23 May, 2026 03:02 PM IST | Ahmedabad | Sanjay Goradia
નરેન્દ્ર મોદીએ ઝાલમુરીને હાથ લગાવ્યો ને ઝાલમુરીને લૉટરી લાગી ગઈ
આજે મારે વાત કરવાની છે ઝાલમુરીની. આ નરેન્દ્ર મોદીએ ઝાલમુરીનો આસ્વાદ લીધો ત્યારથી મારા મનમાં ચાલ્યા કરે કે ઝાલમુરી ખાવી પડે, પણ કરમની કઠણાઈ જુઓ કે હું સુરત અને અમદાવાદમાં શૂટિંગ કરું. મુંબઈમાં બે-ત્રણ જગ્યાએ સારી અને ઑથેન્ટિક ઝાલમુરી મળે છે, પણ સુરત અને અમદાવાદની મને ખબર નહીં એટલે હું તો મુંબઈ જવાની રાહ જોતો બેઠો હતો. એવામાં મને કોઈએ કહ્યું કે ઝાલમુરી તો અમદાવાદમાં પણ બેસ્ટ મળે છે અને માહ્યલો બકાસૂર જાગી ગયો. એણે તરત મને ઍડ્રેસ લેવા પર મજબૂર કર્યો અને મેં તો ઍડ્રેસ લઈ લીધું. અમદાવાદના સી. જી. રોડ પર આવેલી હોટેલ રિજેન્ટાની સામે તે ભાઈ રોડ પર જ બેસે છે. બસ, મેં નક્કી કરી લીધું કે સાંજે હું જઈશ અને મારી ટીમના પણ ત્રણ-ચાર લોકો તૈયાર થઈ ગયા. તૈયાર થયા એમાં એક અમારી ઍક્ટ્રેસ ભાવિકા સંઘવી. મિત્રો, આ ભાવિકાની ખાવા-પીવાની બાબતમાં બહુ પચ-પચ. એટલે એમ કે તે ખાવા-પીવામાં બહુ ધ્યાન રાખે, પણ ઝાલમુરીનું નામ સાંભળીને તે પણ તરત તૈયાર થઈ ગઈ એટલે મને નવાઈ લાગી. જોકે તેણે મને કહ્યું કે ઝાલમુરી એકદમ હેલ્ધી ફૂડ છે, એમાં ટકાભાર પણ ફૅટ આવતી નથી અને આ સાચું છે.
અમે તો પહોંચ્યા ઝાલમુરીવાળાને ત્યાં અને ત્યાં જઈને જોયું તો તે ભાઈ પ્યૉર બંગાળી. મારા મનમાં હાશકારો થયો અને સાથોસાથ ખુશી પણ થઈ કે તેની પાસે પુચકા પણ હતા. મિત્રો, આ પુચકા એટલે આપણી પાણીપૂરી. મને લાગે છે કે આપણા દેશની બે વરાઇટી એવી છે જે ઑલમોસ્ટ દરેક રાજ્યમાં મળે છે. એક તો ખીચડી અને બીજી પાણીપૂરી. ખીચડીનું નામ મોટા ભાગે દરેક રાજ્યમાં ખીચડી જ છે, પણ પાણીપૂરીનાં અનેક નામ છે. બંગાળમાં એને પુચકા કહે. પુચકાની એક ખાસિયત છે. એમાં બંગાળી લોકો મીઠી ચટણી નાખતા જ નથી અને બીજું એ કે એ લોકોનું તીખું પાણી પ્રમાણમાં થોડું ખાટું હોય. ઝાલમુરી તૈયાર થાય એટલી વારમાં મેં પુચકાને ન્યાય આપ્યો અને પછી હાથમાં લીધી ઝાલમુરી.
આ ઝાલમુરીની હિસ્ટરી તમે થોડાં અઠવાડિયાં પહેલાં રવિવારના ‘મિડ-ડે’ની સપ્લિમેન્ટમાં વાંચી લીધી છે એટલે એના પર ફોકસ કરવાને બદલે હું તમને કહેતો જઉં કે મારી ઝાલમુરીમાં શું હતું?
ટિપિકલ બંગાળના પફ રાઇસ એટલે કે મમરા. આ જે બંગાળનો મમરો છે એ અંદરથી ભરેલો હોય. આપણો મમરો અંદરથી ખાલી હોય. આ ભાઈ ખાસ બંગાળથી જ મમરા મગાવે છે. બંગાળી મમરો આવો હોવાનું કારણ ત્યાંના ચોખા છે. મમરામાં કાંદા, ટમેટા, બટાટા, કાકડી નાખ્યા પછી એમાં નાખે સિંગ, ચપટા ચણા, ચણાની દાળ. પછી ઉપરથી લાલ મરચું નાખે અને પછી એમાં ઝીણાં કાપેલાં મરચાં નાખીને ઉપરથી સરસવનું તેલ નાખવામાં આવે. આપણે જેમ સિંગતેલ ખાઈએ એમ બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં સરસવનું તેલ બહુ ખવાય છે. ઉપર તૈયાર કરેલી બધી આઇટમમાં સરસવનું તેલ નાખી પછી એને એકદમ મિક્સ કરી દેવામાં આવે. આ થઈ ગઈ તમારી ઝાલમુરી તૈયાર. ઘણી જગ્યાએ ઝાલમુરીમાં મગની દાળ અને સહેજ ચેવડો પણ નાખતા હોય છે જે મેં બંગાળમાં પણ જોયું છે. યાદ રાખજો, ઝાલમુરીમાં તીખી-મીઠી ચટણી નથી આવતી. જેમાં તીખી-મીઠી ચટણી નાખવામાં આવે એ બીજું કંઈ હશે પણ ઝાલમુરી તો નથી જ નથી.
ઝાલમુરી ખાવાનું શરૂ કર્યા પછી મેં તે ભાઈ સાથે વાત શરૂ કરી તો ખબર પડી કે નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખાધી અને પછી જે વિડિયો વાઇરલ થયો એ પછી આ ભાઈને ત્યાં રીતસર ઘરાકી વધી ગઈ છે અને આવું જ બધા ઝાલમુરીવાળાનું છે. જરા વિચારો સાહેબ, આપણા સાહેબ જેને હાથ અડાડે એની ડિમાન્ડ કેવી વધી જાય છે.
ઝાલમુરી ખાઈ લીધા પછી જીભ પર એવો ચટકો લાગ્યો કે મને થયું કે હવે કંઈક ગળ્યું ખાવું પડશે અને હું તો સીધો ગયો પાસે આવેલી કરિયાણાવાળાની દુકાન પર અને મેં જઈને કહ્યું કે ભાઈ, મેલડી દે. તો મને કહે, ‘ખલ્લાસ...’