ આઠ જ મહિનામાં તૈયાર થયેલા આ ફાર્મમાં લંચ કે ડિનરમાં ખાવાનું તો બહાનું છે, પણ સાથે નેચરના સાંનિધ્યમાં મજાનો રિલૅક્સ્ડ ટાઇમ પણ ગાળી શકાશે 

જ્યારે ગયા માર્ચ મહિનામાં થોડાક દિવસ માટે લૉકડાઉન થયું ત્યારે ચેમ્બુરમાં રહેતા વિરેન આહુજાના પરિવારે પણ બિસ્તરા-પોટલાં ઉપાડીને કર્જતમાં આવેલા વિશાળ લૅન્ડ સાથેના સેકન્ડ હોમમાં જતા રહેવાનું પસંદ કર્યું. લગભગ ૧૦૦ એકરથી વધુ જમીન અને હિલ પર એક બંગલો એમ મજાની પ્રૉપર્ટી પર થોડાક દિવસ આખા પરિવારે સાથે ગાળ્યા અને આ ક્વૉલિટી ટાઇમમાંથી જે ફળનું નિર્માણ થયું એ આજે ઑર્લેન્ડ ફાર્મ તરીકે વિકાસ પામી રહ્યું છે. ખૂબ જહેમત અને અંગત રસ લઈને આ ફાર્મ પર એક રેસ્ટોરાં તૈયાર કરવામાં આવી છે જે તમને કર્જત જેવા લોકેશન પર મજાનાં એશિયન, ઇન્ડિયન અને યુરોપિયન ક્વિઝીન્સનો સ્વાદ અપાવે છે. અહીં આસપાસના ફાર્મહાઉસમાં રહેતા લોકો તો આવે જ છે, પણ ખાસ વીક-એન્ડમાં વનડે બ્રેક કે પિકનિક ખાતર આવનારા લોકોની પણ કમી નથી. આ રેસ્ટોરાંનું નામ છે ધ સૉલ્ટ.
કર્જત જતી વખતે વાવર્લે ગામ પાસે કર્જત ચોક રોડ પર આવેલી આ રેસ્ટોરાં મુંબઈથી લગભગ દોઢ કલાકના ડ્રાઇવ પર છે. આપણે રેસ્ટોરાંના મેનુ પર આવીએ એ પહેલાં એના લુક ઍન્ડ ફીલની વાત કરી લઈએ. ચોમેર ગ્રીનરીથી આચ્છાદિત લૅન્ડસ્કેપ, આર્ટિફિશ્યલ પૉન્ડ અને મૉડર્ન છતાં ટ્રેડિશનલ ટચ ધરાવતું ઇન્ટીરિયર મનની રિલૅક્સેશનની ભૂખને પણ સંતોષે એવાં છે. અંગત રસ લઈને આ રેસ્ટોરાંની એકેએક ચીજનું પ્લાનિંગ કરનાર ૨૧ વર્ષની આલિયા આહુજા કહે છે, ‘ગયા માર્ચમાં લૉકડાઉન થયું ત્યારે અહીં કશું નહોતું. લૉન અને ગ્રીનરી વગેરે અમે મેઇન્ટેન કરેલું એ સિવાય કશું જ નહીં. શરૂઆતના પંદર-વીસ દિવસ અમે પરિવાર સાથે વાતો કરતા હતા ત્યારે આ જગ્યાને ફાર્મ તરીકે ડેવલપ કરવાની વર્ષો જૂની ફૅમિલીની ઇચ્છા બહાર આવી. અત્યાર સુધી બિઝનેસમાં વ્યસ્તતાને કારણે આ પ્રોજેક્ટ મનગમતો હોવા છતાં એના તરફ ધ્યાન નહોતું અપાયું. ગયા એપ્રિલ મહિનામાં અમને થયું કે ખબર નહીં કોરોનાનો માહોલ ક્યારે સેટલ થશે, અત્યારે જે મોકળાશનો સમય મળ્યો છે એનો ઉપયોગ કરી લઈએ. મારી મમ્મી વીણા ફૅશન-ડિઝાઇનર છે. તેણે રેસ્ટોરાંનું ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કર્યું. મારાં ભાભીએ આસપાસના લૅન્ડસ્કેપ અને ફ્લાવર પ્લાન્ટેશનનું ડિઝાઇનિંગ કર્યું. લૉકડાઉન સહેજ હળવું થયું એ પહેલાં આ ડિઝાઇન મુજબ એક્ઝિક્યુટ કરી શકે એવો લોકલ કૉન્ટ્રૅક્ટર પણ મળી ગયો. જાન્યુઆરી મહિનામાં લોકો બહાર ફરતા થયા ત્યારે અમારી રેસ્ટોરાં તૈયાર થઈ. લૉકડાઉનને કારણે આ પ્રોજેક્ટ અમે કરી શકીએ એ માટેનો પર્ફેક્ટ સમય મળી ગયો.’
જો એકાદ દિવસનો શૉર્ટ બ્રેક જોઈતો હોય તો ફુરસદથી બનેલા આ ફાર્મ પર આંટો મારી આવવા જેવું છે. પાર્કિંગમાંથી રેસ્ટોરાં તરફ જતાં બન્ને તરફ નાનકડું આર્ટિફિશ્યલ પૉન્ડ છે જેમાં માછલીઓ અને કાચબા મસ્તી કરતાં જોવા મળે. વાઇટ અને વુડન કલરનું કૉમ્બિનેશન મૉડર્ન હોવા છતાં કુદરતી વાતાવરણમાં ભળી જતું હોય એવું લાગે છે.
આસપાસની વાતો બહુ થઈ. હવે આવીએ મેનુ પર. યુરોપિયન મેનુમાં ઇટલીનો પ્રભાવ વધુ છે. એશિયન મેનુમાં બર્મીઝ ખાઉસે, થાઇ કરી અને પૅન ફ્રાઇડ નૂડલ્સ અને વૉકના ઑપ્શન્સ છે. ઇન્ડિયન ક્વિઝીનમાં ચાટ, પાંઉભાજીથી લઈને મસાલેદાર પંજાબીનો તડકો પણ જોવા મળશે.
ગરમી શરૂ થઈ ગઈ છે એટલે ગળાને ભીનું કરવા સૌથી પહેલાં કૂલર તરીકે સિટ્રસ બ્લાસ્ટ ટ્રાય કર્યું. એમાં ઑરેન્જ અને મોસંબીના ખટમીઠા કૉમ્બિનેશનમાં ખટાશ ઓવરપાવરિંગ હોવા છતાં નૅચરલ હોવાથી સારી લાગી. એમાં ઍડેડ શુગર નહોતી એ પ્લસ પૉઇન્ટ. ત્યાર બાદ અમે તંદૂર ઍપિટાઇઝર્સ પર નજર ઠેરવી. ઇન્ડિયન સ્પાઇસિસથી તૈયાર કરેલી મલાઈમાં મૅરિનેટ કરીને તંદૂરમાં ભૂંજવામાં આવેલી બ્રૉકલી એકદમ તાજી હોવાથી ક્રન્ચી હતી અને મલાઈની જે લેયર હતી એ હોઠ પર જીભ ફેરવીને ચાટી જવાનું મન થાય એટલી ટેસ્ટી. જોકે તંદૂરની આ ક્રન્ચીનેસ ગરમાગરમ ડિશ ખાશો તો જ મળશે, ઠંડી પડી જશે તો બ્રૉકલી ચવ્વડ હોય એવું લાગશે. અહીંની બીજી આવી જ ઇન્ડિયન ઍપિટાઇઝિંગ આઇટમ છે ભરવાં આલૂ ચાટ. આ રેસ્ટોરાંની એ મસ્ટ ટ્રાય ડિશ છે એમ કહીએ તો ચાલે. આખા બટાટાની અંદર કાણું પાડીને એની અંદર બાફેલાં બટાટાનું ચાટ માટેનું પૂરણ તૈયાર કરેલું છે અને એ પૂરણ સાથે બટાટાને તંદૂરમાં શેકીને તૈયાર કરવામાં આવ્યા છે. એની પર દહીં, ખજૂર-આમલીની ચટણી, કોથમીર-ફુદીનાની ચટણી અને છેલ્લે ભેળવાળી ક્રન્ચી સેવ. ભરવાં આલૂ ચાટની દરેક લેયરનો ટેસ્ટ માણવો હોય તો એની ઊભી જ સ્લાઇસ કરીને ખાવી. એક તરફ બહારના શેકાયેલા બટાટાને ચાવવાની મજા છે તો બાફેલા બટાટાના પૂરણનો મસાલો મોંને સ્વાદથી ભરી દે છે.
પૅન ફ્રાઇડ નૂડલ્સમાં ઉપરથી ફ્રાઇડ નૂડલ્સનું ગાર્નિશિંગ છે. ક્રીમી ગ્રેવીથી મોંમાં સ્વાદનો ફુવારો ઊડે અને તળેલી નૂડલ્સનો ક્રન્ચી અવાજ દાંતને મજા પડી જાય એવો. ટમેટાં, ઑલિવ ઑઇલ, બેસિલ અને મોઝરેલા ચીઝમાંથી બનતું કૅપ્રીસ સૅલડ ઇટલીની ફેમસ ડિશ છે. અમે એ કૉમ્બિનેશનવાળા કૅપ્રીસ પીત્ઝા ટ્રાય કર્યા. વુડ ફાયર સ્ટવ પર તૈયાર કરવામાં આવેલા આ પીત્ઝામાં ઑલિવ ઑઇલ અને બેસિલનો અસલી સ્વાદ માણવા મળે. આટલું ટ્રાય કર્યા પછી એશિયન વાનગીમાં બર્મીઝ ખાઉસે ટ્રાય કરી. કોકોનટ મિલ્કના બેઝમાં બનેલી કરીમાં નાળિયેરની ફ્રેશનેસ છે. ફ્રાઇડ ગાર્લિક અને ગ્રીન ગાર્લિક ઉપરથી કૉન્ડિમેન્ટ તરીકે ઉમેરવામાં આવે છે એની ક્વૉલિટી સરસ છે. ખાઉસેમાં કરીની ક્વૉન્ટિટીની સરખામણીએ નૂડલ્સની માત્રા થોડીક ઓછી છે, પણ એની સાથે ઉપર સ્પ્રિન્કલ કરવામાં આવેલા ચિલી ઑઇલને કારણે કરીનો સ્વાદ નિખરી ઊઠે છે.
છેલ્લે મોં મીઠું કરવું હોય તો વેજિટેરિયન્સ માટે માત્ર એક ઑપ્શન છે અને એ છે સૉલ્ટેડ કૅરૅમલ મૂસ. ચૉકલેટના જ કપમાં સર્વ કરવામાં આવતા આ ડીઝર્ટને કપ સાથે જ ખાઈ શકાય છે. ચૉકલેટ પર છાંટેલું ચપટીક મીઠું આ રેસ્ટોરાંના નામને સાર્થક કરે છે.

રિઝર્વેશન્સ ઓન્લી

વીક-એન્ડ દરમ્યાન અહીં સારોએવો રશ રહે છે અને હાલમાં કોવિડને કારણે ભીડ ટાળવાની હોવાથી પહેલેથી ફોન કરીને બુકિંગ કરાવીને જ ટ્રિપનો પ્લાન કરવો બહેતર રહેશે.

બીજું આકર્ષણ શું?

ઓનર વિરેન આહુજાના વિન્ટેજ કારના કલેક્શનને જોવાનો મોકો અહીં મળશે. આ ખજાનામાં એક સમયે એમ. એફ. હુસેને વાપરેલી ટચૂકડી વિન્ટેજ કાર પણ છે.
દીકરા કબીર આહુજાને પેટ્સ પાળવાનો બહુ શોખ છે. ઘરમાં ન પાળી શકાય એવાં પ્રાણીઓ જેમ કે ઇગ્વાના, હૅમસ્ટર્સ, કોકાટૂ, રૅબિટ્સ, બની માટે ખાસ ફેસિલિટી કરી છે. તમે ચાહો તો આ પ્રાણીઓને પણ દૂરથી જોઈ શકો છો.

લૉકડાઉનમાં પરિવાર સાથે વાતો કરતા હતા ત્યારે ફાર્મને ડેવલપ કરવાનો વિચાર આવ્યો જે અમે તરત અમલમાં મૂકી દીધો. આઠ મહિનામાં રેસ્ટોરાં તૈયાર થઈ, બીજી તરફ અનલૉક થઈ ગયું - આલિયા આહુજા, ડિરેક્ટર

karjat columnist food sejal patel